ટ્રમ્પે વિશ્વાસઘાત કરી બાળકોને માર્યા, હવે વાતચીતની કોઈ શક્યતા નથી: ઈરાનનો અમેરિકાને જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Israel Iran War: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયલ તરફથી ઈરાન પર સતત હુમલા અને ઈરાનની વળતી કાર્યવાહીને કારણે સંઘર્ષ વધુ ઘેરો બની રહ્યો છે. છેલ્લા અગિયાર દિવસથી વિસ્તારમાં તણાવ ચરમસીમા પર છે અને ઈરાન તરફથી ખાડી દેશોમાં આવેલા અમેરિકન ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા ચાલુ છે. આ દરમિયાન શાંતિ સ્થાપવા માટે રાજદ્વારી માર્ગો પર ચર્ચાના પ્રયાસો થયા, પરંતુ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકા સાથે ફરીથી મંત્રણાની શક્યતાને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
'અમેરિકાએ વિશ્વાસઘાત કર્યો'
તેમનું કહેવું છે કે અમેરિકા સાથેની અગાઉની વાતચીતથી વિશ્વાસ તૂટી ગયો છે અને વારંવાર થયેલા હુમલાઓને કારણે હવે વ્યૂહનીતિની કોઈ શક્યતા બચી નથી. અરાઘચીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઈરાને ગત વર્ષે જૂનમાં અમેરિકા સાથે વાતચીત કરી હતી, પરંતુ વાતચીતની વચ્ચે જ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ વર્ષે પણ અમેરિકાએ આપ્યું હતું વાતચીતનું આશ્વાસન: અરાઘચી
અરાઘચીએ વધુમાં જણાવ્યું કે, આ વર્ષે પણ અમેરિકાએ આશ્વાસન આપ્યું હતું કે હુમલો નહીં થાય અને પરમાણુ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકાશે, પરંતુ તેમ છતાં અમેરિકાએ હુમલો કર્યો. તેમણે કહ્યું કે હવે અમેરિકા સાથે વાતચીત કરવી તેમની પ્રાથમિકતામાં નથી. અરાઘચીએ આ દરમિયાન ઈરાનમાં નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની પસંદગીને સ્થિરતાનો સંકેત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે નવા નેતાની નીતિઓ ધીમે-ધીમે સામે આવશે.
ક્રૂડના વધતા ભાવ પર પણ બોલ્યા અરાઘચી
અરાઘચીએ જણાવ્યું કે અમેરિકા અને ઈઝરાયલના ઝડપી વિજયના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેમનું કહેવું હતું કે અમેરિકા અને ઈઝરાયલ વિચારી રહ્યા હતા કે થોડા દિવસોમાં શાસન પરિવર્તન અથવા મોટી જીત મેળવી લેશે, પરંતુ તેમને સફળતા મળી નથી. ક્રૂડના વૈશ્વિક પુરવઠા અને ભાવમાં વધારા માટે ઈરાનને દોષ આપવાની વાત પર અરાઘચીએ કહ્યું કે આ તેમની યોજના નથી. તેલ ઉત્પાદન અને પરિવહનમાં અવરોધ અમેરિકન અને ઈઝરાયલી હુમલાઓને કારણે થયો છે. આ જ કારણ છે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજો સુરક્ષાનો અનુભવ કરી રહ્યા નથી.
આ પણ વાંચો: ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં ટ્રમ્પ! ઓઈલના ભાવ પણ ઘટશે
'મિનાબ સ્કૂલ પર હુમલા માટે અમેરિકા જવાબદાર'
ઇન્ટરવ્યૂમાં અરાઘચીએ મિનાબમાં વિદ્યાર્થિનીઓ શાળા પર થયેલા હુમલામાં 170થી વધુ લોકોના મોત માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'આ હુમલો અમેરિકન મિસાઇલથી થયો હતો. આ યુદ્ધ તેમના પર લાદવામાં આવ્યું છે અને ઈરાન માત્ર પોતાના લોકો અને સંસાધનોની રક્ષા કરી રહ્યું છે. આ સાથે ઈરાનના સૈન્ય જવાબને તેમણે આત્મરક્ષા ગણાવ્યું હતું. તેમણે ફરીથી ચેતવણી આપી કે ઈરાન તેના મિસાઇલ હુમલા ત્યાં સુધી ચાલુ રાખશે જ્યાં સુધી જરૂર જણાશે અને જ્યાં સુધી પોતાના લોકો અને દેશની રક્ષા જરૂરી હશે.








