માત્ર નિંદાથી કામ નહીં ચાલે, ખુલીને સમર્થન આપો: ઈરાનના સુપ્રીમ લીડરનો રશિયાને પત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran-Russia Relations : ઈરાન-ઇઝરાયલ એકબીજા પર મિસાઇલ અને ડ્રોનથી ભયાનક હુમલાઓ કરી રહ્યા છે, ત્યારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સોમવારે (23 જૂન) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ક્રિમલિનમાં મુલાકાત કરી છે. પુતિને ઈરાનના પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું છે કે, ઈરાનના લોકો સમર્થન માટે રશિયા પર વિશ્વાસ કરી શકે છે. રશિયાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલા કરનાર અમેરિકાની તાજેતરમાં જ ટીકા કરી હતી.
ખામેનેઈ પુતિનને પત્ર લખ્યો
રોયટર્સના રિપોર્ટ મુજબ, ઈરાનના સર્વોચ્ચ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ(Iran Supreme Leader Ayatollah Ali Khamenei)એ વિદેશ મંત્રી અરાઘચી (Abbas Araghchi) દ્વારા એક પત્ર પુતિનને મોકલ્યો છે. પત્રમાં ખામેનેઈ રશિયા પાસે જાહેરમાં સમર્થનની માંગ કરી છે. અત્યાર સુધી રશિયા જે રીતે ઈરાનનું સમર્થન કરી રહ્યું છે, તે ઈરાનને પસંદ નથી આવી રહ્યું. ખામેનેઈએ પત્રમાં લખ્યું છે કે, પુતિન ઇઝરાયલ-અમેરિકા વિરુદ્ધ વધુ ખુલીને આગળ આવે અને સમર્થન કરે. જોકે તેહરાને કેવા પ્રકારની સહાય જોઈએ છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
રશિયાએ હજુ સુધી યુદ્ધમાં સીધો રસ દાખવ્યો નથી
રશિયા ઈરાનનો જૂનો મિત્ર દેશ છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ‘પરમાણુ વાતચીત’નો મુદ્દો ઉઠાવવામાં આવે છે, ત્યારે રશિયા ઈરાનની તરફેણમાં વીટો પાવરનો ઉપયોગ કરી મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. રશિયા-યુક્રેનના યુદ્ધને ચાર વર્ષ થઈ ગયા છે, બંને દેશો હુજ પણ એકબીજા પર ભયાનક હુમલાઓ કરી રહ્યા છે. હાલના સમયમાં ઈરાન ઇઝરાયલ અને અમેરિકાના હુમલાઓનો સામનો કરી રહ્યો છે. ઈરાન જૂનો મિત્ર હોવા છતાં રશિયાએ હજુ સુધી યુદ્ધમાં સીધો રસ દાખવ્યો નથી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) પણ અમેરિકા-રશિયાના સંબંધો સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે.
અરાઘચી અને પુતિન વચ્ચે શું વાતચીત થઈ?
અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરવા પુતિન વારંવાર પ્રયાસ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ક્રેમલીનમાં અરાઘચી અને પુતિન વચ્ચે મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત થઈ છે. જે રીતે અમેરિકાએ યુક્રેનને સમર્થન આપ્યું છે, તે જ રીતે રશિયા ઈરાનને સમર્થન આપે તેવી માંગ કરવામાં આવી છે. ઈરાનના વિદેશમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ પુતિને કહ્યું કે, ‘ઈરાન વિરુદ્ધ તાજેતરની આક્રમણ કાર્યવાહી કરવાનો કોઈ આધાર નથી. રશિયા અને ઈરાન વચ્ચે ઘણા જૂના મૈત્રીપૂર્ણ અને વિશ્વસનીય સંબંધો છે. અમે ઈરાનના લોકોનું સમર્થન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
આ વર્ષની શરુઆતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશ્કિયાન (Iran President Masoud Pezeshkian) વચ્ચે રાજદ્વારી ભાગીદારી થઈ હતી, જેમાં સુરક્ષા સહયોગ વધારવાની વાત કહેવામાં આવી હતી.
આ પણ વાંચો : પૂર્વ CMની કાર નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત, છતાં ઉજવણી અને ફૂલવર્ષા યથાવત્ રહી









