- યુએસ-ઇરાનની સમજૂતીનો મહત્ત્વનો હિસ્સો પરમાણુ કેન્દ્રો
- ઇરાને હોર્મુઝમાં કોઈપણ સ્વરૂપે ટોલ ટેક્સ કે વેરોે લીધો તો શાંતિ મંત્રણા રદ કરી દઇશુ: ટ્રમ્પની ધમકી
વોશિંગ્ટન : આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના પ્રમુખ રાફેલ ગ્રોસીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેમની ટીમ ટૂંક સમયમા જ ઇરાનના પરમાણુ સંવર્ધન કેન્દ્રનું નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણ ઇરાન-અમેરિકા વચગાળા સમજૂતીનો મહત્ત્વનો હિસ્સો મનાય છે. આઇએઇએના પ્રમુખનું આ અત્યાર સુધીનું સ્પષ્ટ નિવેદન છે. યુએનની આ પરમાણુ દેખરેખ એજન્સી ઇરાનના પરમાણુ ભંડારની સ્થિતિ સુનિશ્ચિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગયા વર્ષના યુદ્ધમાં ઇરાનના પરમાણુ કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યું હતું.
જાપાનના ફુકુશિમા દાઇચી પરમાણુ એકમમાં આયોજિત પત્રકાર પરિષદમાં આઇએઇએના પ્રમુખ રાફેલ મારિયાનો ગ્રોસીએ પત્રકારોને જણાવ્યું હતું કે હું રાજકીય નિવેદનો સમજી શકું છું. તે વાસ્તવિકતાનો હિસ્સો છે, પરંતુ હું તમને યાદ અપાવવા માંગુ છું કે બંને દેશના પ્રમુખો દ્વારા એક સમજૂતીપત્ર પર સહીસિક્કા કરવામાં આવ્યા છે. આ સમજૂતીપત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પરમાણુ સામગ્રી અને પરમાણુ કેન્દ્રો સાથે જોડાયેલી બાબતોની દેખરેખ આઇએઇએ દ્વારા કરવામાં આવશે. આમ કરવા માટે અમારે નિરીક્ષણ કરવું પડશે. આ નિરીક્ષણ આવતીકાલે થાય, પછીના દિવસે થાય કે પખવાડિયે થાય કે જ્યારે પણ થાય પણ તે ચોક્કસ થશે.
આ નિરીક્ષણને મહત્ત્વનું એટલા માટે માનવામાં આવે છે કેમકે તેના હેઠળ ઇરાનના ઉચ્ચસ્તરીય સ્તરે સંવર્ધિત યુરેનિયમના ભંડારને ઓછા સંવર્ધિત સ્તરે લાવવાની એટલે કે ડાઉન બ્લેન્ડ કરવાની વાત કહેવામાં આવી છે. જ્યારે ઇરાનના ટોચના રાજદ્વારીએ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઇએઇએ)ના ટોચના વડાની વાતને ફગાવી દીધી હતી.
ઇરાનના ડેપ્યુટી વિદેશ પ્રધાને કાઝેમ ઘારીબાબાદીએ જણાવ્યું હતું કે સ્વિટ્ઝરલેન્ડમા અમારી ગ્રોસી સાથે કોઈ બેઠક થઈ નથી. તેમણે વિનંતી કરી હોવા છતાં કોઈ બેઠક થઈ નથી. આ સિવાય હુમલો થયેલા કેન્દ્રો અને પરમાણુ સામગ્રી તપાસવાનું પણ કોઈ આયોજન નથી. આ બધી વાત તો બંને દેશ વચ્ચે અંતિમ કરાર અમલી થઈ જાય તેના પછીની છે. તેના પછી ઇરાન પર બધા પ્રતિબંધો ઉઠાવી લેવાય અને અન્ય પગલાં લેવાય તેના પછી આ વાત આવે છે. તેઓ એડવાન્સમાં કશું ન કરી શકે.
ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાને તેમને આશ્વસ્ત કર્યા છે કે હોર્મુઝમાંથી પસાર થનારા કોઈપણ જહાજ પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ, વીમા વેરો કે અન્ય વધારાનો વેરો લગાવવામાં નહીં આવે. તેમની સાથે ચેતવણી આપી કે આ જાણકારી ખોટી સાબિત થઈ તો બંને દેશ વચ્ચે ચાલતી શાંતિ મંત્રણા તાત્કાલિક ખતમ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત હોર્મુઝમાં ફસાયેલા હજારો વહાણો અને તેના પરના ૧૧ હજાર ખલાસીઓને નીકાળવાના આયોજન પર કામ શરૂ થયુ છે. અમેરિકા, ઇરાન અને ઓમાન ત્રણેય ભેગા મળીને આ પ્લાન પર કામ કરી રહ્યા છે. આ સિવાય જરૂર પડી તો બીજા ખાડી દેશોની મદદ પણ આ માટે લેવામાં આવી શકે છે. હાલમાં તો બે નાના રૂટ પરથી જ જહાજો નીકલી રહ્યા છે, કારણ કે ઇરાને હોર્મુઝની ખાડીમાં સુરંગો બીછાવી હતી અને તેને કાઢવામાં હજી સમય લાગી શકે તેમ છે.
આ દરમિયાન અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયો ખાડીના ત્રણ દેશોના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેમણે અબુધાબીના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે ખાનગી બેઠક કરી હતી. તેઓ હવે કુવૈત અને બહેરીન પણ જવાના છે.


