ભારતને ચાબહાર રેલવે પ્રોજેક્ટમાંથી બહાર કરવાના સમાચાર માત્ર અફવાઃ ઈરાન
સઈદ રસોલીએ ભારતીય રાજદૂત સાથે બેસીને ચાબહાર પોર્ટ અને ચાબહાર- જાહેદાન રેલવે પ્રોજેક્ટમાં સહયોગ વધારવાની રીતો અંગે ચર્ચા કરી
નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2020, મંગળવાર
ઈરાને ભારતને ચાબહાર રેલવે પ્રોજેક્ટમાંથી બહાર કરવાના સમાચારોને ખોટા ગણાવ્યા છે. ઈરાનના કહેવા પ્રમાણે કેટલીક શક્તિઓ બંને દેશ વચ્ચે અંતર વધારવા આ પ્રકારના સમાચારો ફેલાવી રહી છે. પરંતુ તે શક્તિઓ પોતાના આવા ઈરાદાઓમાં સફળ નહીં થાય.
ઈરાનના માર્ગ- રેલ મંત્રાલયે સોમવારે ત્યાં તૈનાત ભારતીય રાજદૂત ગદ્દામ ધર્મેન્દ્રને ચર્ચા માટે આમંત્રણ પાઠવ્યું હતું. મંત્રાલયના નાયબ મંત્રી સઈદ રસોલીએ ભારતીય રાજદૂત સાથે બેસીને ચાબહાર પોર્ટ અને ચાબહાર- જાહેદાન રેલવે પ્રોજેક્ટમાં સહયોગ વધારવાની રીતો અંગે ચર્ચા કરી હતી. સઈદ રસોલીના કહેવા પ્રમાણે ચાબહાર- જાહેદાન રેલવે પ્રોજેક્ટમાંથી ભારતને બહાર રાખવાના સમાચારોમાં કોઈ સચ્ચાઈ નથી. કેટલીક બાહ્ય શક્તિઓ આ પ્રકારે ખોટા રિપોર્ટ ફેલાવીને બંને દેશ વચ્ચે અંતર વધારવા પ્રયત્ન કરી રહી છે જેમાં તેમને સફળતા નહીં મળે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં હસન રોહાનીના નેતૃત્વવાળી ઈરાની સરકારે ભારતને ચાબહાર- જાહેદાન રેલવે પ્રોજેક્ટ નિર્માણમાંથી દૂર કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ સામે આવ્યા બાદ ભારતમાં અનેક વિભાગોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. જો કે ભારત અને ઈરાન દ્વારા આ મુદ્દે કશું સત્તાવાર નિવેદન સામે નહોતું આવ્યું. ત્યારે હવે આ મુદ્દે આંતરિક ભ્રમ દૂર કરવા ઈરાને વાતચીતની શરૂઆત કરી છે.
ભારતે ચાબહાર પોર્ટને જાહેદાન શહેર સુધી જોડવા રેલવે લાઈન બનાવવા ઈરાન સાથે સમજૂતી કરી રાખેલી છે. ભારત આ રેલ પ્રોજેક્ટના માધ્યમથી અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશો સુધી પોતાની પહોંચ વિસ્તારી શકે છે.