ઇઝરાયેલની એરસ્ટ્રાઇકસનો બદલો લેવા ઇરાન દ્વારા ઇઝરાયેલ ઉપર મિસાઇલ વર્ષા

- ક્રૂઝેડઝ યુગનું પુનરાવર્તન થઇ રહ્યું છે ? 3જું વિશ્વયુદ્ધ થશે ?
- તેલ અવિવ અને જેરૂસલેમમાં સાયરનો ગર્જી : ઇઝરાયેલના વળતા હુમલા : યુએસે ઇરાનને ચેતવ્યું સાથે સ્ટીમરો ભરી ઇઝરાયેલને શસ્ત્રો આપ્યાં
તેલ અવિવ, વૉશિંગ્ટન : ઇરાન ઇઝરાયલ યુદ્ધનો અંત દેખાતો નથી. એવું લાગે છે કે ૧૧મી સદીથી શરૂ થયેલો ધર્મ યુદ્ધોનું જાણે કે પુનરાવર્તન થઇ રહ્યું છે. સાથે બંને ઝનૂની વિરોધીઓનું ઝનૂન વિશ્વને ત્રીજાં વિશ્વ યુદ્ધ તરફ ખેંચી રહ્યું છે.
ઇઝરાયલે ગઇકાલે (શુક્રવારે) ઇરાનનાં પરમાણુ કેન્દ્રો પર કરેલા પ્રચંડ હુમલાના વળતા જવાબ રૂપે આજે શનિવારે ઇરાન ઇઝરાયલનાં તેલ અવિવ અને જેરૂસલેમન મુખ્ય લક્ષ્ય બનાવી અનેક સ્થળોએ મિસાઇલ વર્ષા શરૂ કરી દીધી છે. બીજી તરફ અમેરિકાએ ઇરાનને જાણે કે આખરીનામું પાઠવતું હોય તે રીતે કહી દીધું છે કે પરમાણુ સંધિ પર બહુ મોડું થાય તે પૂર્વે હસ્તાક્ષર કરો.
આ તરફ ઇઝરાયલે સ્વીકાર્યું હતું કે ઇરાને મિસાઇલ્સ તેલઅવિવ અને જેરૂસલેમમાં તો ભારે હુમલા કર્યા હતા. પરંતુ અમેરિકાની મિસાઇલ સંરક્ષણ વ્યવસ્થાએ અનેક મિસાઇલ્સ તોડી પણ પાડયાં હતાં. જો કે આમ છતાં ઇરાનનાં કેટલાંક મિસાઇલ્સ પડયાં હતાં. તેથી થયેલી જાનહાની કે મિસાઇલ્સની સંખ્યા વિષે ઇઝરાયલે કશું કહ્યું ન હતું.
ઇરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ તે સ્વીકાર્યું હતું કે તહેરાનનાં મેહરાબાદ એરપોર્ટ ઉપર બે મિસાઇલ્સ પડયાં હતાં. આ એરપોર્ટ ઉપર ફાયટર જેટ્સ અને ટ્રાન્સપોર્ટ પ્લેન્સ રહે છે.
બીજી તરફ ઇઝરાયલે પણ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે ઇરાને બે મિસાઇલ તેલ અવિવ ઉપર છોડયાં હતાં અને શનિવારે સવારે તેણે છોડેલાં મિસાઇલ્સથી તેલ અવિવનાં ઊંચાં મકાનો પૈકી કેટલાકમાં આગ લાગી હતી. જો કે યુ.એસ. મિલિટરીએ આકાશી સંરક્ષણ છત્ર જે ઇઝરાયલને પુરૂ પાડયું છે તેના ભાગરૂપે તેણે ઇરાની મિસાઇલ્સ તોડી નાખ્યાં હતાં.
ઇરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી ઇર્નાએ પણ જણાવ્યું હતું કે ઇરાને સેંકડો મિસાઇલ્સ ઇઝરાયલ ઉપર છોડયાં હતાં.
ઇરાન એટમ બોમ્બ બનાવવા માટે જરૂરી યુરેનિયમનો જથ્થો તૈયાર કરી રહ્યું છે. ઇઝરાયલ સહિત પશ્ચિમના દેશો અને વિશેષત: અમેરિકાને તે સામે સખત વાંધો છે. તેથી તો અમેરિકા ઇઝરાયલને સ્ટીમરો ભરી શસ્ત્રો આપે છે.
હમાસ, હુથી અને હીઝબુલ્લાને ઇરાનનું જ પીઠબળ છે, તે પૈકી હમાસ અને હિઝબુલ્લાને ઇઝરાયલે લગભગ ખતમ કરી નાખ્યાં છે. ઇરાન-ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષનું આ મુખ્ય કારણ છે. ઉપરાંત એટમ બોમ્બ બનાવી શકાય. તેટલી વિશુધ્ધ (૯૦%) યુરેનિયમની કરવા નજીક ઇરાન પહોંચી ગયું છે. જે સામે યુ.એસ. અને ઇઝરાયલ ઉપરાંત પશ્ચિમને વાંધો છે. પરિણામે ઇઝરાયેલ ઇરાનની બે ન્યુક્લિયર સાઇટ્સ પૈકી નાતનાઝની ભૂગર્ભ સ્થિત પરમાણુ સ્થળ ઉપર મિસાઇલ્સ છોડયાં હતાં.
ટૂંકમાં આ યુદ્ધ બંધ થવાને બદલે વિકસતું જાય છે. આ યુદ્ધ ક્રૂઝેડસ સમયની યાદ આપે છે. વિશ્વને ૩જા વિશ્વયુદ્ધ તરફ ઢસડી રહ્યુ છે.









