World

ઈરાને પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કર્યો, ટૂંક સમયમાં અણુબોમ્બ બનાવી લેશે

By GS TEAM
29 Jun 20253 mins read
ઈરાને પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કર્યો, ટૂંક સમયમાં અણુબોમ્બ બનાવી લેશે

- અમેરિકન પ્રમુખ ટ્રમ્પના દાવાઓ વચ્ચે આઈએઈએની ચેતવણી

- ઈરાનનું પરમાણુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ યથાવત્, થોડાક મહિનામાં સેન્ટ્રીફ્યુઝ ફરી શરૂ કરી સંવર્ધિત યુરેનિયમનું ઉત્પાદન કરી શકશે

- ઈરાન અત્યાધુનિક વિકસિત પરમાણુ ટેક્નોલોજીવાળો દેશ, જ્ઞાાન અને ઔદ્યોગિક માળખાથી સજ્જ છે : આઈએઈએ

- ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ થયા પછી ઈરાને આઈએઈએ સાથેનો સંપર્ક તોડી નાંખ્યો : પ્રમુખ ગ્રોસી

તેહરાન: ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતું રોકવા માટે ઈઝરાયેલ અને અમેરિકાએ તેના પરમાણુ મથકો પર હુમલો કરીને તેનો નાશ કરી દીધો. અમેરિકાના બી-૨ બોમ્બરોએ ઈરાનના ફોર્ડો સહિતના પરમાણુ મથકોનો ખાત્મો કરી દીધો હોવાનો અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો પણ કર્યો હતો. આઈએઈએએ ચેતવણી આપી છે કે ટ્રમ્પના દાવાઓ છતાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે ખતમ નથી થયો. ઈરાન ટૂંક સમયમાં  તેનો પરમાણુ કાર્યક્રમ ફરીથી શરૂ કરી શકે છે અને પરમાણુ બોમ્બ બનાવી શકે છે. 

ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરતા ઈઝરાયેલે ૧૨ દિવસમાં ઈરાનના પરમાણુ મથકો, મિસાઈલ અને સૈન્ય સ્થળોનો કચ્ચરઘાણ કાઢી દીધો હતો. આટલું ઓછું હોય તેમ અમેરિકા પણ આ યુદ્ધમાં કૂદી પડયું હતું અને અમેરિકાના બી-૨ બોમ્બરોએ ઈરાનના ફોર્ડો સહિતના ત્રણ મહત્વના પરમાણુ મથકોનો ખાત્મો બોલાવી દીધો હતો. જોકે, ત્યાર પછી ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પણ થઈ ગયું. આ સાથે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ગંભીર નુકસાન પહોંચાડયું છે.

ટ્રમ્પના આ દાવાઓ વચ્ચે હવે દુનિયામાં પરમાણુ ઊર્જાના કાર્યક્રમો પર નજર રાખતી સંસ્થા આઈએઈએના પ્રમુખ રાફેલ ગ્રોસીએ કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓ છતાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે ખતમ નથી થયો. ઈરાન થોડાક મહિનામાં જ યુરેનિયમ સંવર્ધન ફરી શરૂ કરી શકે છે. તે પરમાણુ બોમ્બ બનાવવાની ખૂબ જ નજીક છે. ગ્રોસીનો દાવો છે કે ઈરાનની ટેક્નોલોજી અને ઔદ્યોગિક ક્ષમતાઓ હજુ પણ સલામત છે. ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ થયા પછી ઈરાને તેની સંસદમાંથી દરખાસ્ત પસાર કરીને આઈએઈએ સાથેનો તેનો સંપર્ક તોડી નાંખ્યો છે. ઈરાને આઈએઈએના પ્રમુખ ગ્રોસીની ફોર્ડો અને અન્ય પરમાણુ સ્થળોની તપાસની માગ નકારી કાઢી છે. ગ્રોસીએ કહ્યું કે, અમને ખબર નથી કે તેના પરમાણુ મથકોને કેટલું નુકસાન થયું છે. શક્ય છે થોડો ભાગ નષ્ટ થયો હોય, પરંતુ થોડો ભાગ બચાવી લેવાયો હોય. ઈરાને આ અંગે જવાબ આપવો પડશે, પરંતુ હાલ તે સહયોગ નથી કરી રહ્યું. આઈએઈએના પ્રમુખ ગ્રોસીએ કહ્યું કે, ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાથી કેટલાક સ્થળોને નુકસાન થયું છે, પરંતુ આખું માળખું હજુ પણ ઊભું છે. ઈરાન ઈચ્છે તો થોડાક મહિનામાં જ સેન્ટ્રીફ્યુઝ ફરીથી શરૂ કરી શકે છે અને સંવર્ધિત યુરેનિયમનું ઉત્પાદન કરી શકે છે. ઈરાન અત્યાધુનિક વિકસિત પરમાણુ ટેક્નોલોજીવાળો દેશ છે. ઈરાન પાસે માત્ર પરમાણુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર  જ નહીં પરંતુ જ્ઞાાન અને ઔદ્યોગિક માળખું પણ છે. આઈએઈએએ થોડા દિવસ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે ઈરાને અમેરિકાના હુમલા પહેલાં જ ફોર્ડો પરમાણુ મથકમાંથી ૪૦૮.૬ કિલો સંવર્ધિત યુરેનિયમ અન્ય સ્થળ પર ખસેડી દીધું હોવાની શક્યતા છે. આ યુરેનિયમ ૬૦ ટકા સુધી સંવર્ધિત છે, જે હથિયાર બનાવવા માટેના સ્તરથી થોડેક જ નીચે છે અને આ યુરેનિયમથી ૯થી વધુ પરમાણુ બોમ્બ બનાવી શકાય છે.

- ટ્રમ્પની ઇરાન પર ફરી હુમલાની ધમકી

વૉશિંગ્ટન: ઇરાનના સર્વોચ્ચ વડા આયાતોલ્લાહ અલિ ખામેનેઈને તદ્દન જૂઠ્ઠા અને મૂર્ખ ગણાવતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઇઝરાયલ સામેનાં યુદ્ધમાં વિજય મેળવ્યો હોવાની તેમની ડંફાસ તદ્દન પાયા વગરની છે. 

આ સાથે પ્રમુખ ટ્રમ્પે ઇરાનને સીધી જ ધમકી આપી હતી અને કહ્યું કે ખામેનેઈ હજી નહીં સમજશે તો ઈરાન ફરીથી પ્રચંડ બોમ્બમારાનો ભોગ બનશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર ટ્રમ્પે જણાવ્યું કે, 'તેના દેશનો વિશાળ વિસ્તાર તો ખેદાન-મેદાન થઇ ગયો છે. તેનાં શેતાનિક તેવા ત્રણ પરમાણુ સંકૂલો સાફ થઇ ગયાં છે. 

અલ જજીરાના અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસમાં પત્રકાર પરિષદમાં પ્રમુખ ટ્રમ્પને ઇરાન પર તેઓ ફરી હુમલો કરશે કે કેમ ? તેમ પૂછવામાં આવતાં તેમણે કહ્યું કોઈ પ્રશ્ન જ નથી. જરૂર પડશે તો ઈરાન પર ફરીથી હુમલો કરવામાં આવશે જ.