તેલઅવિવ અને હૈઇફા સહિતના ૫ સ્થળો ઉપર ઇરાને ૧૦૦ મિસાઇલો છોડી, ઇઝરાયેલ ધૂંવા પૂંવા

તેલઅવિવ,૧૬ જૂન,2025,સોમવાર
ઇઝરાયેલ અને ઇરાન જંગે ચડતા દુનિયામાં ચાલતી અશાંતિના ભડકાએ વધુ વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે. ૧૬ જૂનના રોજ વહેલી સવારે ઇઝરાયલમાં પાંચ સ્થળોએ ઇરાનની મિસાઇલો ત્રાટકતા ૮ લોકોના મોત થયા હતા અને ૩૦૦થી વધુ ઘાયલ થયા હતા. ઇરાને કરેલા મિસાઇલ હુમલામાં ઇઝરાયેલના મધ્યભાગમાં આવેલા સુરક્ષિત ગણાતા હાઇફા પોર્ટનો પણ સમાવેશ થાય છે.
ઇરાનના મિસાઇલ હુમલામાં પેટાહ ટિકવામાં ૪,હાઇફામાં ૩ અને બ્નેક બ્રાકમાં ૧ નું મોત થયું છે. જેરુસલામ ટાઇમ્સમાં જણાવ્યા અનુસાર તેલ અવીવમાં યુએસ દુતાવાસની નજીક મિસાઇલ પડવાથી દુતાવાસને થોડું નુકસાન થયું હતું પરંતુ હતાહત થઇ નથી. ૧૬ જુનના રોજ વહેલી સવારે તેલઅવીવની પૂર્વમાં પેટાહ ટિકવામાં ઇરાની મિસાઇલ હુમલા બાદ તંત્ર દ્વારા ક્ષતિગ્રસ્ત ઇમારતનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હુમલાના સ્થળેથી કાટમાળ ખસેડવાની શરુઆત કરવામાં આવી હતી.

ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇરાનના હુમલાના કારણે દેશભરમાં ૨૮૭ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તાજેતરમાં ઇરાનના હુમલાના લીધે તેલ અવીવમાં ઘણી ઇમારતોને નોંધપાત્ર નુકસાન થયું છે.ઇઝરાયલમાં યુએસ રાજદૂત માઇક હુકાબીએ પોતાની એકસ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા જણાવ્યું હતું કે દરિયાકાંઠાના શહેરમાં દુતાવાસ શાખાને નજીવું નુકસાન થયું હતું પરંતુ સ્ટાફને કોઇ જ ઇજ્જા થઇ નથી.
અમેરિકન દુતાવાસો અને કોન્સ્યુલેટ બંધ છે.શેલ્ટર ઇન પ્લેસ ઓર્ડર હજુ પણ અમલમાં છે. સોમવારે વહેલી સવારે મધ્યરાત્રિ પછી આઇડીએફ (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે) બોમ્બ આશ્રયસ્થાનોની નજીક રહેવા માટે ચેતવણી આપી હતી. સેલફોન એપ્લીકેશન દ્વારા સુચના મોકલવામાં આવી હતી જે સંભવિત હુમલાઓની પ્રારંભિક ચેતવણી આપે છે. જે સામાન્ય રીતે સાયરન વગાડવાથી થોડી મિનિટોમાં પહેલી બીજી ચેતવણીને અનુસરવાનું હોય છે.
જે સમયે આશ્રય શોધવા માટે લગભગ ૯૦ સેકન્ડનો સમય મળે છે. શુક્રવારે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે લડાઇ ફાટી નિકળી હતી. શરુઆત ઇઝરાયેલે ઇરાનના પરમાણુ અને લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કરીને કરી હતી. ત્યાર પછી ઇરાને ગીચ વસ્તીવાળા તેલ અવીવ મેટ્રે વિસ્તાર અને આસપાસના શહેરોને નિશાન બનાવ્યા છે જેમાં હાઇફાનો પણ સમાવેશ થાય છે.









