Iran President About War With Israel-US: ઈરાનના પ્રમુખ પેઝેસ્કિયને એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં તેમણે દાવો કર્યો હતો કે, 'અમારો દેશ હાલમાં અમેરિકા, ઈઝરાયલ અને યુરોપ સાથે યુદ્ધ લડી રહ્યો છે. આ દેશો નથી ઈચ્છતા કે ઈરાન પોતાના પગ પર ઉભું રહે.' આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્ત્વની બેઠક થવાની છે.
'આજનું યુદ્ધ અલગ છે'
ઈરાનના પ્રમુખ પેઝેસ્કિયને વર્તમાન સંઘર્ષની તુલના 1980ના દાયકાના ઈરાક યુદ્ધ સાથે કરતાં કહ્યું, 'તે સમયે મિસાઈલો છોડવામાં આવતી હતી અને સ્પષ્ટ હતું કે જવાબ ક્યાં આપવાનો છે, પરંતુ આજનું યુદ્ધ અલગ છે. હવે અમને દરેક રીતે ઘેરવામાં આવી રહ્યા છે.' આ ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું કે, 'આ યુદ્ધ માત્ર સૈન્ય નથી, પરંતુ આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય અને સુરક્ષા જેવા દરેક ક્ષેત્રમાં દબાણ બનાવવામાં આવી રહ્યું છે. અમને ચારે બાજુથી ઘેરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને સતત સમસ્યાઓ ઊભી કરવામાં આવી રહી છે.'
12 દિવસના યુદ્ધ બાદ ઈરાન વધુ મજબૂત: પ્રમુખનો દાવો
બીજી તરફ ઈરાનના પ્રમુખ પેઝેસ્કિયને એવો પણ દાવો કર્યો કે, 'જૂન મહિનામાં ઈઝરાયેલ સાથે થયેલા 12-દિવસીય યુદ્ધ બાદ ઈરાન હવે પહેલા કરતા વધુ મજબૂત છે. અમે ઉપકરણો અને માનવ સંસાધન, બંનેની દ્રષ્ટિએ પહેલા કરતા વધુ શક્તિશાળી છીએ. જો દુશ્મન યુદ્ધનો માર્ગ પસંદ કરશે, તો તેને વધુ કડક જવાબ મળશે.'
નેતન્યાહુ-ટ્રમ્પની મુલાકાત પર વિશ્વની નજર
ઈરાનના આ કડક વલણ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના પ્રવાસે જવાના છે. અહેવાલો મુજબ, તે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સામે ભવિષ્યમાં સંભવિત સૈન્ય કાર્યવાહીના વિકલ્પો અંગે માહિતી આપી શકે છે. પશ્ચિમી મીડિયામાં એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે ઈરાન પોતાના બેલેસ્ટિક મિસાઈલ ઉત્પાદન માળખાને ફરીથી મજબૂત કરી રહ્યું છે અને જૂનમાં થયેલા સંઘર્ષ દરમિયાન નુકસાન પામેલી એર ડિફેન્સ સિસ્ટમનું સમારકામ કરી રહ્યું છે. ઈઝરાયલે અમેરિકાને એવી પણ ચેતવણી આપી છે કે ઈરાન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલો મિસાઈલ અભ્યાસ કોઈ મોટા હુમલાની તૈયારીનો ભાગ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં ઈઝરાયલે ઈરાનના સૈન્ય અને પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા અને ગુપ્ત ઓપરેશન કર્યાં હતા, જેમાં એક હજારથી વધુ લોકોના મોત થયા હતા. જવાબમાં, ઈરાન દ્વારા ઈઝરાયલ પર સેંકડો મિસાઈલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. બાદમાં અમેરિકા પણ આ યુદ્ધમાં સામેલ થયું હતું અને તેણે ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો.


