Iran and USA News : મધ્યપૂર્વમાં એક યુદ્ધની વિનાશિકાઓની એક આગ બુઝાય છે ત્યાં બીજી પ્રગટી જાય છે. ઈઝરાયલ-ગાઝાપટ્ટીનું યુદ્ધ શાંત થયું ત્યાં હવે ઇરાન અને અમેરિકા વચ્ચેના યુદ્દના ખાંડા ખખડવા લાગ્યા છે. અમેરિકાએ ઇરાન પર હુમલા માટે અબ્રાહમ લિંકન યુદ્ધજહાજના નેજા હેઠળ મોટો કાફલો મોકલ્યો છે તો ઇરાને યુદ્ધજહાજ અને ગાઝા ડ્રોન પણ તૈયાર રાખ્યા છે, જે વળતો પ્રહાર કરવા સક્ષમ છે.
અમેરિકાની હવે ઇરાન પર હુમલાની જાણે ઘડીઓ ગણાઈ રહી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન તરફ વેનેઝુએલા મોકલવામાં આવેલા લશ્કરી બેડા કરતાં પણ વધુ મોટો કાફલો મોકલવામાં આવ્યો છે. અમેરિકન લશ્કરનો આ કાફલો જરૂર પડે ત્યારે અત્યંત ત્વરાથી પોતાના મિશનને અંજામ આપવામાં કોઈ સંકોચ નહીં કરે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે અમારી લશ્કરી તાકાત જોઈને ઇરાન ટૂંક સમયમાં સમાધાનના ટેબલ પર આવશે અને સંતુલિત સમાધાન માટે વાત કરશે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે અને સ્થિતિ નિર્ણાયક તબક્કામાં છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ હુમલો જબરદસ્ત વિનાશક હશે. હાલમાં અબ્રાહમ લિંકન જહાજ અને તેની સાથેનો કાફલો ઇરાનથી 700 કિ.મી. દૂર ઓમાન ખાતે છે.
ઇરાને પણ ટ્રમ્પને જવાબ આપવાની તૈયારી કરી લીધી હોય તેમ ગાઝા ડ્રોન ગોઠવી દીધા છે. ઇરાનનું દરેક ગાઝા ડ્રોન આઠ લેસર ગાઇડેડ મિસાઇલથી સજ્જ છે. ઇરાને ટ્રમ્પનો સામનો કરવા માટે આરબ દેશો સાથે ડિપ્લોમસી પણ તેજ કરી દીધી છે. તેના પગલે સાઉદી અરેબિયા અને યુએઈએ જણાવ્યું છે કે તેઓ ઇરાન સાથેના યુદ્ધમાં અમેરિકાને પોતાની જમીન અને એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા દે. ઇજિપ્તે પણ ઇરાનને સમર્થન કર્યું છે. જ્યારે કતાર ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્દ ન થાય તે માટે રાજકીય ઉકેલ લાવવા સક્રિય થઈ ગયું છે. ઇરાને કતારને સ્પષ્ટ જણાવી દીધું છે કે લશ્કરી ધમકીઓ દ્વારા કૂટનીતિ ન તો અસરકારક નીવડે છે કે અસરકારક નીવડે છે. આમ તાકાતવર મુસ્લિમ દેશો પણ મધ્યપૂર્વ ફરી પાછુ યુદ્ધના ભડકામાં હોમાય તેમ ઇચ્છતા નથી.
ઇરાનમાં 28મી ડિસેમ્બરથી શરુ થયેલા દેખાવો પછી ઇરાનના લશ્કરે દેખાવકારો સામે આકરી કાર્યવાહી કરી મોતને ઘાટ ઉતારવા લાગતા ટ્રમ્પ ભડક્યા છે. સત્તાવાર આંકડા મુજબ 6100થી પણ વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. ઇરાનનું સરકારી મીડિયા તો 3117ના મૃત્યુનો જ દાવો કરે છે. હજી પણ ઇરાનની આંતરિક સ્થિતિ તો સળગેલી જ છે. ટ્રમ્પ આ સ્થિતિનો ઉપયોગ કરીને ઇરાનના ખામેનેઈને સત્તા પરથી દૂર કરવા માંગે છે. તે ઇરાનમાં અમેરિકા સમર્થક શાહ રઝા પહલવીને બેસાડવા આતુર છે.
આ દરમિયાન અમેરિકન લશ્કરી કાફલો જેમ-જેમ ઇરાનની વધુ નજીક આવતો જાય છે તેમ-તેમ ઇરાનનું ચલણ રિયાલ દિનપ્રતિદિન નવું તળિયું બનાવી રહ્યુ છે. તેણે બુધવારે એક ડોલર સામે 16 લાખ રિયાલનું નવું તળિયું બનાવ્યું હતું. આ દરમિયાન મધ્યપૂર્વમાં પ્રવર્તતી સ્થિતિના લીધે ભારતીય વિમાની કંપનીઓ તેમની ફ્લાઇટસ રદ કરી રહી છે, તેના સંદર્ભમાં જ ઇન્ડિગો એરલાઇન્સે તેમના ફ્લાઇટ કેન્સલેશનને 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યું છે.


