World

'ટ્રમ્પ 'એપ્રિલ ફૂલ' બનાવી રહ્યા છે..', અમેરિકાના સીઝફાયરના દાવાને ઈરાને ફગાવી દીધો

By GS TEAM
1 Apr 20263 mins read
TukuTouch Logo
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવાને ફગાવી દીધો છે, જેમાં તેમણે તેહરાન દ્વારા સીઝફાયર (યુદ્ધવિરામ)ની વિનંતી કરવામાં આવી હોવાની વાત કહી હતી. ઈરાને આ વાતને સંપૂર્ણપણે 'આધારહીન અને જૂઠી' ગણાવી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સરકારી ટેલિવિઝન દ્વારા સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પનો આ દાવો તથ્યાત્મક રીતે ખોટો છે અને તેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ટ્રમ્પ 'એપ્રિલ ફૂલ' બનાવી રહ્યા છે..', અમેરિકાના સીઝફાયરના દાવાને ઈરાને ફગાવી દીધો

West Asia Tensions: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવાને ફગાવી દીધો છે, જેમાં તેમણે તેહરાન દ્વારા સીઝફાયર (યુદ્ધવિરામ)ની વિનંતી કરવામાં આવી હોવાની વાત કહી હતી. ઈરાને આ વાતને સંપૂર્ણપણે 'આધારહીન અને જૂઠી' ગણાવી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સરકારી ટેલિવિઝન દ્વારા સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પનો આ દાવો તથ્યાત્મક રીતે ખોટો છે અને તેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.

'ઈરાનમાં કોઈ પ્રકારનું સત્તા પરિવર્તન થયું નથી'

ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પરિવર્તનવાળા દાવા પર વળતો આકરો પ્રહાર કર્યો છે. ઈરાને કટાક્ષ કરતા કહ્યું કે ટ્રમ્પ 'એપ્રિલ ફૂલ' બનાવી રહ્યા છે, કારણ કે કોઈ પણ દેશના રાષ્ટ્ર પ્રમુખ ટ્વીટથી બદલાતા નથી. મુંબઈ સ્થિત ઈરાનના કોન્સ્યુલેટ જનરલે સ્પષ્ટ કર્યું કે મસૂદ પેઝેશ્કિયન પહેલા પણ દેશના રાષ્ટ્ર પ્રમુખ હતા અને અત્યારે પણ એ જ પદ પર છે, એટલે કે ઈરાનમાં કોઈ પ્રકારનું સત્તા પરિવર્તન થયું નથી. ઈરાનની આ પ્રતિક્રિયા પરથી સ્પષ્ટ છે કે તે ટ્રમ્પના દાવાઓને સંપૂર્ણપણે નકારી રહ્યું છે અને તેને ભ્રામક તથા રાજકીય નિવેદનબાજી માની રહ્યું છે.

 ટ્રમ્પના દાવાને ઈરાને નકાર્યો

હકીકતમાં, આ પહેલા ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે ઈરાનની 'નવી સત્તા' તરફથી તેમને યુદ્ધવિરામ માટે અપીલ કરવામાં આવી છે. જો કે ઈરાનમાં નેતૃત્વમાં કોઈ ફેરફારની પુષ્ટિ થઈ નથી, જેના કારણે આ દાવા પર વધુ સવાલો ઉભા થઈ રહ્યા છે.

ટ્રમ્પે સીઝફાયર અંગે શું કહ્યું હતું?

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું કે, ઈરાનના નવા રાષ્ટ્ર પ્રમુખ ઓછા કટ્ટરપંથી અને હોંશિયાર છે. તેમણે અમેરિકા સમક્ષ સીઝફાયરની માંગ કરી છે. પણ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલશે પછી જ અમે આ માંગ પર વિચાર કરીશું. જો હોર્મુઝ નહીં ખુલે તો અમે ઈરાનને પૂરેપૂરું તબાહ કરી દઈશું અથવા તેને પાષાણ યુગમાં પાછું મોકલી દઈશું.

આ પણ વાંચો: ટ્રમ્પનો દાવો- ઈરાને સીઝફાયરની માંગ કરી, પણ હોર્મુઝ નહીં ખૂલે ત્યાં સુધી હુમલા કરતાં રહીશું

NATO એટલે 'કાગળનો વાઘ': ટ્રમ્પ ભડક્યા

ડેઈલી ટેલિગ્રાફ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું- 'મને નાટો ક્યારેય પસંદ નહોતું. હું તેને છોડવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છું. આ અંગે વધારે વિચાર કરવાની પણ જરૂર નથી. હું ઈરાન યુદ્ધ ખતમ થયા પછી આ અંગે નિર્ણય સંભળાવીશ'. ટ્રમ્પે આ દરમિયાન નાટોને 'કાગળનો વાઘ'ગણાવ્યું હતું.  ટ્રમ્પે આગળ કહ્યું કે પુતિન પણ NATO સંગઠનની શક્તિ જાણે છે. તેથી રશિયા પણ તેને ગંભીરતાથી લેતું નથી. ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર પર પણ નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે બ્રિટન પાસે નેવી જ નથી. તે જૂની થઈ ગઈ છે. બ્રિટનના વડાપ્રધાન માત્ર ઊર્જા બચાવવામાં લાગેલા છે. તેનાથી કંઈ થવાનું નથી. હું તેમને હવે તેમને કોઈ સલાહ નહીં આપું. તેમને જે કરવું હોય તે કરે.