‘અમે કોઈ પણ સંજોગોમાં યુદ્ધમાં ભાગ નહીં લઈએ...’ ટ્રમ્પની ધાકધમકી પછી પણ સ્પેનના વડાપ્રધાન અડીખમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran US War: મધ્ય પૂર્વ દેશોમાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવા માટે તાજેતરમાં અમેરિકાએ સ્પેનમાં આવેલા સંયુક્ત મિલિટરી બેઝનો ઉપયોગ કરવાની માંગ કરી હતી. જો કે, આ માટે સ્પેને ના પાડી દેતાં અમેરિકા રોષે ભરાયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેપારી નાકાબંધીની ધમકી આપ્યા પછી પણ સ્પેન પોતાના નિર્ણય પર અડગ છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે સ્પષ્ટ શબ્દોમાં રોકડું પરખાવી દીધું છે કે, ‘સ્પેન મધ્ય પૂર્વના યુદ્ધમાં ભાગ નહીં લે.’ સાંચેઝે સ્પેનની સ્થિતિ માત્ર ત્રણ શબ્દોમાં સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, ‘યુદ્ધ માટે ના.’
શું છે સમગ્ર વિવાદ?
અમેરિકા અને ઈઝરાયલ ઈરાન સામે આકરી લશ્કરી કાર્યવાહી કરી રહ્યા છે, જે અંતર્ગત તાજેતરમાં અમેરિકાએ સ્પેનમાં આવેલા સંયુક્ત મિલિટરી બેઝનો ઉપયોગ કરવાની માંગ કરી હતી. સ્પેનમાં રોટા અને મોરોનના કેટલાક મિલિટરી બેઝનું સંચાલન અમેરિકા અને સ્પેન સંયુક્ત રીતે કરે છે. જો કે, આ તમામ બેઝ પરના અંતિમ અધિકાર સ્પેન પાસે જ છે. સ્પેન સરકારે અમેરિકાની માંગણી ફગાવી દીધી છે. તેનું કારણ એ હતું કે ઈરાન પરના હુમલાને યુનાઈટેડ નેશન્સની મંજૂરી નથી. સ્પેનના આ નિર્ણય પછી અમેરિકા નારાજ થયું છે અને તેણે પોતાના લગભગ 15 લશ્કરી વિમાનો સ્પેનમાંથી જર્મની ખસેડી દીધા છે.
ટ્રમ્પની સ્પેનને પણ ધમકી, તમામ વેપારી સંબંધ ખતમ
સ્પેનના ઇનકારથી નારાજ થઈને ટ્રમ્પે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથેની મુલાકાત વખતે સ્પેનની ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે સ્પેનનું વલણ ‘ખૂબ ખરાબ’ છે. મેં મારા ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટને સ્પેન સાથેના વેપાર સંબંધો ખતમ કરવાની સૂચના આપી દીધી છે. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે અમેરિકા ઇચ્છે તો તે આ મિલિટરી બેઝનો ઉપયોગ કરી શકે છે. કોઈ અમને રોકી શકે એમ નથી, પરંતુ હાલ અમેરિકાને એવું કરવાની જરૂર નથી.
નાટો ખર્ચાના મુદ્દે પણ અમેરિકા સ્પેનથી નારાજ
સ્પેન સાથે થયેલા તણાવ પાછળ બીજું કારણ નાટો (NATO) માટેનો સંરક્ષણ ખર્ચ પણ છે. ટ્રમ્પ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે નાટોના તમામ સભ્ય દેશો પોતાના GDPના 5% જેટલો ખર્ચ સંરક્ષણ પર કરે. પરંતુ સ્પેને આ લક્ષ્યાંક સ્વીકાર્યો નથી. સ્પેનનું કહેવું છે કે, અમે આશરે 2.1% ખર્ચ કરીશું. આ કારણે ટ્રમ્પે સ્પેનને ‘અમેરિકાનો સાથ ન આપનાર એકમાત્ર દેશ’ ગણાવ્યો છે.
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો સ્પષ્ટ જવાબ
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ટ્રમ્પની ધમકીનો સીધો જવાબ આપતાં કહ્યું હતું કે ‘સ્પેન કોઈ પણ દેશના દબાણ કે બદલાના ડરથી પોતાના મૂલ્યો સાથે સમાધાન નહીં કરે. મધ્ય પૂર્વમાં યુદ્ધ વધશે તો લાખો લોકોના જીવન પર ગંભીર અસર પડશે. અમે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનને યુદ્ધવિરામ માટે અપીલ પણ કરીએ છીએ. 2003ના ઈરાક યુદ્ધનું ઉદાહરણ જુઓ. તે યુદ્ધ પછી યુરોપમાં અસુરક્ષાની મોટી લહેર ફેલાઈ ગઈ હતી.’
વ્હાઇટ હાઉસનો દાવો અને સ્પેનનો ઇનકાર
આ દરમિયાન વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે દાવો કર્યો હતો કે સ્પેન હવે અમેરિકન સેનાને સહયોગ આપવા તૈયાર થઈ ગયું છે. જો કે, સ્પેનના વિદેશ પ્રધાન જોસ મેન્યુઅલ આલ્બારેસે આ વાતનો તરત જ ઇનકાર કરતાં કહ્યું હતું કે સ્પેનનું વલણ બદલાયું નથી અને ‘યુદ્ધ માટે ના’ જ રહેશે. સ્પેનના નાયબ વડાપ્રધાન મારિયા જીસસ મોન્ટેરોએ પણ કહ્યું હતું કે સ્પેન કોઈ દેશનો આદેશ માની લે તેવો દેશ નથી.
યુરોપિયન યુનિયને પણ સ્પેનને ટેકો આપ્યો
ટ્રમ્પની ધમકી પછી યુરોપિયન યુનિયન પણ સ્પેનની તરફેણમાં આવી ગયું છે. યુરોપિયન યુનિયનના કમિશનર સ્ટેફન સેજોર્નેએ જણાવ્યું હતું કે કોઈ પણ સભ્ય દેશ સામેની ધમકી સમગ્ર ઈયુ સામેની ધમકી સમાન છે. જર્મન ચાન્સેલર મેર્ઝે પણ ટ્રમ્પને કહ્યું હતું કે સ્પેન ઈયુનો સભ્ય દેશ છે, તેથી તેની સામે અલગ રીતે કાર્યવાહી કરી શકાતી નથી.
આર્થિક અસર કેટલી થઈ શકે?
નિષ્ણાતોના મતે અમેરિકા માટે માત્ર સ્પેન સામે વેપારી નાકાબંધી લગાવવી સરળ નથી કારણ કે, વેપાર નીતિઓ ઈયુ સ્તરે નક્કી થાય છે, યુરોપના એકલ-દોકલ દેશ સામે નહીં.
સ્પેનના સેન્ટ્રલ બેંકના આંકડા જણાવે છે કે, અમેરિકા સાથેનો વેપાર સ્પેનના GDPના લગભગ 4.4% જેટલો છે. આ ઉપરાંત સ્પેન અમેરિકામાં 18.6 અબજ ડોલરની નિકાસ કરે છે, જેમાં મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ્સ, ઓલિવ ઓઇલ અને રિફાઇન્ડ ગેસ જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. સ્પેન સરકારે કહ્યું છે કે જો અમેરિકાના વલણને લીધે કોઈ નકારાત્મક આર્થિક અસર થશે તો સ્પેન તેનો સામનો કરવા તૈયાર છે.









