Iran Govt vs IRGC? : હોર્મુઝની ખાડીમાં ભારતીય જહાજો પર થયેલા હુમલાએ ઈરાનની આંતરિક વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. એક તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી શાંતિ અને વેપારની વાતો કરે છે, તો બીજી તરફ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ ગોળીબાર કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કરી રહ્યા છે.
સુપ્રીમ લીડરની ગેરહાજરી
અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનમાં સર્વોચ્ચ નેતૃત્વની ખોટ છે. જેનો ફાયદો ઉઠાવીને સેના-IRGC હવે પોતે જ દેશના ભાગ્યવિધાતા હોવાનું વર્તન કરી રહી છે.
સરકાર અને સેના વચ્ચે અસમંજસ?
રાષ્ટ્રપતિ પેજેશ્કિયન અને વિદેશ મંત્રી પશ્ચિમી દેશો સાથે વાતચીત કરીને પ્રતિબંધો હટાવવા માંગે છે, જ્યારે IRGC કટ્ટર વલણ અપનાવીને અમેરિકા અને ઈઝરાયેલને પડકારવા માંગે છે.
ભારતીય જહાજો પર હુમલાએ પોલ ખોલી
વિદેશ મંત્રીના ‘માર્ગ ખુલ્લો છે’ તેવા નિવેદન બાદ ભારતીય જહાજો આગળ વધ્યા, પરંતુ IRGCએ તેમને રોકીને સ્પષ્ટ સંદેશ આપ્યો કે હોર્મુઝ પર અસલી કબજો તેમનો છે.
ભારતની ચિંતા વધી
ભારતની 90 ટકા ગેસ આયાત અને મોટો તેલ પુરવઠો આ જ રસ્તેથી આવે છે. જો ઈરાનની સેના અને સરકાર વચ્ચેના આ વિખવાદમાં હોર્મુઝ બંધ રહે અથવા અસુરક્ષિત બને, તો ભારતમાં ઈંધણના ભાવ આસમાને પહોંચી શકે છે.
પશ્ચિમ એશિયાના સમુદ્રમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી ભારતીય જહાજો પર જોવા મળી રહી છે. શનિવારે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ગનબોટ્સે ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલા બાદ જહાજોને યુ-ટર્ન લઈ પાછા ફરવાની ફરજ પડી હતી. ફાયરિંગનો ભોગ બનેલા બે જહાજો પૈકી એક 'વેરી લાર્જ ક્રૂડ કેરિયર' (VLCC) છે, જેમાં 20 લાખ બેરલ જેટલો મોટો તેલનો જથ્થો ભરેલો હતો. આ ઘટનાના થોડા જ કલાકોમાં ભારત સરકારે ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથલીને સમન્સ પાઠવી તેડું મોકલ્યું હતું. જે બાદ તેઓ વિદેશ મંત્રાલય સમક્ષ હાજર થયા હતા. જોકે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને જહાજોને પણ મોટું નુકસાન પહોંચ્યું નથી.


