Iran US Conflict : ઈરાન-અમેરિકાના યુદ્ધવિરામનો આવતીકાલે (22 એપ્રિલ) છેલ્લો દિવસ છે. બંને દેશોના વિવાદનો ઉકેલ લાવવા માટે પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદમાં બંને વચ્ચે બીજા તબક્કાની શાંતિ વાર્તા યોજાવાની છે. જોકે તે પહેલા બંને દેશોના આક્રમક વલણે ફરી ચિંતા વધારી દીધી છે.
ઈરાનની અમેરિકાને ધમકી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સીધી જ વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, પરંતુ ઈરાની સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે, અમે કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છીએ. દુશ્મનની કોઈપણ ધમકીનો અમારા પર કોઈ પ્રભાવ પડવાનો નથી અને અમે મજબૂતી સાથે જવાબ આપીશું.
અમેરિકા યુદ્ધવિરામ માટે મજબૂર થયું : ઈરાન
ઈરાની સૈન્યના મેજર જનરલ અલી અબ્દોલ્લાહીએ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)ના સ્થાપના દિવસ નિમિત્તે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે, ‘ઈરાનની બહાદુર પ્રજાને IRGC અને દેશની રક્ષા કરનારા સૈનિકોની શક્તિઓ, તૈયારીઓ અને વ્યાપક વ્યૂહાત્મક ક્ષમતાઓ પર ગર્વ છે. આ દળોએ મિસાઇલ-ડ્રોન હુમલા કરીને અમેરિકાને દબાણમાં લાવી દીધું છે, જેના કારણે તેઓ થાકી ગયા છે અને યુદ્ધવિરામ કરવા મજબૂર થયા છે.’
આ પણ વાંચો : નેતન્યાહુની ધરપકડ થશે? હંગેરીના નવા PMનો ધડાકો- ‘અમારા દેશમાં આવશે તો જેલભેગા કરીશું’
સૈનિકો, સરકાર, પ્રજાએ એકતા દેખાડી
તેમણે કહ્યું કે, ‘ઈરાનની પ્રજાએ જોશ સાથે રસ્તાઓ પર ઉતરી આવીને દેખાડી દીધું કે તેઓ સશસ્ત્ર દળોનું ભરપૂર સમર્થન કરી રહ્યા છે. ઈરાનના બહાદુર સશસ્ત્ર સૈનિકો, સરકાર અને દેશ માટે સાહસ દેખાડનારી જનતાએ સાથે મળીને, સર્વોચ્ચ કમાન્ડરના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરીને તેઓ એક હોવાનું દેખાડી દીધું છે. તેઓ દુશ્મનની કોઈપણ ધમકી અથવા કાર્યવાહી સામે નિર્ણાયક જવાબ આપવા માટે તૈયાર છે.’
‘અમેરિકાના રાષ્ટ્રપતિ ખોટા તેમજ ભ્રામક દાવાઓ કરી રહ્યા છે’
અબ્દોલ્લાહીએ વધુમાં કહ્યું કે, ‘સશસ્ત્ર દળો મજબૂત સ્થિતિમાં છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ખોટા તેમજ ભ્રામક દાવાઓ કરી રહ્યા છે. અમે તેમને સૈન્ય સંઘર્ષ દરમિયાન શાંતિના સમયનો દુરુપયોગ કરીને જમીની સ્થિતિનું ખોટું ચિત્ર રજૂ કરવાની મંજૂરી આપીશું નહીં, ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુનીના સંચાલન અને નિયંત્રણને લઈને. કોઈપણ સમજૂતીના ઉલ્લંઘન પર સક્ષમ અને અસરકારક રીતે જવાબ આપવામાં આવશે.’


