- ઈરાનના પ્રમુખ પેઝેશ્કીયાએ કરેલી સ્પષ્ટતા
- એટમિક એનર્જી ઓર્ગેનાઇઝેશન ઓફ ઈરાન (AEOI) એ જણાવ્યું શુદ્ધ અને લાંબો સમય સુધી ચાલે તેવી ઊર્જા પ્રાપ્ત કરવા તે પ્રયત્નો કરે છે
તહેરાન : ઈરાનની પરમાણુ ઊર્જા સંસ્થા એટમિક એનર્જી ઓર્ગેનાઇઝેશન (એ.ઈ.ઓ.આઈ.)ના વડા મોહમ્મદ ઈસ્માઈલે જણાવ્યું હતું કે ઈરાન રશિયાની મદદથી ૮ નવાં પરમાણુ સંયંત્રો (એટકમિક-રીએકટર્સ) બનાવવાનું છે. જે માત્ર લાંબો સમય સુધી ચાલે તેવી શુદ્ધ ઊર્જા પ્રાપ્ત કરવાના હેતુથી રચવામાં આવનાર છે.
દરમિયાન ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાને વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે અમારો દેશ શાંતિમય પરમાણુ કાર્યક્રમને અનુસરે છે. અમારો હેતુ પરમાણુ શસ્ત્રો બનાવવાનો નથી જ.
ઈરાનની સમાચાર સંસ્થા 'તસ્નીમે' મોહમ્મદ ઇસ્માઈલને ટાંકતા, રવિવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે ઈરાન અને રશિયા વચ્ચે ૪ પરમાણુ પાવર પ્લાંન્ટસ્ બુશેર વિસ્તારમાં બાંધવા કરારો થયા છે. જ્યારે બીજા ચાર પૈકી બે કાસ્પીયન સમુદ્રના તટે તથા બીજા બે દક્ષિણે સમુદ્ર તટે બાંધવા નિર્ણય લેવાયો છે. પરંતુ તે ચારે પ્લાન્ટ માટેનું સ્થળ નિશ્ચિત કરાયાં નથી. જેની જાહેરાત હવે પછી સરકાર દ્વારા કરવામાં આવશે.
આ પ્લાંટસ્ અંગે એઈઓઆઈના વડાએ કહ્યું હતું કે આ સંયંત્રો રચવા પાછળનો હેતુ શુદ્ધ અને સતત પ્રાપ્ત થતી વિદ્યુત પ્રાપ્ત કરવાનો છે.
એટમિક એનર્જી ઓફ ઈરાન (એઈઓઆઈ)ના વડા મોહમ્મદ ઇસ્માઈલે કહ્યું હતું કે તે દ્વારા ઈરાન ૨૦,૦૦૦ મેગા વોટ વિદ્યુત ઉત્પન્ન કરવા માગે છે.
રશિયાનાં સ્ટેટ-મીડિયા તાસે એઈઓઆઈના ચીફને ટાંકતા કહ્યું હતું કે ઈરાનના ઉત્તરના પ્રાંત ગૉલેસ્તાનમાં તો એક પરમાણુ સંયંત્ર રચવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
ઈરાનના પ્રમુખ પેઝેશ્કીયાને ગઈકાલે ફરી ભારપૂર્વક કહ્યું હતું કે પરમાણુ શક્તિનો ઉપયોગ ઈરાન શાંતિમય હેતુઓ માટે જ કરવાનું છે. એટમ બોમ્બ બનાવવા માટે નહીં તે માત્ર માનવીય જરૂરિયાતો પૂરી કરવા જ આ કાર્યવાહી કરી રહ્યું છે.
આ સાથે પેઝેશ્કીયાને પશ્ચિમી સત્તાઓ ઉપર ઈરાન સહિત તમામ સ્વતંત્ર દેશોને અગ્રીમ ટેકનોલોજીથી વંચિત રાખવાના પ્રયત્નો કરવાનો આક્ષેપ મુકતાં જણાવ્યું હતું કે તેમણે કેટલાયે ઈરાની વિજ્ઞાાનીઓની હત્યા પણ કરાવી હતી. દુનિયાની કેટલીક મહાસત્તાઓ ઈરાનના વૈજ્ઞાાનિક અને ટેકનોલોજીકલ ઉત્કર્ષથી ડરી રહી છે. જૂન ૨૦૨૫માં ઈઝરાયલે ૨૦૨૪નાં જૂનનાં નેતાંઝ અને ફોરડૉલ ઉપર ૧૨ દિવસના યુદ્ધ દરમિયાન હુમલા કર્યા હતા તેમાં અમેરિકા પણ જોડાયું હતું. આ બંને સ્થળોએ ઈરાન, યુરેનિયમ સમુદ્રીકરણની કાર્યવાહી હાથ ધરતું હતું જે અમેરિકા ઇઝરાયલ અને પશ્ચિમની અન્ય મહાસત્તાઓ સહી શકતી ન હતી.
બીજી તરફ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો તે તેની ન્યુક્લિયર ફેસિલીટી (પરમાણુ શક્તિ માટેની સંરચના) ફરી કાર્યરત કરશે તો તેઓ ઈરાન પર હુમલા કરવા તેમની સેનાને હુકમ આપશે. અમેરિકાની એક ન્યૂઝ એજન્સીને આપેલી મુલાકાતમાં આ પ્રમાણે કહ્યા પછી પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે જોઈએ, તેઓ ન્યુક્લિયર વેપન ટેસ્ટ કરે છે કે નહીં કંઈ ગતિવિધી તે હાથ ધરી રહ્યું છે.


