- 'અબ્રહામ લિંકન' સહિત પ્રચંડ કાફલો ગલ્ફ સામે પડયો છે
- અમેરિકી યુદ્ધ મંત્રીએ કહ્યું : 'ઈરાને પરમાણુ શસ્ત્રો બનાવવા ન જોઈએ નહીં તો અમેરિકી સેના પ્રમુખનાં હુકમની રાહ જોઈને જ બેઠી છે'
વોશિંગ્ટન : અમેરિકાએ ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ અંગે અતિ કઠોર ચેતવણી આપી છે સાથે અમેરિકાએ મધ્ય-પૂર્વમાં તેની લશ્કરી હાજરી વધારી દીધી છે, તેટલું જ નહીં પરંતુ ઈરાનના અખાત (ગલ્ફ)ની બહાર અમેરિકાનાં પ્રચંડ વિમાન વાહક જહાજ 'અબ્રહામ લિંકન'નાં નેતૃત્વ નીચે અમેરિકાનાં પ્રચંડ યુદ્ધ નૌકા કાફલો લાંગરી પડયા છે. સાથે અમેરિકી સેના આક્રમણ માટેના પ્રમુખ ટ્રમ્પના હુકમની રાહ જોઈને જ બેઠી છે.
કેબિનેટ મીટીંગમાં બોલતાં અમેરિકી યુદ્ધ મંત્રી (વોર સેક્રેટરી) પેટ હેગસેટે કહ્યું હતું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર સ્પષ્ટ રીતે માને છે કે, ઈરાને પરમાણુ શસ્ત્રો બનાવવા જ ન જોઈએ.' કારણ કે તેથી પ્રાદેશિક સ્થિરતા સાથે વૈશ્વિક સ્થિરતા અને શાંતિ જોખમાય છે. તેથી જ ઈરાનને પરમાણું શસ્ત્ર બનાવતું રોકવા અમેરિકા કૃતનિશ્ચયી છે.
અમેરિકાના યુદ્ધ મંત્રીએ આગળ કહ્યું હતું કે, અમેરિકાએ જે પ્રચંડ નૌકા કાફલો ગલ્ફ અને આસપાસના વિસ્તારમાં ગોઠવ્યો છે તે તહેરાનને સીધો ગંભીર સંદેશો આપી દે છે.
આ સાથે તેમણે કહ્યું કે, અમેરિકાની તાકાત શી છે તેની તો દુનિયાને ખબર જ છે. તેમાંયે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્નીનાં અમેરિકી સૈન્યે અપહરણ કર્યા પછી તો અમેરિકી સેનાની પ્રતિષ્ઠા અત્યંત ઊંચી ગઈ છે. આવી જટીલ પરિસ્થિતિમાં પણ ટ્રમ્પ વહીવટી તંત્રે સેનાને સતત પુષ્ટિ આપી છે.
હેગસેટે પ્રમુખની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેઓ જે બોલે છે તે કરીને જ ઝંપે છે.
ટ્રમ્પે તેના સોશ્યલ પ્લેટફોર્મ 'ટ્રુથ-સોશ્યલ' ઉપર લખ્યું હતું કે, 'એક પ્રચંડ નૌકા કાફલો, વિશાળ વિમાનવાહક જહાજ, યુ.એસ.એસ. અબ્રહામ લિંકન'ના નેતૃત્વ નીચે 'ગલ્ફ' વિસ્તારમાં મોકલેલો કાફલો, પૂર્વે વેનેઝૂએલામાં મોકલેલા કાફલા કરતાં ઘણો જ વધુ પ્રબળ હશે.
ટૂંકમાં તેલ ઉપર તરતાં મધ્યપૂર્વમાં ગમે તે ક્ષણે 'ભડકો' ભભૂકી ઊઠે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે.


