ઈરાન આત્મસમર્પણ નહીં કરે, યુદ્ધમાં અમેરિકા ઝંપલાવશે તો ભયંકર યુદ્ધ થશે: ખામેનેઈની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel Iran War: ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના 86 વર્ષીય સુપ્રીમ લીડરઆયતુલ્લા અલીમ ખામેનેઈ સતત એકલા પડતા નજરે પડી રહ્યા છે. યુદ્ધ શરૂ થયાના માત્ર 6 દિવસની અંદર ખામેનેઈએ પોતાના મુખ્ય સૈન્ય અને સુરક્ષા સલાહકારોને ઈઝરાયલી હવાઈ હુમલામાં ગુમાવી દીધા છે, તેના મોટા ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ માર્યા ગયા છે. તેનાથી ખામેનેઈના ઇનર સર્કલમાં મોટું ગાબડું પડી ગયું છે અને ઈરાન તરફથી રણનીતિક ખામીઓનો ખતરો વધી ગયો છે. આ વચ્ચે ટ્રમ્પ આ યુદ્ધની શરૂઆતથી જ ઈરાનને આત્મસમર્પણ કરવા ધમકી અને સલાહ આપી રહ્યા છે. ત્યારે હવે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ કહ્યું કે, ઈઝરાયલે મોટી ભૂલ કરી દીધી છે અને તેની સજા મળશે. અમે શહીદોની કુરબાનીને નહીં ભૂલીએ. ઈરાનના લોકો આ હુમલો નહીં ભૂલે. અમારી સેના રક્ષા માટે તૈયાર છે. અમેરિકા સમજી લે, અમે આત્મસમર્પણ નહીં કરીએ.
ઈરાને ઈઝરાયલને આપી ધમકી
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાના કૂદવાની અટકળો વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડરઆયતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું કે, તેમનો દેશ કોઈપણ સંજોગોમાં આત્મસમર્પણ નહીં કરે. રાષ્ટ્રીય ટેલીવિઝન પર ખામેનેઈએ દેશના નામે રાષ્ટ્રીય સંબોધનમાં કહ્યું કે, ઈરાન કોઈપણ સંજોગોમાં આત્મસમર્પણ નહીં કરે. ઈરાનની જનતા પોતાના શહીદોના ખૂનને ક્યારેય નહીં ભૂલે. દેશની હવાઈ સરહદનું ઉલ્લંઘન કરનારાઓને ક્યારે માફ નહીં કરવામાં આવે. જો અમેરિકા ઇસ્લામી ગણરાજ્યના દુશ્મનોનો સાથ આપ્યો તો તેને ગંભીર પરિણામ ચૂકવવા પડશે. અમેરિકનોને જાણ હોવી જોઈએ કે, સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા કોઈપણ સૈન્ય હસ્તક્ષેપથી તેને અપૂરણીય ક્ષતિ ઉઠાવવી પડશે.
તેમણે ઈઝરાયલને કહ્યું કે, 'જો અમેરિકા યુદ્ધના મેદાનમાં ઝંપલાવે છે તો પછી ઓલઆઉટ વોર થશે.' ઈરાને કહ્યું કે, 'તેઓ ઈઝરાયલને આકરો જવાબ આપશે અને જો અમેરિકન સેનાઓ સંઘર્ષમાં સામેલ થશે તો તેઓ તેમના વિરૂદ્ધ પણ એવું જ કરશે.' જિનેવામાં ઈરાનના રાજદૂત અલી બહરીનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'જો ઈઝરાયલી એટેક થતા રહેશે તો તેહરાન તરફથી આકરો જવાબ આપવામાં આવશે.'

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું હતું?
હાલમાં જ ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ સોશિયલ પર બોલ્ડ અક્ષરોમાં પોસ્ટ કરી છે 'UNCONDITIONAL SURRENDER' અર્થાત તે ઈરાનને શરતો વિના આત્મસમર્પણ કરવા કહી રહ્યા છે. ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ માટે આકરા શબ્દોમાં કહ્યું છે કે, અમે જાણ છે કે, સુપ્રીમ લીડર ક્યાં છુપાયા છે. તેઓ એક સરળ ટાર્ગેટ છે. પરંતુ હાલ તેઓ સુરક્ષિત છે. અમે હાલ તેમના પર હુમલો કરવા જઈ રહ્યા નથી. અમે નથી ઈચ્છતા કે, મિસાઈલ વડે નાગરિકો પર હુમલો થાય તથા અમેરિકાના સૈનિકોને ટાર્ગેટ બનાવાય. પરંતુ હવે અમારી ધીરજ ખૂટી રહી છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અમેરિકા ઈરાનને ઝૂકાવવા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યું છે. પરંતુ ઈરાન આત્મસમર્પણ કરવા ટસનું મસ થઈ રહ્યુ નથી. ઈરાનના આ વલણને ધ્યાનમાં રાખતાં અમેરિકાએ યુરોપમાં આશરે 30 ફાઈટર જેટ મોકલ્યા છે. જેનો ઉપયોગ અમેરિકાના સૈન્ય મથકોની રક્ષા કરનારા ફાઈટર જેટની સહાયતા માટે કરવામાં આવશે. જે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર કોઈપણ સંભવિત હુમલામાં સામેલ ફાઈટર જેટની મદદ કરશે.








