Get The App

100થી વધુ શહેરોમાં દેખાવો વચ્ચે ખામેનેઈ શાસને તોડ્યું મૌન, કહ્યું - 'વિદેશી કાવતરું...'

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
iran-protests-khamenei-administration
(IMAGE - IANS)

Ira Protests Khamenei Administration: મધ્ય પૂર્વના દેશ ઈરાનમાં છેલ્લા 12 દિવસથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. સર્વોચ્ચ નેતા ખામેનેઈના શાસન વિરુદ્ધ જનતા રસ્તા પર ઉતરી આવી છે. રાજધાની તેહરાન સહિત દેશના 100થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુરુવારે રાત્રે અનેક સ્થળે આગજની અને ગોળીબારની ઘટનાઓ સામે આવતા ઈરાન અત્યારે સળગી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

અમેરિકાની ધમકી અને ઈરાનનો વળતો જવાબ

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો પ્રદર્શનકારીઓ પર હુમલો કરવામાં આવશે, તો અમેરિકા તરફથી વળતો હુમલો કરવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય દબાણ અને યુદ્ધ જેવી સ્થિતિને જોતાં ઈરાને સાવચેતીના ભાગરૂપે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે.

ઈરાનમાં સ્થિતિ વણસતા શાસન દબાણમાં આવ્યું

લાંબા સમય સુધી સ્થિતિને દબાવી રાખ્યા બાદ, ઈરાનના સરકારી ટીવીએ આખરે સ્વીકાર્યું છે કે દેશમાં હિંસા થઈ રહી છે અને લોકોના મોત પણ થયા છે. નિષ્ણાતો માને છે કે આ સ્વીકાર જ બતાવે છે કે હવે સ્થિતિ છુપાવી શકાય તેમ નથી. જોકે, ઈરાન સરકારે આ હિંસા માટે પોતાની નીતિઓને જવાબદાર માનવાને બદલે હંમેશની જેમ 'વિદેશી ષડયંત્ર'નો રાગ આલાપ્યો છે. ઈરાનના સરકારી પ્રસારકે આક્ષેપ કર્યો છે કે આ હિંસા પાછળ અમેરિકા અને ઈઝરાયલ સાથે જોડાયેલા આતંકી એજન્ટોનો હાથ છે.

પ્રદર્શનો પાછળના મુખ્ય કારણો

રાજકીય વિશ્લેષકોના ઊંડાણપૂર્વકના અભ્યાસ મુજબ, ઈરાનમાં હાલમાં જોવા મળી રહેલો આ ઉગ્ર વિરોધ એ માત્ર અચાનક ફાટી નીકળેલા દેખાવો નથી, પરંતુ વર્ષોથી જનતાના હૈયે દબાયેલા આક્રોશનો લાવા છે. આ જનઆક્રોશ પાછળ અનેક જટિલ કારણો જવાબદાર છે, જેમાં સૌથી મહત્ત્વનું પાસુ દેશની કથળતી આર્થિક સ્થિતિ છે. લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક કટોકટીએ દેશની અર્થવ્યવસ્થાને ડામાડોળ કરી દીધી છે, જેના પરિણામે ભયંકર મોંઘવારીએ માઝા મૂકી છે. આ કમરતોડ મોંઘવારીને કારણે સામાન્ય જનતા માટે પાયાની જરૂરિયાતો પૂરી કરવી અને જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. 

આ પણ વાંચો: બ્રિક્સ અને G7 વચ્ચે 'બ્રિજ' બનશે ભારત! ટ્રમ્પની દાદાગીરી વચ્ચે ફ્રાંસના મેક્રોનનું મોટું નિવેદન

આ આર્થિક બોજની સાથે જ, કડક શાસન વ્યવસ્થા અને વ્યક્તિગત આઝાદી પર લાદવામાં આવેલા અસંખ્ય પ્રતિબંધોએ સામાજિક અસંતોષની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. આમ, આર્થિક પાયમાલી અને સામાજિક ગૂંગળામણના મિશ્રણે જનતાને શાસન વિરુદ્ધ રસ્તા પર ઉતરવા મજબૂર કરી દીધી છે.

વ્યૂહરચનામાં ફેરફાર

મીડિયા રિપોર્ટ મુજબ, શરૂઆતમાં પ્રદર્શનોને નજરઅંદાજ કરનાર ખામેનેઈ શાસન હવે દબાણમાં આવી ગયું છે. ઈન્ટરનેટ પર પ્રતિબંધ અને કડક સુરક્ષા છતાં જનતા પીછેહઠ કરવા તૈયાર નથી. હવે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે રાષ્ટ્રવાદ અને વિદેશી હસ્તક્ષેપનો સહારો લઈ રહી છે.

હાલ સમગ્ર વિશ્વની નજર ઈરાન પર ટકેલી છે. શું ખામેનેઈ શાસન આ જનઆક્રોશને ડામી શકશે કે પછી આ પ્રદર્શનો કોઈ મોટા પરિવર્તન તરફ દોરી જશે, તે જોવું રહ્યું.

100થી વધુ શહેરોમાં દેખાવો વચ્ચે ખામેનેઈ શાસને તોડ્યું મૌન, કહ્યું - 'વિદેશી કાવતરું...' 2 - image