કતારમાં ઇરાનનો 'અમેરિકન એરબેઝ' પર મિસાઇલમારો
- જગત જમાદાર બનેલા પ્રમુખ ટ્રમ્પની ધમકીની ઐસીતૈસી: આવનારા દિવસોમાં મહાયુદ્ધનાં એંધાણ
- મિડલ ઇસ્ટમાં અમેરિકાના સૌથી મોટા 10 હજાર સૈનિકોના મથક પર ઇરાને 1800 કિ.મી. દૂરથી 10 મિસાઇલો દાગી: કતાર-કુવૈતની એરસ્પેસ બંધ
- અમેરિકા બાદ ઇઝરાયેલે ઇરાનના ફોર્ડો પરમાણુ મથક પર હુમલો કર્યો,૧૫થી વધુ ફાઇટર જેટ, ૬ એરફીલ્ડનો નાશ
- રશિયા અમેરિકાના હુમલાની માત્ર ટીકા ના કરે, મદદ પણ કરે: ખામનેઇનો પુતિનને પત્ર
તેહરાન/દોહા/વોશિંગ્ટન : અમેરિકાએ ઇરાનના પરમાણુ મથકો પર બોમ્બમારો કર્યો હતો, જેનો વળતો જવાબ આપવા માટે ઇરાને પણ હવે કતારમાં અમેરિકાના મિડલ ઇસ્ટના સૌથી મોટા એરબેઝ (સૈન્ય મથક) પર ૧૦ મિસાઇલો છોડી છે. ઇઝરાયેલ-ઇરાન વચ્ચેના આ યુદ્ધમાં હવે અમેરિકા પણ જોડાઇ ગયું હોવાથી સ્થિતિ વધુ વિકરાળ બની શકે છે. અગાઉ અમેરિકાએ ઇરાનના પરમાણુ મથકો પર બોમ્બમારો કર્યો ત્યારે ઇરાને વળતો જવાબ આપવાની ચેતવણી આપી હતી. હવે સોમવારે ઇરાને કતારમાં આવેલા અમેરિકાના મિડલ ઇસ્ટના સૌથી મોટા સૈન્ય મથક પર ૧૦ મિસાઇલો છોડી છે. ઇરાકમાં આવેલા અમેરિકાના સૈન્ય મથક પર પણ મિસાઇલો છોડી હોવાના અહેવાલો છે.
કતારે પોતાની એરસ્પેસ બંધ કરી તેના થોડા જ સમય બાદ ઇરાન દ્વારા કતારના દોહા પાસે આવેલા અમેરિકાના સૈન્ય મથક પર આ હુમલો કર્યો હતો, મિડલ ઇસ્ટમાં અમેરિકાનું સૌથી મોટુ સૈન્ય મથક કતારમાં આવેલુ છે જ્યાં ૧૦ હજારથી વધુ અમેરિકન સૈનિકો છે. ઇરાનના આ હુમલા બાદ કતારમાં આવેલી અમેરિકન એમ્બેસીએ અમેરિકાના નાગરિકોને સુરક્ષીત સ્થળે જતા રહેવા કહ્યું છે. ઇરાને કતારમાં આવેલા અલ-ઉદૈદ એર બેઝ પર હુમલો કર્યો હતો, ઇરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધની સ્થિતિ સમયે અમેરિકાએ આ એરબેઝનો ઉપયોગ કર્યો હતો. ગયા મહિને જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સૈન્ય મથકની મુલાકાત લીધી હતી. જ્યારે કતારના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ પુરતા કતારના એરસ્પેસને બંધ કરવામાં આવે છે. સાથે એવો પણ દાવો કર્યો છે કે ઇરાનની મિસાઇલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી.
બીજી તરફ ઇરાનના હુમલા બાદ અમેરિકા સક્રિય થઇ ગયું છે. ટ્રમ્પે ઇમર્જન્સી બેઠક બોલાવી હોવાના અહેવાલો છે. કતારમાં અમેરિકન એરબેઝ પર હુમલા બાદ હવે ઇરાક, બહરીનમાં પણ યુદ્ધની સાયરન વાગી હતી, એવા અહેવાલો છે કે અમેરિકાએ આ દેશોમાં પણ પોતાની એરબેઝને એલર્ટ કરી દીધી છે. ઇરાને કતાર ઉપરાંત ઇરાક સ્થિત અમેરિકી એરબેઝને પણ નિશાન બનાવ્યું હતું. ઇરાને આ હુમલા બાદ સરકારી મીડિયામાં કહ્યું હતું કે અમેરિકાએ જે હુમલો કર્યો તેનો સફળતાપૂર્વક જવાબ આપી દેવાયો છે.
અમેરિકાના હુમલા બાદ ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી રશિયા પહોંચ્યા હતા, તેમણે મોસ્કોમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની સાથે મુલાકાત કરી હતી. અબ્બાસ ઇરાનના વડા ખામેનેઇનો એક પત્ર લઇને રશિયા પહોંચ્યા હતા. આ પત્રમાં ખામનેઇએ રશિયન પ્રમુખ પુતિન માટે સંદેશો મોકલ્યો હતો અને કહ્યું હતું કે ઇઝરાયેલ અને અમેરિકાના ઇરાન પર હુમલાની માત્ર ટિકા ના કરો ઇરાનને મદદ પણ કરો. આ મુલાકાત વચ્ચે ઇઝરાયેલ દ્વારા ઇરાન પર મોટો હુમલો કરાયો હતો.
અમેરિકાએ રવિવારે ખતરનાક બી-૨ બોમ્બર દ્વારા ઇરાનના પરમાણુ સ્થળોનો નાશ કર્યો હતો. હવે ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકા દ્વારા નિશાન બનાવવામાં આવેલા ફોર્ડો પરમાણુ કેન્દ્ર પર ફરી એક વખત હુમલો થયો છે, જોકે આ બીજો હુમલો ઇઝરાયેલ દ્વારા કરાયો કે અમેરિકા દ્વારા તે ઇરાનના મીડિયાએ સ્પષ્ટ નથી કર્યું પરંતુ ઇઝરાયેલ દ્વારા આ હુમલો કરાયો હોવાની શક્યતા છે કેમ કે ઇઝરાયેલે ધમકી આપતા કહ્યું હતું કે અમે ગમે ત્યારે ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલા કરીશું. આ સાથે જ ઇઝરાયેલ દ્વારા ઇરાનના છ એરફીલ્ડનો પણ નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૫ જેટ્સ અને હેલિકોપ્ટરને પણ તોડી પાડયા હતા.
આ હુમલાનો દાવો ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા કરવામાં આવ્યો છે. જે હેલિકોપ્ટર્સ અને યુદ્ધ વિમાનો તોડવામાં આવ્યા છે તેમાં એફ-૧૪, એફ-૫ અને એએચ-૧નો સમાવેશ થાય છે. એક દિવસ અગાઉ ઇરાન દ્વારા ઇઝરાયેલ પર અનેક મિસાઇલો છોડવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે ઇઝરાયેલ દ્વારા ઇરાન પર હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલ દ્વારા વળતા હુમલા કરવામાં આવ્યા તેમાં ઇરાનની પ્રખ્યાત એવિન જેલને પણ નિશાન બનાવાઇ હતી. આ એવિન જેલ ઇરાનની સૌથી કુખ્યાત જેલ ગણવામાં આવે છે. જ્યાં સત્તા વિરોધી નેતાઓ, પત્રકારો, એક્ટિવિસ્ટ્સ, માનવ અધિકાર માટે લડનારાઓને કોઇને કોઇ કેસમાં આ જેલમાં કેદ રાખવામાં આવે છે. તેહરાન નજીક આવેલી આ જેલની સ્થાપના ૧૯૭૨માં કરવામાં આવી હતી. ઇઝરાયેલ દ્વારા આ જેલ પર હુમલો કરાયો હોવાના અહેવાલો છે. જોકે તેમાં કેટલી જાનહાની થઇ તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
બીજી તરફ એવા અહેવાલો છે કે ઇરાનના પરમાણુ મથકો પર અમેરિકાના હુમલા બાદ હવે ઇરાન પણ વળતો જવાબ આપવાની તૈયારીમાં છે. ગુપ્ત રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઇરાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક ગંભીર ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો અમેરિકાએ ઇઝરાયેલ-ઇરાનના યુદ્ધમાં દખલ દેવાનો પ્રયાસ કર્યો તો અમેરિકાની અંદર સ્લીપર સેલ સક્રિય કરવામાં આવશે. ટ્રમ્પને આ સંદેશો કેનેડામાં યોજાયેલી જી-૭ સમિટ દરમિયાન પહોંચાડવામાં આવ્યો હતો. હાલ તો ઇરાન દ્વારા અમેરિકા પર કોઇ જ હુમલો કરવામાં નથી આવ્યો કે તેની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ એવી શક્યતાઓ છે કે ઇરાન અમેરિકાને આ હુમલાનો પાઠ ભણાવશે.