Get The App

અમેરિકા-ઇરાન શાંતિ સમજૂતી માટે 6 મુદ્દા પર સહમતી, રવિવારે જિનેવામા થશે હસ્તાક્ષર

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા-ઇરાન શાંતિ સમજૂતી માટે 6 મુદ્દા પર સહમતી, રવિવારે જિનેવામા થશે હસ્તાક્ષર 1 - image

Iran US Geneva Peace Deal 2026 : પશ્ચિમ એશિયા (Middle East)માં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ભયાનક યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે એક મોટો વચગાળાનો શાંતિ કરાર થવા જઈ રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે, ઇરાન સાથે યુદ્ધ વિરામ કરવા માટે પ્રારંભિક સમજૂતી તૈયાર થઈ ગઈ છે, જેના કારણે અમેરિકાએ ઇરાન પરના પોતાના તમામ સૈન્ય હુમલાઓ હાલ પૂરતા રોકી દીધા છે.

એક અહેવાલ મુજબ, એક વરિષ્ઠ રાજદ્વારીએ પુષ્ટિ કરી છે કે, બંને દેશો 'મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ' (MoU)ના ડ્રાફ્ટ ટેક્સ્ટ પર સહમત થઈ ગયા છે. આ ઐતિહાસિક કરાર પર આગામી રવિવારે (14 June 2026) સ્વિટ્ઝર્લેન્ડના જિનેવા (Geneva) ખાતે સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવશે. આ વૈશ્વિક સમજૂતીમાં પાકિસ્તાને મુખ્ય મધ્યસ્થ (Mediator)ની ભૂમિકા ભજવી હોવાથી આ શાંતિ કરારને 'ઇસ્લામાબાદ ઘોષણાપત્ર' (Islamabad Declaration) નામ આપવામાં આવશે.

શાંતિ કરારના 6 મુખ્ય મુદ્દા (6-Point Formula)

રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જિનેવા બેઠક માટે બંને પક્ષો વચ્ચે નીચેના 6 મહત્વના મુદ્દાઓ પર સહમતી સધાઈ છે.

60 દિવસનો યુદ્ધવિરામ: કરાર પર હસ્તાક્ષર થતાંની સાથે જ લેબનાન સહિતના તમામ યુદ્ધ મોરચા પર 60 દિવસ માટે તત્કાલ યુદ્ધવિરામ (Ceasefire) લાગુ થઈ જશે.

હોર્મુઝની સામુદ્રધુની ખુલશે: ઇરાન વિશ્વના સૌથી વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz)ને વ્યાપારી જહાજો માટે તરત જ ખુલ્લો કરી દેશે અને ત્યાંથી પસાર થતા જહાજો પાસેથી કોઈ વધારાની ફી લેશે નહીં.

વાહનવ્યવહાર સામાન્ય થશે: હસ્તાક્ષરના 30 દિવસની અંદર આ દરિયાઈ માર્ગ પર જહાજોની અવરજવર સંપૂર્ણપણે યુદ્ધ પહેલાની સ્થિતિ જેવી સામાન્ય થઈ જશે.

નાકાબંધી અને પ્રતિબંધોમાં રાહત: ઇરાની બંદરો પરથી અમેરિકન નૌસેનાની આર્થિક નાકાબંધી હટાવી લેવામાં આવશે અને તેહરાનને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાં મોટી રાહત મળશે.

પરમાણુ હથિયાર ન બનાવવાની ગેરંટી: ઇરાન ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ બોમ્બ (Nuclear Weapon) નહીં બનાવે તેવો લેખિત વાયદો અને તેની સંપૂર્ણ ગેરંટી આપશે.

પાકિસ્તાનને ક્રેડિટ: પાકિસ્તાનની મધ્યસ્થતાની ભૂમિકાને વૈશ્વિક સ્તરે માન્યતા આપતા આ ડીલને સંયુક્ત રીતે 'ઇસ્લામાબાદ કરાર' કહેવામાં આવશે.

જિનેવા ખાતે યોજાનારા આ હસ્તાક્ષર સમારોહમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (JD Vance) સામેલ થાય તેવી પ્રબળ શક્યતા છે. આ કાર્યક્રમ જિનેવામાં યોજાશે જે ફ્રાન્સથી ઘણો નજીક છે, જ્યાં આગામી સપ્તાહે રાષ્ટ્રપતિ ટ્રમ્પ G7 સમિટમાં ભાગ લેવા આવવાના છે.

આ 3 પેન્ડિંગ મુદ્દાઓ પર પછીથી ચર્ચા થશે

ઇરાનની સત્તાવાર સમાચાર એજન્સી 'ઇર્ના' (IRNA)ના જણાવ્યા મુજબ, કેટલાક જટિલ મુદ્દાઓને આ વચગાળાના કરારમાં હાલ સામેલ કરાયા નથી. 60 દિવસના સીઝફાયર ગાળા દરમિયાન વોશિંગ્ટન અને તેહરાન આ 3 પેન્ડિંગ મુદ્દાઓ ઉકેલવા માટે ફરી વાટાઘાટો શરૂ કરશે.

ઇરાનના શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ (Peaceful Nuclear Program)ને ચાલુ રાખવાની મંજૂરી આપવી.

ઇરાન પરથી તમામ આર્થિક પ્રતિબંધો કાયમી ધોરણે હટાવવા.

યુદ્ધથી થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ (Compensation) કરવા માટે એક વિશેષ તંત્ર બનાવવું.

ઇરાની મીડિયાનું કહેવું છે કે, આ આગળની વાટાઘાટો ત્યારે જ શરૂ થશે, જ્યારે અમેરિકા આંતરરાષ્ટ્રીય બેંકોમાં ફ્રીઝ (જપ્ત) કરાયેલા ઇરાનના અબજો ડૉલરના ફંડમાંથી અડધો હિસ્સો તાત્કાલિક મુક્ત કરશે અને ઇરાની ઓઇલ નિકાસ પરના પ્રતિબંધોને સસ્પેન્ડ કરશે.