Iran Defies US Threats: મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો વધુ ઘેરાયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પરમાણુ કરાર અંગેની કડક ચેતવણી સામે ઈરાને વળતો પ્રહાર કર્યો છે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહંમદ બાકર ગાલિબાફે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈરાન અમેરિકાની 'દાદાગીરી' કે શરતો સામે ક્યારેય ઝૂકશે નહીં. જો અમેરિકા લશ્કરી કાર્યવાહી કરશે, તો તેનો બદલો અત્યંત ભયાનક હશે.
'વાટાઘાટો થશે, પણ શરતો લદાશે નહીં'
એક ઈન્ટરવ્યૂમાં મોહંમદ બાકર ગાલિબાફે અમેરિકાની નીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'ઈરાન અમેરિકા સાથે ટેબલ પર બેસવા તૈયાર છે, પરંતુ જો વોશિંગ્ટન ફક્ત પોતાના વિચારો લાદવા માંગતું હોય તો કોઈ વાટાઘાટો શક્ય નથી. ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર પોતાની શરતો લાદવા માંગે છે, જે ઈરાન માટે અસ્વીકાર્ય છે.'
આ પણ વાંચો: ટ્રમ્પ સરકારે ટેક્સાસમાં H-1B વિઝા પર પ્રતિબંધ મૂક્યો, ભારતીયોને પડશે મોટો ફટકો
આર્થિક સંકટ અને આંતરિક સ્થિતિ
મોહંમદ બાકર ગાલિબાફે સ્વીકાર્યું હતું કે 'ઈરાન અત્યારે આર્થિક ગેરવહીવટનો સામનો કરી રહ્યું છે, પરંતુ તેમણે આ સંકટ માટે અમેરિકાના સરમુખત્યારશાહી પ્રતિબંધોને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે દેશમાં થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન માર્યા ગયેલા 300 સુરક્ષા કર્મચારીઓના લોહીનો બદલો લેવાની પણ ખાતરી આપી હતી.'
અમેરિકન સૈનિકોને નિશાન બનાવવાની ચેતવણી
ઈરાને અમેરિકાને સીધી લશ્કરી ચેતવણી આપતા જણાવ્યું છે કે 'જો ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો થયો, તો મધ્ય પૂર્વમાં રહેલા અમેરિકન સૈનિકો અને તેમના લશ્કરી મથકો સુરક્ષિત રહેશે નહીં.' ઈરાનના સુપ્રીમ લીડરના સલાહકાર અલી શમખાનીએ કહ્યું કે, 'યુએસની કોઈપણ કાર્યવાહીના જવાબમાં અમેરિકા, ઈઝરાયેલ અને તેમના પ્રોક્સીઓને નિશાન બનાવવામાં આવશે.'
યુદ્ધના મુખ પર મીડિલ ઈસ્ટ
જૂન 2025ના હુમલા બાદ અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાનું સૌથી મોટું લશ્કરી સંકુલ બનાવી રહ્યું છે, જેને ઈરાન પોતાના માટે ખતરો માની રહ્યું છે. વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાની દળો 'ટ્રિગર' પર આંગળી રાખીને બેઠા છે અને કોઈપણ હુમલાનો જવાબ આપવા સજ્જ છે.


