World

ઇરાનના નવા સુપ્રીમ લીડર ખામેનેઇના પુત્ર મોજતબા

By GS TEAM
10 Mar 20262 mins read
ઇરાનના નવા સુપ્રીમ લીડર ખામેનેઇના પુત્ર મોજતબા

- અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ધમકી છતાં

- સુપ્રીમ લીડર ચૂંટાયા પછી તરત જ મોજતબા અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઘાયલ, યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત 

- અમેરિકા અમારું વિભાજન કરીન ઓઇલ ક્ષેત્રો કબજે કરવા માંગે છે : ઇરાનનો દાવો

તહેરાન : અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઇરાને તેના નવા સુપ્રીમ લીડરની પસંદગી કરી લીધી છે. નવા સુપ્રીમ લીડર તરીકે આયતુલ્લાહ ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈની પસંદગી કરવામાં આવી છે. તેમના નામની ચર્ચા આમ તો પહેલેથી જ હતી. અમેરિકા અને ઇઝરાયેલની ધમકી છતાં પણ તેમના નામ પર પસંદગીની મહોર મારીને તેમને જવાબ આપી દેવાયો છે. 

રોઇટર્સના અહેવાલ મુજબ મોજતબા ખામેનેઈ તેમના પિતાના ઉત્તરાધિકારી બનશે. ૮૮ ધર્મગુરુઓની ધર્મસભાએ તેમના નામ પર મંજૂરીની મહોર લગાવી હતી. 

મોજતબા ખામેનેઈ જન્નતશીન સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના બીજા પુત્ર છે. જો કે ઇરાનમાં નેતૃત્વ વંશ પરંપરાગત હોતું નથી. ધાર્મિક અને ખાસ કરીને રિવોલ્યુશનરી ગાર્ડ્સમાં તેમનો ઊંડો પ્રભાવ હોવાનું કહેવાય છે. પડદા પાછળ સત્તાના સંચાલનમાં તેમની ભૂમિકા લાંબા સમયથી મહત્ત્વની છે. ૫૮ વર્ષના મોજતબા ખામેનેઈને તેમના પિતા કરતાં પણ વધુ કટ્ટર આગેવાન માનવામાં આવે છે.

જો કે અહીં આંચકાજનક સમાચાર એવા છે કે મોજતબા ખામેનેઈની નિમણૂકની જાહેરાત થઈ છે ત્યાં તો તે અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઇજા પામ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.  આ સમાચારે ઇરાન અને આખા મધ્યપૂર્વમાં  તનાવ વધી ગયો છે. મોજતબા ખામેનેઈ યુદ્ધ શરૂ થયા પછી દેખાયા નથી. તે અમેરિકા-ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં ઇજા પામ્યા હોવાનું માનવામાં આવે છે.

ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ દાવો કર્યો છે કે અમેરિકા ઇરાનને વિભાજીત કરીને તેનો જંગી ઓઇલ ભંડાર કબ્જે કરવા માંગે છે. અમેરિકા અને ઇઝરાયેલે હુમલા કરીને આંતરરાષ્ટ્રીય નિયમો અને કૂટનીતિક પરંપરાઓનો ધ્વંસ કર્યો છે. અમેરિકા અને ઇઝરાયેલે આ વાતચીત ત્યારે કરી જ્યારે મંત્રણા ચાલી રહી હતી. 

ઇરાને કતાર, બહેરિન અને કુવૈતમાં હુમલો કર્યો છે. તેના કારણે તેના ડિસેલિનેશન પ્લાન્ટ્સમાંના એક પ્લાન્ટને નુકસાન પહોંચ્યું હોવાનો બહેરિને દાવો કર્યો છે. આ રીતે જો ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલા થતાં રહેશે તો આ વિસ્તારમાં રહેતા લાખો લોકોને અસર પડી શકે છે.