World

ટ્રમ્પને 'જુગારી' કહેતાં ઈરાનની ગંભીર ચેતવણી : ટ્રમ્પ તે યુદ્ધ શરૂ કર્યું છે અમે તેનો અંત લાવીશું

By GS TEAM
24 Jun 20252 mins read
ટ્રમ્પને 'જુગારી' કહેતાં ઈરાનની ગંભીર ચેતવણી : ટ્રમ્પ તે યુદ્ધ શરૂ કર્યું છે અમે તેનો અંત લાવીશું

- 'વૈશ્વિક પરિસ્થિતિ હાથ બહાર જઈ રહી છે'

- ઈરાન પર થયેલો હુમલો તેના કાયદેસરના નિશાનોને વિસ્તારે છે અમેરિકાને તેના ગંભીર પરિણામો ભોગવવા જ પડશે : ઈરાનના પ્રવકતા

તહેરાન : ઈરાનનાં મધ્યસ્થ લશ્કરી મથક 'ખાતમ્-અલ્-અનબિયા'ના પ્રવકતા ઈબ્રાહીમ ઝૂલ્ફીકારીએ ઈરાન પર અમેરિકાએ કરેલા પ્રચંડ હુમલા સામે આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, 'અમેરિકાને આ કૃત્ય માટે ભારે અને ગંભીર પરિણામો ભોગવવાં પડશે.'

અમેરિકાનાં હુમલા પ્રત્યે ઈરાનનો કેવો જવાબ હશે તે અંગે વિશ્વ ઉંચે શ્વાસે વિચારી રહ્યું છે, ત્યારે ઈરાનની સેનાના પ્રવકતાએ સોમવારે એક વિડીયો દ્વારા અમેરિકાને ગંભીર ચેતવણી આપવા સાથે ખુલ્લી ધમકી ઉચ્ચારી હતી કે અમેરિકાના તે હુમલા ઈરાનના કાયદેસરનાં નિશાનો વિસ્તારે છે.

આ સાથે ઝૂલ્ફીકારીએ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો જુગારી કહેતાં જણાવ્યું હતું કે 'જુગારી' ટ્રમ્પ તે યુદ્ધ શરૂ કર્યું છે પરંતુ તેનો અંત તો અમે જ લાવીશું. તેઓએ તેમના રેકોર્ડેડ વિડીયો સ્ટેટમેન્ટમાં અંગ્રેજીમાં કહ્યું. મિસ્ટર ટ્રમ્પ ધી ગેમ્બલર યુસે સ્ટાર્ટ ધીસ વોર, બટ વી વિલબી ધી વન્સ ટુ એન્ડ ઈટ (જુગારી મિ. ટ્રમ્પ, તું યુદ્ધ શરૂ કરી શક્યો છે, પરંતુ તેનો અંત લાવનાર તો અમે જ રહીશું.

આ પૂર્વે યુ.એન. સ્થિત ઈરાનના રાજદૂત અમીર સઇદ ઈરાવાનીએ કહ્યું હતું કે, ફોર્ડોવ, નાતાંઝ અને ઈસ્ફરાનમાં અમેરિકાએ કરેલા હુમલાનો જવાબ આપવાનો સમય, પ્રકાર અને તીવ્રતા અમે નક્કી કરીશું.

આમ અમેરિકા અને ઈરાન વચ્ચે સતત ઝરતા તણખાઓ ઉપરથી વિશ્લેષકો સ્પષ્ટત: કહે છે હવે વૈશ્વિક પરિસ્થિતિ હાથ બહાર જઈ રહી છે.