ઈરાનના ધર્મગુરૂએ ટ્રમ્પ અને નેતન્યાહૂને 'અલ્લાહના દુશ્મન' કહેતો 'ફતવો' જાહેર કર્યો

- 1989માં આવો ફતવો લેખક સલમાન રશ્દી સામે જાહેર કર્યો હતો : ત્યારથી તેઓ ગુપ્તવાસમાં ચાલ્યા ગયા છે
તહેરાન : ઈરાનના ટોચના શિયાપંથી ધર્મગુરૂ મહાન આયાતોલ્લાહ નાસેર મકરેમ શિરાઝીએ અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે તે બંનેને 'અલ્લાહના દુશ્મન' તરીકે જણાવતો 'ફતવો' જાહેર કર્યો હતો અને દુનિયાભરના મુસ્લીમોને તેમની સામે પગલા ભરવા અનુરોધ કર્યો હતો.
આ ફતવામાં શિરાઝીએ જણાવ્યું હતું કે, 'કોઈપણ વ્યક્તિ કે રાજ્ય નેતા (માર્જા) જે અલ્લાહની વિરૂદ્ધ હોય તેને મોહારેબ જાહેર કરવા જોઈએ.' (મોહારેબ તેને કહેવાય છે કે જે અલ્લાહની વિરૂદ્ધ 'યુદ્ધ' છેડે.) તેમણે વધુમાં કહ્યું - 'જે મુસ્લીમ ધર્મમાં દર્શાવેલી ફરજોને અનુસરતો હોય અને તે માટે મુશ્કેલીઓ પણ વેઠી રહ્યો હોય તે તો (મૃત્યુ પછી) અલ્લાહના શરણે જ જાય છે.'
આ પૂર્વે આવો જ એક ફતવો ૧૯૮૯માં વિચારક અને લેખક (મૂળ બેંગ્લોરમાં જન્મેલા) સલમાન રશ્દી જેઓ ઈંગ્લેન્ડમાં રહેતા હતા, તેઓએ લખેલા પુસ્તક 'ધી શેતાનિક વર્સીસ' માટે પણ બહાર પડાયો હતો. તેથી તેઓને અજ્ઞાાતવાસમાં ચાલ્યા જવું પડયું હતું, તે સર્વવિદિત છે.
ટૂંકમાં આ ફતવાને લીધે ઘણાએ કટ્ટરપંથી મુસ્લીમો નેતન્યાહૂ અને ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરા ઘડવા લાગે તે અસંભવિત તો નથી. જોકે તે બંને આટલું સમજી તો ગયા જ હશે, અને તેમના દેશોએ તેમની સુરક્ષા કડક બનાવી પણ દીધી હશે તે સહજ છે.








