Get The App

International Tiger Day 2020 : વિશ્વ વાઘ દિવસ પર જાણો કેટલાક રસપ્રદ તથ્યો...

- જાણો, વિશ્વમાં અને ભારતમાં વાઘની સંખ્યા વિશે...

Updated: Jul 29th, 2020

GS TEAM


Google News
Google News
International Tiger Day 2020 : વિશ્વ વાઘ દિવસ પર જાણો કેટલાક રસપ્રદ તથ્યો... 1 - image

નવી દિલ્હી, તા. 29 જુલાઇ 2020, બુધવાર 

વિશ્વભરમાં આજે વાઘ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે તેમના સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટે કેટલાય કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં હાલ માત્ર 3900 જંગલી વાઘ બચ્યા છે. 20મી શતાબ્દીની શરૂઆતથી જ નિષ્ણાંતો વિશ્વમાં ઘટતી વાઘની સંખ્યાથી ચિંતિંત છે. પરંતુ આ દરમિયાન સંરક્ષણના ઇતિહાસમાં પ્રથમવાર ભારતમાં સારી ખબર જાણવા મળી છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના ઠીક એક દિવસ પહેલા વાઘની ગણનાનો વિસ્તૃત રિપોર્ટ જાહેર કર્યો છે. 

વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. દેશમાં 2967 વાઘ છે, જ્યારે સમગ્ર વિશ્વમાં માત્ર 3900 વાઘ જ બચ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે 'વિશ્વ વાઘ દિવસ'ના એક દિવસ પહેલા વાઘ ગણના રિપોર્ટ, 2018 જાહેર કર્યુ છે. 

આ અવસરે પ્રકાશ જાવડેકરે કહ્યુ, ભારતને પોતાની વાઘ સંપત્તિ પર ગર્વ છે. અમે વાઘના સંરક્ષણને લઇને 12 ટાઇગર રેન્જ દેશો સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણી પાસે કેટલાય સમૃદ્ધ સંસાધન (સૉફ્ટ પાવર) છે, જેમાંથી એક આપણા દેશના પ્રાણીઓ છે. દેશમાં 30 હજાર હાથી, ત્રણ હજાર એક શીંગડાવાળા ગેંડા અને 500થી વધારે સિંહ છે. 

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, વર્ષ 1973માં જ્યાં દેશમાં માત્ર નવ ટાઇગર રિઝર્વ હતા, ત્યાં તેમની સંખ્યા હવે 50 થઇ ચુકી છે. સૌથી મહત્ત્વનું કે આ બધા ટાઇગર સારા છે અથવા તો સર્વશ્રેષ્ઠ છે. વૈશ્વિક સ્તર પર માત્ર 2.5 ટકા ભૂમિ, ચાર ટકા વરસાદ અને વિશ્વની 16 ટકા વસતી હોવા છતાં ભારત વિશ્વનું આઠ ટકા જૈવ વિવિધતા ધરાવતું ઘર છે, જેમાં વાઘની 70 ટકા વસતી પણ સામેલ છે. આપણે 12 ટાઇગર રેન્જ દેશોનું નેતૃત્વ કરવા માટે તૈયાર છીએ. 

વિશ્વમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂટાન, કમ્બોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઇલેન્ડ અને વિયતનામમાં વાઘ જોવા મળે છે. ગત વર્ષની વાઘ ગણના રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2006ની સરખામણીમાં 2018માં વાઘની સંખ્યા બેગણી થઇ ગઇ હતી. 

મધ્ય પ્રદેશમાં સૌથી વધારે વાઘ

વાઘ ગણના અનુસાર, દેશમાં સૌથી વધારે વાઘ મધ્યપ્રદેશમાં છે. દેશના આઠ રાજ્યોમાં વાઘની સંખ્યા 100થી વધારે છે. રિપોર્ટમાં દેશની 50 ટાઇગર રિઝર્વની પરિસ્થિતિઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે. તેના અનુસાર, ઉત્તરાખંડના જિમ કૉર્બેટ ટાઇગર રિઝર્વમાં સૌથી વધારે 231 વાઘ છે, જ્યારે મિઝોરમની ડાંપા, પશ્ચિમ બંગાળની બુક્સા અને ઝારખંડ પલામૂ ટાઇગર રિઝર્વમાં એક પણ વાઘ નથી. 

મધ્યપ્રદેશમાં 526 વાઘ, કર્ણાટકમાં 524 વાઘ, ઉત્તરાખંડમાં 442 વાઘ, મહારાષ્ટ્રમાં 319 વાઘ, તમિલનાડુમાં 264 વાઘ, અસમમાં 190 વાઘ, કેરળમાં 190 વાઘ, ઉત્તર પ્રદેશમાં વાઘની સંખ્યા 173 છે. 

3.5 કરોડ તસવીર લેવામાં આવી, ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ

કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ જણાવ્યું, વાઘની ગણના માટે 50 ટાઇગર રિઝર્વ અને જંગલોમાં ઠેર ઠેર 30 હજાર કેમેરા લગાવીને લગભગ 3.5 કરોડથી વધારે તસવીર લેવામાં આવી છે. આ દરમિયાન 3,81,400 વર્ગ કિલોમીટર વિસ્તારને કવર કર્યુ હતું. આ તસવીરોમાં 76,661 વાઘની જ્યારે 51,777 દિપડાની તસવીર હતી. સુપ્રિયોએ કહ્યુ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વમાં વન્યજીવના સૌથી મોટા કેમેરા ટ્રેપ સર્વે હાથ ધરવા માટેના દેશના પ્રયાસોને બિરદાવવામાં આવ્યાં છે, જે ભારત માટે મોટી સફળતા હતી.  

વાઘ ગણના અનુસાર વર્ષ 2006માં વાઘની સંખ્યા 1411 હતી, વર્ષ 2010માં વાઘની સંખ્યા 1706, વર્ષ 2014માં વાઘની સંખ્યા 2226 હતી જ્યારે વર્ષ 2018માં વાઘની સંખ્યા વધીને 2967 સુધી પહોંચી છે. 

Tags :