World

ઈરાન મક્કમ છે, અમે ડરતા નથી યુરેનિયમ સમૃદ્ધ કરતા જ રહીશું : આ સાથે યુ.એસ.ને પણ ચેતવણી આપી

By GS TEAM
9 Feb 20262 mins read
ઈરાન મક્કમ છે, અમે ડરતા નથી યુરેનિયમ સમૃદ્ધ કરતા જ રહીશું : આ સાથે યુ.એસ.ને પણ ચેતવણી આપી

- યુરેનિયમ સમૃદ્ધ કરવાના મુદ્દે જ ઈરાન-અમેરિકા વચ્ચે તંગદિલી વધી રહી છે : તહેરાન યુરેનિયમ શુદ્ધીકરણમાં આગળ વધી રહ્યું છે

તહેરાન : ઈરાનના વિદેશમંત્રીએ ખુલ્લેઆમ જણાવી દીધું છે કે તહેરાનની સાચી શક્તિ તો 'મહાશક્તિઓને ના' કહેવામાં રહેલી છે. એક તરફ ઈરાનમાં ખામેનીનાં માર્ગદર્શન નીચેની સરકાર સામે રમખાણો ચાલી રહ્યા છે, તો બીજી તરફ પોતાના અણુ કાર્યક્રમ સંબંધે અમેરિકા સાથે ચાલી રહેલી મંત્રણાઓ પડી ભાંગી છે, તેવે સમયે ઇરાનના વિદેશમંત્રીએ કહેલું આ નિવેદન થોડામાં ઘણું કહી જાય છે. 

તેણે ફરી સ્પષ્ટત: કહી દીધું છે કે, ઈરાનને તેનું યુરેનિયમ સમૃદ્ધ કરવાની છૂટ મળવી જ જોઈએ. વાસ્તવમાં આ મુદ્દે જ બંને દેશો વચ્ચે તંગદિલી અત્યંત વધી ગઈ છે. તેમાંએ ૧૨ દિવસમાં ઈઝરાયલ-ઈરાન યુદ્ધ સમયે અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર ફેસિલીટી ઉપર બોમ્બવર્ષા પણ કરી હતી.

ખેદની વાત તે છે કે એક તરફ અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા એક ડગલું આગળ વધી છે. તેમ તેના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાન કહે છે, ત્યારે બીજી તરફ તેના વિદેશમંત્રી અરાઘચીનાં ઉક્ત વિધાનો અસમંજસ્ ઉભું કરે છે, સાથે સામે આવેલા પડકારો પણ દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ તેનાં પ્રચંડ વિમાનવાહક જહાજ 'અબ્રહામ લિંકન'ના નેતૃત્વ નીચે એક નૌકા કાફલો ઈરાનની જળ-સીમાની બહાર ઈરાનના અખાતના મુખ ઉપર ગોઠવી દીધા છે તે દ્વારા ઈરાન ઉપર (યુરેનિયમ-સમૃદ્ધીકરણ અટકાવવા) દબાણ કરે છે. સાથે સમગ્ર મધ્યપૂર્વમાં ભારે તંગદિલી પ્રવર્તી રહી છે. તો દૂર પૂર્વમાં ચીન અને તાઇવાન વચ્ચે તીવ્ર તંગદિલી પ્રવર્તે છે, તેમાં જાપાનનાં વડાપ્રધાન સાને તાકાઈચીએ તાઇવાનને ખુલ્લેઆમ ટેકો જાહેર કરવા સાથે લશ્કરી સહાયનું પણ એલાન કરતાં દૂર-પૂર્વમાં પણ પરિસ્થિતિ તંગ બની ગઈ છે. ઉત્તર-પશ્ચિમે રશિયા-યુક્રેન યુદ્ધ શમતું નથી. જ્યારે ઈઝરાયલ-હમાસ, ઈઝરાયલ હીઝબુલ્લા, ઈઝરાયલ-હુતી અને ઈઝરાયલ-અમેરિકા સામે ઈરાન પડયું છે. વિશ્વ તંગ દોર પર આવી રહ્યું છે તેમ નિરીક્ષકોનું સ્પષ્ટ મંતવ્ય છે.