World

ઈરાનના ઝનૂની વળતા પ્રહારો : મધ્ય પૂર્વનાં 13 અમેરિકી સૈન્ય મથકો ખતમ કરી નાખ્યાં

By GS TEAM
26 Mar 20262 mins read
ઈરાનના ઝનૂની વળતા પ્રહારો : મધ્ય પૂર્વનાં 13 અમેરિકી સૈન્ય મથકો ખતમ કરી નાખ્યાં

- ગાઝાપટ્ટી તબાહ થઈ શકે : ઈરાન તબાહ ન થઈ શકે

- પોતાના સર્વોચ્ચ આયાતોલ્લાહ અલિ-ખામેનેઇની હત્યા પછી ઈરાને ખૂન્નસભર્યા હુમલાઓની પરંપરા શરૂ કરી દીધી છે

નવી દિલ્હી : મધ્ય પૂર્વ યુદ્ધ વિસ્તરતું જાય છે. અમેરિકા - ઇઝરાયલના પ્રચંડ આક્રમણ સામે ઈરાન ઝનૂની વળતા પ્રહારો કરી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઇમ્સ જણાવે છે કે ઈરાને મધ્ય પૂર્વમાં રહેલા ઓછામાં ઓછા ૧૩ અમેરિકી સૈન્ય મથકો ખતમ કરી નાખ્યા છે અને તે પણ તેટલી હદ સુધી કે હવે તે રહેવા લાયક જ રહ્યા નથી. સૈનિકો, ખંડેર સમાન બની ગયેલા મકાનોમાંથી નીકળી તત્કાળ ઉભા કરાયેલા તંબુઓમાં રહેવા ચાલ્યા ગયા છે. કોઈ કોઈ (ઉચ્ચ અધિકારીઓ) હોટલોમાં અને સૈન્ય મથકો પાસેની ઓફિસોમાં રહેવા ચાલ્યા ગયા છે.

આ સૈન્ય મથકો પાસેની હવાઈ પટ્ટીઓ પણ તુટી ગઈ છે. જે કોઈ બાકી રહી છે ત્યાં સાધનો અને સરંજામ પહોંચાડવા માટે વિમાનો ઉતરાણ કરી શકે છે. તકલીફ તો તે છે કે કેટલાએ એરબેઝ ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલામાં ખતમ થઈ ગયા છે કે અત્યંત નુકસાન પામ્યા છે. કુવૈત સ્થિત એર બેઝિઝને ખૂબ નુકશાન થયું છે. તે પૈકી પોર્ટશુમૈબા તથા અલિ-અલ-સાબેત એરબેઝ અને કેમ્પ બ્યુહણિ એરબેઝનો તો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ એર બેઝીઝ ઈરાનની સરહદની નજીક હોવાથી તેની ઉપર ઈરાને જબરજસ્ત હુમલા કર્યા છે.

ન્યૂયોર્ક ટાઇમ્સ જણાવે છે કે ૧૩ સેના-બંકરો તો ખતમ થઈ જ ગયા છે. પરંતુ અમેરિકી સેના સાથે જોડાયેલા કતાર, બહેરિન અને સુદી-અરબસ્તાનમાં આવેલા અમેરિકાના અન્ય મથકો જેવા કે દૂતાવાસો, વ્યાપારી મિશન્સ માટેના નિવાસસ્થાનો, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર્સ, બધા ઉપર નીશાન તાકી તાકીને ઈરાન મિસાઇલ્સ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે.

કેટલાક નિરીક્ષકોનું તો કહેવું છે કે, અમેરિકા ગાઝા પટ્ટીમાં પ્રચંડ હુમલા કરી પેલેસ્ટાઇનીઓને તાબે કરી શક્યું હતું પરંતુ ગાઝા પટ્ટી તો માત્ર ૨૦ માઇલ પહોળી પટ્ટી છે. તે ખતમ થઇ શકે જયારે ઈરાન ૧૬૪૧૯૫ ચો.કિમી.નો દેશ છે. ૭ કરોડથી વધુ વસ્તી ધરાવતો અને મહદઅંશે આત્મનિર્ભર દેશ છે. તે તબાહ થઈ જ ન શકે.

તે જે હોય તે પરંતુ ઈરાન યુદ્ધ દિવસે દિવસે વકરતુ જાય છે. શાંતિ ક્ષિતિજ ઉપર પણ દેખાતી નથી.