બલુચિસ્તાનમાં બળવાખોરોએ 9ને બસમાંથી ઉતારી મારી નાખ્યા
- ક્વેટાથી લાહોર જતી બસ ક્વેટા નજીક ઝોબ વિસ્તારમાં અટકાવી પ્રવાસીઓનાં ID કાર્ડઝ તપાસ્યાં : 9 પંજાબીઓને નીચે ઉતારી ગોળી મારી
લાહોર/ક્વેટા : પાકિસ્તાનના અશાંતિગ્રસ્ત પ્રાંતનાં મુખ્ય શહેર ક્વેટાથી થોડે જ દૂર આવેલા ઝોબ વિસ્તારમાં ક્વેટાથી લાહોર જતી બસ સશસ્ત્ર બળવાખોરોએ અટકાવી બસમાં રહેલા મુસાફરોનાં આઈ.ડી. તપાસી ૯ પંજાબી મુસાફરોને બસમાંથી નીચે ઉતાર્યા અને એક પછી એકને ગોળીએ દીધા.
ટીકાકારો કહે છે : પહેલગાવમાં બનેલી ઘટનાનું જ જાણે કે અહીં પુનરાવર્તન થયું હતું. જો કે કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી ન હતી પરંતુ એમ મનાઈ રહ્યું છે કે, બલુચ-લિબરેશન આર્મી (બીએલએ)ના બળવાખોરોએ જ આ કૃત્ય કર્યું હશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાનમાં સરકાર જેવું જ રહ્યું નથી. ખૈબર-પખ્તુનવામાં ખાન-સાહેબો અને બલુચિસ્તાનમાં અમીરોનાં જ રાજ્યો ચાલે છે.
દરમિયાન એવા અહેવાલો મળ્યા છે કે, વિપ્લવીઓએ બલુચિસ્તાનમાં, કવેટા, બોરાબાઈ અને માસુંગમાં પણ હુમલા કર્યા હતા. પરંતુ સરકારી પ્રવકતાએ જણાવ્યું હતું કે, આર્મીએ આ હુમલા ખાળ્યા હતા.
કેટલાક બિન સત્તાવાર અહેવાલો જણાવે છે કે, બલુચ બળવાખોરો, ચેક-પોસ્ટસ, સરકારી ઓફિસો, પોલીસ સ્ટેશન, બેન્ક અને કોમ્યુનિકેશન ટાવર્સ ઉપર હુમલા કરતા જ રહે છે.
બલુચિસ્તાન સરકારના પ્રવકતા શાહીદ હિંદ જણાવે છે કે, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન અને ઇરાનની સરહદો જ્યાં મળે છે ત્યાંના પર્વતીય પ્રદેશમાં તો બીએલએ સહિત બીજા બલુચ આતંકી સંગઠનો અને પાકિસ્તાનના સલામતી દળો વચ્ચે દાયકાઓથી લડાઈ ચાલી જ રહી છે.
બલુચો, ચાયના-પાકિસ્તાન- ઇકોનોમિક કોરીડોર ઉપર હુમલા કરતા જ રહે છે. આથી આ તેલ અને ખનિજ સમૃધ્ધ પ્રદેશમાં આતંકી હુમલા થાય છે. ગત માર્ચમાં તેમણે ટ્રેઈલરો પર હુમલા કર્યા તે પૂર્વે બરખાત વિસ્તારમાં પંજાબીઓને લઈ જતી બસ ઉપર હુમલા કર્યા હતા.