મધ્ય પૂર્વના લાલ સમુદ્રમાં કેબલ્સ કપાતા ભારતમાં ઈન્ટરનેટ ખોટકાયું

કેબલ્સના રિપેરિંગમાં સમય લાગશે, વૈકલ્પિક માર્ગે ઈન્ટરનેટનો વપરાશ
ગાઝામાં યુદ્ધ રોકવા ઈઝરાયેલ પર દબાણ માટે યેમેનના હુથિ બળવાખોરોએ કેબલ્સ કાપ્યાની નિષ્ણાતોને આશંકા
લાલ સમુદ્રમાં પેટાળમાં પાથરેલા ઓપ્ટિક કેબલ્સ રવિવારે કપાઈ જવાને કારણે વૈશ્વિક સ્તર પર ઈન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ હતી. તેનાથી યુઝર્સને ઈન્ટરનેટના વપરાશમાં વિલંબ અને ધીમી ગતિનો સામનો કરવો પડયો છે. લાલ સમુદ્રમાં પથરાયેલા ઓપ્ટિકલ કેબલ્સ યુરોપ અને એશિયા વચ્ચે ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે મહત્વપૂર્ણ છે, કારણ કે વૈશ્વિક ઈન્ટરનેટ ટ્રાફિકનો ૧૭ ટકા હિસ્સો આ જ કેબલ્સમાંથી પસાર થાય છે.
રિપોર્ટ્સ મુજબ નુકસાન પામેલા કેપલ્સમાં સીકોમ/ટીજીએન-ઈએ, એએઈ-૧ અને ઈઆઈજી જેવી મુખ્ય સિસ્ટમનો સમાવેશ થાય છે. કેબલ્સ કપાવાથી માઈક્રોસોફ્ટની એઝ્યોર પર પણ મોટી અસર પડી છે. આ સમસ્યાના કારણે ખંડો વચ્ચે ડેટા ટ્રાન્સફરમાં અવરોધ ઊભો થયો છે. આ કેબલ્સને રિપેર કરવામાં સમય લાગી શકે છે. હાલ ડેટાને વૈકલ્પિક માર્ગે મોકલીને કામ ચલાવાઈ રહ્યું છે.
લાલ સમુદ્રમાં અગાઉ પણ કોમર્શિયલ વેસલ્સના કારણે કેબલ્સ કપાયા હોવાની ઘટનાઓ બની છે. જોકે, આ વખતે હજુ સુધી કારણ જાણી શકાયું નથી. વધુમાં કેબલ્સ કપાવા પાછળ હુથિ બળાખોરો હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. યેમેનના હુથિ બળવાખોરોએ ગાઝા પટ્ટીમાં હમાસ સામેનું યુદ્ધ રોકવા ઈઝરાયેલ પર દબાણ લાવવાના પ્રયાસના ભાગરૂપે કેબલ્સ કાપ્યા હોવાનું કેટલાક નિષ્ણાતોનું માનવું છે. પરંતુ હુથિ બળવાખોરોએ કેબલ્સ કાપવાનો ઈનકાર કર્યો છે.
ઈન્ટરનેટ એક્સેસ પર નજર રાખતી કંપની નેટબ્લોક્સે કહ્યું કે, લાલ સમુદ્રમાં કેબલ્સના અનેક અવરોધોએ ભારત અને પાકિસ્તાન સહિત એશિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી પર અસર કરી છે. તેણે સાઉદી અરબના જેદ્દા પાસે એસએમડબલ્યુ૪ અને આઈએમઈડબલ્યુઈ કેબલ સિસ્ટમમાં ખામીને જવાબદાર ઠેરવી છે.
દક્ષિણ પૂર્વ એશિયા-મધ્ય પૂર્વ-પશ્ચિમી યુરોપ ૪ (એસએમડબલ્યુ૪) કેબલનું સંચાલન ટાટા કમ્યુનિકેશન્સ દ્વારા કરાય છે. બીજીબાજુ ભારત-મધ્યપૂર્વ-પશ્ચિમી યુરોપ (આઈએમઈડબલ્યુઈ) કેબલનું સંચાલન અલ્કાટેલ-લ્યૂસેન્ટની દેખરેખમાં એક અન્ય કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવે છે.જોકે, હજુ સુધી કોઈ કંપનીએ આ સંબંધમાં કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
પાકિસ્તાનના ટેલિકોમ્યુનિકેશન જાયન્ટ પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન કં. લિ.એ લાલ સમુદ્રમાં કેબલ્સ કપાયા હોવાનું નિવેદન કર્યું હતું. જોકે, સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ ઈન્ટરનેટ ખોટકાયું હોવા અંગે કોઈ ટીપ્પણી કરી નહોતી. દુબઈ અને અબુ ધાબીમાં સેંકડો ઈન્ટરનેટ યુઝર્સે ઈન્ટરનેટ ધીમું પડયું હોવાની ફરિયાદો કરી હતી, પરંતુ સરકાર તરફથી આ અંગે કશું કહેવાયું નથી.









