પ્રમુખ ઇબ્રાહીમ રાયસીનું ચોપર પડી ભાંગ્યું તે માટે, ઇરાને અઝરબૈજાન પર આક્ષેપ મુક્યો

- આઝરબૈજાન, ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદને મદદ કરે છે, ઈઝરાયલના કેટલાક ડ્રોન, આઝરબૈજાનમાંથી ઈરાનમાં ઘૂસ્યા હતાં
તહેરાન : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ૧૨ દિવસ ચાલ્યું હતું. પછી અચાનક ઈરાનના પ્રમુખ ઇબ્રાહીમ રાયસીનું હેલીકોપ્ટર પડી ભાંગ્યું હતું. તેનો મુદ્દો ઉખેળવામાં આવ્યો હતો. તે ચોપર દુર્ઘટનામાં રાઈસી અને ઇરાનના કેટલાક વરિષ્ટ અધિકારીઓ માર્યા ગયા હતા. મે ૧૯, ૨૦૨૪ના દિવસે રાયસી અને તેમની સાથે રહેલા વરિષ્ટ અધિકારીઓ, આઝરબૈજાન સાથેની વનાચ્છાદિત, પર્વતીય ગીરીમાળામાં પર રહેલી સરહદની પરિસ્થિતિની તપાસ કરી પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમને લઈ જતું ચોપર અચાનક તૂટી પડયું હતું અને ચોપરમાં રહેલા તમામ દિવંગત થયા હતા.
તે દુર્ઘટના અચાનક અત્યારે યાદ કરવામાં આવી હતી. ઈરાને તે દુર્ઘટના માટે ઉત્તર પશ્ચિમનાં ટ્રાન્સ-કૉકેશિયન રાષ્ટ્ર આઝરબૈજાન ઉપર સીધો આક્ષેપ મુકતાં કહ્યું હતું કે, ઈઝરાયલની જાસૂસી સંસ્થા, મોસાદના દોરી-સંચારથી આઝરબૈજાને જ તે ચોપર તોડી પાડયું હતું.
ઈરાનના એક વરિષ્ટ રાજદ્વારી મહેદી સોભાનીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ઈઝરાયલ, ઈરાનના પાડોશી દેશો ખાસ કરીને આઝરબૈજાનની સહાયથી તેના ડ્રોન વિમાનો ઈરાનની સરહદ ઓળંગી ઈરાનમાં મોકલે છે.
ઉલ્લેખનીય છેકે, સોભાની અત્યારે આર્મેનિયામાં ઈરાનના રાજદૂત પદે છે. તે પણ સર્વવિદિત છે કે, આઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે સતત સરહદી વિવાદ ચાલે જ છે.
આ આંચકાજનક વિધાનો પ્રેસ કોન્ફરન્સમાં કરવા સાથે સોભાનીએ કહ્યું હતું કે, ઇઝરાયલની એક-એક ચાલની ઈરાનને માહિતી મળતી જ રહે છે. ઈરાને આઝારબૈજાનને તેમના દેશમાં જ વધુ શોધ કરવા અનુરોધ પણ કર્યો હતો. ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાને આઝારબૈજાનના પ્રમુખ સાથે આ અંગે ટેલીફોન પર વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાથી ઇઝરાયલે ઈરાનમાં કેટલાક મીની યુએવી (અનમેન્ડ-એરિયલ વ્હીકલ્સ ડ્રોન) ઘૂસાડી દીધા છે.
પ્રશ્ન તે છે કે છેક મે ૧૯, ૨૦૨૪માં બનેલી તે ચોપર દુર્ઘટનાનો મુદ્દો એક વરસથી પણ વધુ સમયે ફરી પાછો ઊછાળવામાં શા માટે આવ્યો અને જૂન ૨૬, ૨૦૨૫ના દિને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ શા માટે યાદ કરાયો ? તેમજ ઈરાનના ટીવી અને અન્ય મીડીયા પર પણ તે શા માટે રજૂ કરાયો ? તેમાયે ઇરાનના લશ્કરની જાસૂસી પાંખે પણ તે હેલિકોપ્ટર દુર્ઘટના ખરાબ હવામાનને લીધે થઈ હોવાનું અને તેમાં કોઈ ષડયંત્ર નહીં હોવાનું કહ્યા છતાં શા માટે આ પ્રશ્ન ઉખેળાયો ? તો ઉત્તર સીધો સાદો છે. ઈરાન કોઈપણ બાબતે ઇઝરાયલને સંડોવવા હવે તૈયાર થયું હોય તેમ લાગે છે.









