Get The App

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન: હિંસામાં કુલ 538ના મોત, સમગ્ર દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન: હિંસામાં કુલ 538ના મોત, સમગ્ર દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ 1 - image


Iran Protests Update: ઈરાનમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઈ ચૂકી છે, સત્તાધીશોની સામે દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થતાં તણાવ વધી ગયો છે. ઈરાનમાં લગભગ છેલ્લા બે અઠવાડિયા એટલે કે 14-15 દિવસથી રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન અને તે દરમિયાન હિંસાની ઘટનાઓ ઘટી રહી છે. વળતી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 538 લોકોના મોત થઈ ચૂક્યા છે, ઈન્ટરનેટ અને ફોન સેવા બંધ કરી દેવામાં આવતા હાલ પ્રદર્શનની સ્થિતિ અંતે તેનું આંકલન તેમજ સ્વતંત્ર પુષ્ટિ કરવી મુશ્કેલ છે. પહેલા 203 મોતના દાવાઓ થઈ રહ્યા હતા.

10,670 લોકોની અટક,  538 લોકોના મોતનો દાવો

સ્થાનિક દાવાઓ મુજબ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 538 લોકોના મોત થયા છે, જ્યારે અંદાજિત 10,670 લોકોની અટક કરવામાં આવી છે. અમેરિકા સ્થિત હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી મુજબ, પ્રદર્શનમાં જીવ ગુમાવનારાઓની સંખ્યામાં મોટો એવો વધારો થયો છે, મૃતકોમાં 450થી વધુ પ્રદર્શનકારી અને 41 સુરક્ષાદળોના જવાનો સામેલ છે. આ અંગે ઈરાન સરકારે કોઈ પણ સત્તાવાર સંખ્યા જાહેર કરી નથી.

ઈરાનની સંસદના સ્પીકરની અમેરિકા-ઈઝરાયલને ધમકી 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી સૈન્ય કાર્યવાહીની ધમકી બાદ ઈરાને જવાબ આપ્યો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફે ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો વોશિંગ્ટન ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, તો અમેરિકા અને ઈઝરાયલ બંને અમારા માટે 'કાયદેસરના નિશાન' (Legitimate Targets) બની જશે. આ દરમિયાન ઈરાની સાંસદોએ ડાયસ પાસે ધસી જઈને 'અમેરિકા મુર્દાબાદ'ના નારા લગાવ્યા હતા. ગાલિબાફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જો અમેરિકા લશ્કરી હુમલો કરશે, તો અમેરિકા અને ઈઝરાયલ તેમના સૈન્ય મથકો, જહાજોને નિશાન બનાવશે.’

100થી વધુ શહેરોમાં હિંસાની આગ

સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સાતમી જાન્યુઆરીથી ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેહરાન, તબરેઝ, મશહદ સહિતના 100 શહેરોમાં ઉગ્ર હિંસા થઈ રહી છે. બીજી તરફ સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈએ આ આંદોલન પાછળ વિદેશી શક્તિઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનની સરકારે ચેતવણી આપી છે કે આંદોલનમાં સામેલ લોકો 'ઈશ્વરના દુશ્મન' છે અને તેમને મોતની સજા પણ આપવામાં આવી શકે છે. 

ઈરાનને સ્વતંત્રતા અપાવવા અમેરિકા તૈયાર: ટ્રમ્પ

અમેરિકા પણ ઈરાનના આંદોલનને સતત સમર્થન આપી રહ્યું છે. હાલમાં જ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આંદોલનકારીઓને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનની સરકારને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે, કે સત્તા પરિવર્તનમાં અમેરિકા મદદ કરશે, ઈરાનને 'સ્વતંત્ર' કરાવવા માટે અમે તૈયાર છીએ.

ટ્રમ્પ ભ્રમિત થઈ ગયા છેઃ મોહમ્મદ બાગેર ગાલિબાફ

ગાલિબાફે ટ્રમ્પને 'ભ્રમિત' ગણાવતા કહ્યું કે, ઈરાન માત્ર હુમલા બાદ પ્રતિક્રિયા આપવા સુધી મર્યાદિત નહીં રહે. તમે કોઈ જ ખોટી ગણતરી ના કરતા. ઈરાન પર હુમલાની સ્થિતિમાં આ પ્રદેશમાં આવેલા તમામ અમેરિકન સૈન્ય મથકો, બેઝ અને જહાજો સુરક્ષિત નહીં રહે. નોંધનીય છે કે, ઈરાનમાં એવા સમયે આંતરરાષ્ટ્રીય તણાવ સર્જાયો છે, જ્યારે ઈરાનમાં આંતરિક અશાંતિ પણ ચરમસીમાએ છે. ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં અંદાજે 116 લોકોના મોત થયા છે, જ્યારે 2,600થી વધુની અટકાયત કરાઈ છે.

ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે શું કહ્યું?

સ્થિતિ તંગ થતાં ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયને કહ્યું કે, 'અધિકારીઓ પ્રદર્શનકારીઓની વાત સાંભળશે, પરંતુ પ્રદર્શનકારી સમગ્ર ઇસ્લામિક ગણરાજ્યમાં ફેલાઈ રહ્યા છે અને અમુક તોફાનીઓ સમગ્ર સમાજને તબાહ કરવાની કોશિશ કરી રહ્યા છે, લોકોને ચિંતા છે, આપણે તેમની સાથે બેસીને તેમની ચિંતાઓનું નિરાકરણ લાવવું જોઈએ. જો તે આપણી ફરજ છે, તો આપણે તેમની ચિંતાઓને દૂર કરવી પડશે. પરંતુ તેનાથી પણ મોટી ફરજ એ છે કે તોફાની તત્વોના સમૂહને આવીને સમગ્ર સમાજને નુકસાન પહોંચાડવાણી મંજૂરી ન આપીએ'

આ પણ વાંચો: એક સમયે અમેરિકાએ જ ઈરાનને સોંપી હતી પરમાણુ ટેકનોલોજી! જાણો પાક્કા મિત્રો કેમ બન્યા કટ્ટર દુશ્મન

અમેરિકાને ઈરાન પર કેમ હુમલો કરવો છે? 

પરમાણુ બોમ્બના ભયનો અંત : ઈરાનની પરમાણુ ક્ષમતાને નષ્ટ કરી કરીને અમેરિકા લાંબાગાળા માટે સુરક્ષિત થઈ શકે 

ઓઈલ અને ગેસ પર નિયંત્રણ : સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી દુનિયાનું 20 ટકા ઓઈલ પસાર થાય છે. ત્યાં અમેરિકાનો સીધો પ્રભાવ સ્થાપિત થઈ જાય. 

નવા શાસનની સ્થાપના: અમેરિકા ઈચ્છે છે કે ઈરાનમાં એવી સરકાર રહે જે પશ્ચિમી દેશો સાથે મિત્રતા રાખે તથા રશિયા અને ચીનથી દૂર રહે.