World

ડેડી પાસે દોડી જવા સિવાય તેની પાસે વિકલ્પ જ ન હતો

By GS TEAM
29 Jun 20252 mins read
ડેડી પાસે દોડી જવા સિવાય તેની પાસે વિકલ્પ જ ન હતો

- ઇરાનના વિદેશમંત્રીનો ઇઝરાયલ પર કટાક્ષ

- અમેરિકાને ધમકી આપતાં તેઓએ કહ્યું : જો અમારી સાથે ખરા અર્થમાં સમજૂતી કરવા માગતા હો તો અમારા નેતા ખામેની માટે તોછડા શબ્દો ન વાપરો

તહેરાન : ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અર્ધવીએ ઇઝરાયલ ઉપર ભયંકર કટાક્ષ કરતાં કહ્યું હતું કે તેની પાસે ડેડી પાસે દોડી જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ ન હતો. કહેવાની જરૂર જ નથી કે ડેડી શબ્દ તેમણે અમેરિકા માટે વાપર્યો હતો.

ઇરાન પર અમેરિકાની એરસ્ટ્રાઇક થયા પછી ઇઝરાયલ પર આવા ઉગ્ર કટાક્ષો તેઓએ તેઓના ઠ પોસ્ટ પર કર્યા હતા અને કહ્યું હતું કે ઇરાન ઇઝરાયલને જમીન દોસ્ત કરી નાખે તેમ હતું તેથી તો તે તેના ડેડી પાસે દોડી ગયું.

આ સાથે અમેરિકાને પણ ધમકી આપતાં કહ્યું : જો અમારી સાથે ખરા અર્થમાં સમજૂતી સાધવા માગતા હો તો તમારે અમારા સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામેની માટે તોછડા શબ્દો વાપરવા બંધ કરવા જ જોઇએ.

આ સાથે તેમણે ઇરાન વિષે કહ્યું કે મહાન ઇરાનીઓની ગમે તેવી આપત્તિઓ સામે ટકી રહેવાની તાકાત અને બહુવિધતા આખી દુનિયાએ જોઈ લીધી છે, આથી ઇરાનની શક્તિ અંગે ગેરસમજમાં રહેવાની જરૂર નથી. ઇરાન અંત લાવી જ શકે તેમ છે. પરંતુ અમેરિકાએ અમારા સર્વોચ્ચ નેતા પ્રત્યે અપમાનજનક શબ્દો વાપરવા બંધ કરવા જોઇએ.

અમે અમારી કિંમત સમજીએ છીએ. અમારાં સ્વાતંત્ર્યનું મૂલ્ય પણ સમજીએ છીએ અમે કોઇને પણ અમારૂં ભવિષ્ય ઘડવા દેશું નહીં.