૪૦ મિનિટમાં ઇરાને ઇઝરાયેલ પર ૭ મિસાઇલો છોડી, ગાજા જેવા દ્વષ્યો સોશિયલ મિડિયામાં વાયરલ

તેલઅવિવ,૨૩ જૂન,૨૦૨૫,સોમવાર
ઇરાન પર ઇઝરાયેલના ફાઇટર્સ વિમાનો દ્વારા હુમલા અવિરત ચાલું છે, યુધ્ધની શરુઆત થઇ ત્યારથી ઇરાનના પાટનગર તહેરાનના આકાશ પર ઇઝરાયેલના ફાયટર પ્લેન બેરોકટોક ફરી રહયા છે, ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ ખાસ કામ લાગી નથી પરંતુ ઇરાન મિસાઇલ નિર્માણ અને ટેકનિકમાં સારી પ્રગતિ કરી શકયું છે. વર્ષોથી આર્થિક પ્રતિબંધો છતાં મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજી પાછળ ઉન્નત છે. ઇરાને ઇઝરાયેલ પર મધ્યમ અને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલો છોડીને નુકસાન પહોંચાડયું છે. ઇઝરાયેલના ઇતિહાસમાં કોઇ દેશે આવો હુમલો કર્યો હોય તેવું પહેલીવાર બન્યું છે. ઇઝરાયેલના વિવિધ શહેરોમાં કરફર્યુ જેવી સ્થિતિ છે અને લોકો શેલ્ટર હાઉસમાં રહેવા લાગ્યા છે.
ઇઝરાયેલમાં વિવિધ સ્થળોએ થયેલા નુકસાનની તસ્વીરો જોઇને જાણે કે ગાજા હોય એવું લાગી રહયું છે. ઇરાનની આ મિસાઇલ સ્ટ્રેટેજી કેટલી ચાલશે તે કહેવું અઘરું છે પરંતુ ઇઝરાયેલ સાથે અમેરિકા પણ પ્રત્યક્ષ રીતે યુધ્ધમાં જોડાતા યુધ્ધ વધારે જોખમી બન્યું છે. આજે ૨૩જુનના રોજ ઇરાને ૪૦ મિનિટમાં ૬ થી ૭ જેટલી મિસાઇલો છોડી હતી. ઇઝરાયેલના ઇલેકટ્રિક કોર્પોરેશને જણાવ્યું હતું કે દક્ષિણ ભાગમાં રણનીતિક બુનિયાદી ઢાંચાની સુવિધાઓ પાસે મિસાઇલોના પ્રભાવથી વીજળી પુરવઠો ખોરવાઇ ગયો હતો. ઇરાન તરફથી મિસાઇલો આવવાની સાથે જ સમગ્ર દેશમાં સાયરન ગુંજવા લાગી હતી.
સાયરનના અવાજની સાથે જ તેલ અવીવમાં એક ભૂમિગત આશ્રય સ્થળે લોકો એકઠા થયા હતા. હુમલાના પગલે દક્ષિણ ભાગના કેટલાક નગરોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. ઇઝરાયેલ ઇલેકટ્રિક કોર્પોરેશને જણાવ્યું હતું કે દક્ષિણી ઇઝરાયેલમાં ઇરાનની બેલેસ્ટિક મિસાઇલ વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રકચર પર પડતા કેટલાક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયેલો રહયો હતો. ઉત્તરી,મધ્ય અને દક્ષિણી ઇઝરાયેલમાં સાયરન વાગતા રહે છે. ખાસ કરીને ગાજા અને લેબનોનની સરહદ નજીક રહેતા ઇઝરાયેલી સમૂહોને એલર્ટ રહેવા જણાવાયું છે. સોમવારે સવારે ૪૦ મિનિટમાં ૬ થી ૭ જેટલી મિસાઇલો વડે ઇઝરાયેલ પર હુમલો કર્યો હોવાનું ઇઝરાયેલે પણ પુષ્ટી કરી હતી.








