પાકિસ્તાન જતું જહાજ ભારત તરફ વળ્યું! ઈરાને હોર્મુઝમાં 'બ્રેક' મારી તો કરાચીને બદલે મુંબઈનો રસ્તો પકડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Pakistan Relations: હોર્મુઝ સ્ટ્રેટમાં હાલ દરિયાઈ સુરક્ષા અને રાજદ્વારી ખેંચતાણને કારણે એક રસપ્રદ સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન માટે ખાવા-પીવાની ચીજવસ્તુઓ લઈને કરાચી જઈ રહેલા જહાજ ‘SELEN’ને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ(IRGC) દ્વારા રોકી દેવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધોમાં રહેલી કડવાશ ફરી સપાટી પર આવી છે. સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના ધ્વજ હેઠળ મુસાફરી કરી રહેલું આ જહાજ 23 માર્ચના રોજ યુએઈના શારજાહથી કરાચી જવા રવાના થયું હતું, પરંતુ જેવું તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં દાખલ થયું કે તરત જ ઈરાની નૌસેનાએ તેને ઘેરી લીધું હતું. ઈરાનનો દાવો છે કે આ જહાજ પાસે આ ક્ષેત્રમાંથી પસાર થવા માટે પૂરતી મંજૂરી નહોતી અને ઈરાની ઓથોરિટી સાથે સંકલન સાધ્યા વિના કોઈ પણ જહાજ અહીંથી પસાર થઈ શકે નહીં.
ખાદ્ય સંકટ વચ્ચે પાકિસ્તાન માટે મોટો આર્થિક ફટકો
ઈરાનની આ કડક કાર્યવાહી બાદ હવે આ જહાજે પાકિસ્તાનનો રસ્તો છોડીને ભારત તરફ વળવાનો નિર્ણય લીધો છે. વેસલ ટ્રેકિંગ ડેટા અનુસાર, 'SELEN' હવે મુંબઈ બંદર તરફ આગળ વધી રહ્યું છે અને 9 એપ્રિલ સુધીમાં તે ભારતીય તટ પર પહોંચે તેવી સંભાવના છે. પાકિસ્તાન અત્યારે પહેલેથી જ ગંભીર ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે, તેવા સમયે અનાજ ભરેલા જહાજનું કરાચી ન પહોંચવું તે ઈસ્લામાબાદ માટે મોટો આર્થિક ફટકો માનવામાં આવે છે. બીજી તરફ, ભારત માટે હોર્મુઝના રસ્તેથી સારા સમાચાર મળી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન તરફ જતાં જહાજો રોકવામાં આવી રહ્યા છે, ત્યારે ભારત આવતા જહાજો માટે ઈરાને રસ્તો ખુલ્લો રાખ્યો છે.
મિત્ર દેશો માટે હોર્મુઝનો રસ્તો ખુલ્લો રાખશે ઈરાન
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં એલપીજી(રસોઈ ગેસ) ભરેલા 8 જહાજો સુરક્ષિત રીતે ભારત પહોંચી ચૂક્યા છે અને આગામી 3-4 દિવસમાં બીજા 4 જહાજો ભારત પહોંચવાની અપેક્ષા છે. ઈરાને ન્યૂયોર્કમાં પોતાના મિશન દ્વારા સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝમાંથી પસાર થતા દરેક જહાજે ઈરાની અધિકારીઓ સાથે નિયમોનું પાલન કરવું પડશે. ઈરાને એ પણ સંકેત આપ્યા છે કે તે મિત્ર દેશોના જહાજોને રસ્તો આપશે, પણ શરત એટલી કે તેઓ ઈરાન વિરોધી કોઈ પ્રવૃત્તિમાં સામેલ ન હોવા જોઈએ. 'SELEN' જહાજનું કરાચી ન જઈ શકવું તે ઈરાનની આ કડક નીતિ અને ક્ષેત્રમાં વધતા પ્રભુત્વનું પરિણામ છે.









