Get The App

અમેરિકાએ ઈરાન પર હુમલાનું 'સિગ્નલ' આપ્યું! વિદ્રોહમાં 648ના મોત, જાણો 10 મહત્ત્વપૂર્ણ અપડેટ

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાએ ઈરાન પર હુમલાનું 'સિગ્નલ' આપ્યું! વિદ્રોહમાં 648ના મોત, જાણો 10 મહત્ત્વપૂર્ણ અપડેટ 1 - image


Trump Threatens Airstrikes, Imposes 25% Tariff on Iran Trade Partners | સમગ્ર વિશ્વની નજર અત્યારે ઈરાન પર છે. છેલ્લા 15 દિવસથી અહીં પ્રજા બળવો કરી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હુમલાની ધમકી આપી રહ્યા છે. સુપ્રીમ લીડરની પોલીસ લોકોને મોતને ઘાટ ઉતારી રહી છે. આંતરરાષ્ટ્રીય સંગઠનોનો દાવો છે કે હિંસક કાર્યવાહીમાં 648 લોકોના મોત થયા છે. એવામાં અમેરિકાએ ઈરાન પર એરસ્ટ્રાઈકના સંકેત આપ્યા છે. 

1. અહેવાલ અનુસાર માનવાધિકાર સંગઠનોનો દાવો છે કે ઈરાનમાં મૃતકોની સંખ્યા વધીને 648 થઈ ગઈ છે. જ્યારે 10 હજારથી વધુની ધરપકડ કરાઈ છે. 

2. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ આરાઘચીનો દાવો છે કે ઈરાનમાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. હિંસા માટે ઈઝરાયલ અને અમેરિકા જવાબદાર છે. 

3. ઈરાનમાં સુપ્રીમ લીડર ખામેનેઈના સમર્થકો પણ રેલી કાઢી રહ્યા છે. આ રેલીમાં ઈઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ નારાબાજી કરાઈ. 

4. અમેરિકાએ ફરી ઈરાન પર હુમલાના સંકેત આપ્યા છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું છે કે હજુ પણ વાતચીત જ અમારો પ્રથમ વિકલ્પ છે. પરંતુ આવશ્યક હશે તો અમેરિકાની સેના ઘાતક શક્તિનો ઉપયોગ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ સૈન્ય કાર્યવાહીથી ડરતા નથી. 

5. ઈરાન પણ અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે. જોકે ઈરાનના વિદેશ મંત્રાલયે તેના માટે શરત રાખી છે કે આ વાતચીત એકતરફી ન હોવી જોઈએ. 

6. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વિશ્વનો કોઈ પણ દેશ ઈરાન સાથે વેપાર કરશે તો તેના પર અમેરિકામાં 25 ટકા ટેરિફ લગાવાશે. 

7. અમેરિકાની વર્ચ્યુઅલ એમ્બેસીએ અમેરિકન નાગરિકોને તાત્કાલિક ધોરણે ઈરાન છોડવાના નિર્દેશ આપ્યા છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે ઈરાનમાં ભયંકર આંદોલન હિંસક થઈ રહ્યા છે. એવામાં તાત્કાલિક સડક માર્ગથી આર્મેનિયા અથવા તુર્કીયે પહોંચી સ્વદેશ પરત ફરો. 

8. ઈરાનની સરકાર આંદોલનકારીઓને આતંકવાદી ગણાવી રહી છે. ઈરાનની પોલીસે કહ્યું છે કે અમે તમારા વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરીશું. પરિવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના કિશોરો અને યુવાનોને સાચવે. 

9. ઈરાનમાં સરકાર વિરોધી આંદોલન કરનારાઓને ફાંસીની સજા અપાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 26 વર્ષના ઈરફાન સોલટાનીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 

10. અમેરિકાના વિવિધ પ્રતિબંધોના કારણે 1 ડોલરના મુકાબલે ઈરાનના ચલણ રિયાલની કિંમત 14 લાખ પહોંચી ગઈ છે. જે બાદ દેશભરમાં આંદોલન શરૂ થયા હતા.