હવે ઇરાનનો વારો : ઇઝરાયેલનો કચ્ચરઘાણ કાઢ્યો
- ઇઝરાયેલના હુમલાનો જવાબ ઇરાને આખી રાત મિસાઈલમારાથી આપ્યો : ત્રણનાં મોત, 70 ઘાયલ
- ઈઝરાયેલના ત્રણ એફ-35 ફાઈટર જેટ તોડી પાડયા, એકનું મોત, બે પાયલટને કેદી બનાવ્યાનો ઈરાનનો દાવો : આયર્ન ડોમ નિષ્ફળ કર્યું
- તહેરાનની એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડી ઈઝરાયેલના ફાઈટર જેટનો સતત બીજા દિવસે વિનાશક બોમ્બમારો
તહેરાન/જેરુસલેમ : ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતું રોકવા માટે ઈઝરાયેલે શુક્રવારે ઓપરેશન લાયન રાઈઝિંગ હેઠળ તહેરાન પર હવાઈ હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ-૩ શરૂ કરતા શુક્રવાર-શનિવારની આખી રાત ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલનો મારો ચલાવ્યો હતો. ઈઝરાયેલની પ્રખ્યાત ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમને નિષ્ફળ બનાવતા ઈરાનના બેલિસ્ટિક મિસાઈલોએ તેલ અવીવમાં ભારે તબાહી મચાવી હતી, જેમાં ઈઝરાયેલના ત્રણ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા. આ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયેલની પડખે છે જ્યારે રશિયા અને ચીન ઈરાનની તરફેણમાં હોવાથી આ બંને દેશોને આગળ રાખી મહાસત્તાઓ પ્રોક્સી વોર કરી રહી છે, જેના પગલે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહી હોવાની આશંકા વર્તાઈ રહી છે.
ઈઝરાયેલે શુક્રવારે ઓપરેશન લાયન રાઈઝિંગ હેઠળ તહેરાનમાં ભારે વિનાશ વેર્યો હતો, જેના જવાબમાં ઈરાને ટ્રુ પ્રોમિસ-૩ હેઠળ શુક્રવારે મોડી રાતથી શનિવારે વહેલી સવાર સુધી ઈઝરાયેલ પર પાંચ તબક્કામાં બેલિસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. ઈઝરાયેલની પ્રખ્યાત ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમને નિષ્ફળ બનાવતા આ હુમલામાં ઈઝરાયેલના ત્રણ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા અને ૭૦થી વધુ ઘાયલ થયા છે. તેમજ રાજધાની તેલ અવીવ અને અન્ય શહેરોમાં ઈમારતોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. ઈરાનના હુમલાના પગલે ઈઝરાયેલના નાગરિકોએ બંકરોમાં શરણ લેવી પડી હતી.
ઈરાનની બેલિસ્ટિક મિસાઈલોએે પહેલા તબક્કામાં ઈઝરાયેલના ૧૫૦થી વધુ સૈન્ય અને જાસૂસી સંસ્થા મોસાદ તેમજ હથિયાર ઉત્પાદન કરતા સ્થળોને નિશાન બનાવ્યા હતા. આઈઆરસીજીએ જણાવ્યું હતું કે, તેમણે બીજા તબક્કામાં તેલ અવીવ, અશદોદ, હાફિઆ અને બીર શીવામાં વ્યૂહાત્મક સ્થળો પર હુમલો કર્યો હતો. ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલમારો શરૂ કર્યા પછી સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ અલિ ખામનેઈએ એક વીડિયો સંદેશામાં જણાવ્યું હતું કે, ઈરાનની સેના ઝાયોનિસ્ટ સરકારને 'નિઃસહાય' અને 'દયનીય' બનાવી દેશે.
આ સિવાય ઈરાને દાવો કર્યો હતો કે, તેણે તહેરાન પર હુમલો કરવા આવેલા ઈઝરાયેલના ત્રણ એફ-૩૫ ફાઈટર જેટને તોડી પાડયા હતા, જેમાં એક પાલયટનું મોત થયું છે અને બે પાયલટને કેદી બનાવ્યા છે. વધુમાં ફોર્દો પરમાણુ એકમને તોડી પાડવાના ઈઝરાયેલના દાવાને ઈરાને ખોટો ગણાવ્યો હતો. કોમ શહેર પાસે આવેલા ફોર્દો પરમાણુ એકમ પર ફાઈટર જેટના લેન્ડિંગનો વીડિયો જાહેર કરીને ઈરાને કહ્યું કે, તેનંલ પરમાણુ એકમ એકદમ સહીસલામત છે. ઈરાને ઈઝરાયેલ પર હુમલા વધુ ઘાતક બનાવાવનો અને ઈઝરાયેલનું રક્ષણ કરનારા દેશોમાં તેના દૂતાવાસોને નિશાન બનાવવાની જાહેરાત કરી હતી.
ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાનને વધુ હુમલા કરવા સામે ચેતવણી આપી હતી. નેતન્યાહુએ કહ્યું કે, ઈઝરાયેલની એરફોર્સના ફાઈટર જેટ ટૂંક સમયમાં તહેરાનના આકાશમાં ઊડતા દેખાશે. ઈરાનના અયાતુલ્લાહ શાસનના દરેક સ્થળો પર હુમલા કરાશે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી કાત્ઝે ચેતવણી આપી કે, ઈરાન મિસાઈલ હુમલા ચાલુ રાખશે તો તહેરાન આગમાં સળગશે. ઈઝરાયેલે શનિવારે ફરી એક વખત દક્ષિણ ઈરાનના બુશહરમાં કુદરતી ગેસ રિફાઈનરી પર હુમલો કર્યો હતો.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શનિવારે ફરી એક વખત ઈરાનને અમેરિકા સાથે પરમાણુ સોદો કરવા માટે જણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, હું ઈરાનને પરમાણુ સોદો કરવાની વધુ એક તક આપું છું.
નહીં તો ઈઝરાયેલ ઈરાન પર હુમલા ચાલુ રાખશે. બીજીબાજુ ટ્રમ્પની ધમકીથી ડર્યા વિના ઈરાનના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો કે, ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરીને વાટાઘાટોની બધી જ સંભાવના રદ કરી દીધી છે. પરિણામે રવિવારે અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી પરમાણુ સોદાની વાટાઘાટો રદ થઈ ગઈ છે.