અન્યાય અને એકપક્ષીય : ભારત પર ટ્રમ્પે લાદેલા ટેરિફ અંગે રશિયાએ ઉગ્ર ટીકા કરી

- રશિયાના ઉપરાજદૂત બાબુસ્કીને કહ્યું : 'ટ્રમ્પ અર્થતંત્રનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યા છે : પરંતુ ભારત અમારૂં ક્રૂડ ખરીદતું જ રહેશે'
નવી દિલ્હી : ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખતા ટ્રમ્પે ભારત પર લાદેલા ૨૫% ટેરિફ તથા ૨૫% શિક્ષાત્મક-ડયુટી પ્રત્યે રશિયા તરફથી ઉગ્ર પ્રતિભાવો આપતા રશિયાના ઉપરાજદૂત રોમ બાબુસ્કીને ઉગ્ર ટીકા કરી હતી. સાથે કહ્યું કે, ટ્રમ્પ જો ભારતને મિત્ર માનતા હોય તો મારે સ્પષ્ટત: કહેવું જોઈએ કે, મિત્રો આ રીતે પરસ્પર સાથે વ્યવહાર કરી ન શકે.
તેમણે વધુમાં કહ્યું કે, રશિયાએ (હજી સુધી) કોઈની પણ ઉપર આવા પ્રતિબંધો મુકયા હોય તેવું કદી બન્યું નથી. બ્રિક્સ સંગઠનના સભ્યો કે અમેરિકા સિવાયના કોઈ દેશે બીજા દેશ ઉપર આવા સેકન્ડરી સેન્ક શન્સ લાદ્યા હોય તેવું જાણવા મળ્યું નથી. વાસ્તવમાં ટ્રમ્પ અર્થતંત્રનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
રશિયા ઉપર પણ પ્રચંડ દબાણ કરાતું હોવા છતાં તમે જોઈ શકો છો કે રશિયાનું અર્થતંત્ર આગળ વધી રહ્યું છે.
અહીં નવી દિલ્હીમાં પત્રકારોને કરેલા સંબોધનમાં બાબુસ્કીને વધુમાં કહ્યું કે ટ્રમ્પે ભારત ઉપર ૨૫% ટેરિફ તથા ૨૫% દંડાત્મક -ડયુટી લાદી છે. પરંતુ ચાયના પણ રશિયા ક્રૂડ ખરીદે છે. તેની ઉપર તેવી ભારે ડયુટી લાદી નથી.
રશિયા દ્વારા ભારતને સપ્લાય કરાતા ક્રૂડ વિષે બોલતા તેઓએ કહ્યું કે ક્રૂડ ભારતની જરૂરિયાતોના ૪૦ ટકા જેટલું ક્રૂડ પુરું પાડે છે અને તેમાં રશિયા તેને એકંદર પાંચ ટકાનો ડીસ્કાઉન્ટ આપે છે. ભારત રશિયા વચ્ચે વ્યાપાર પણ વધી રહ્યો છે. જે ૨૦૩૦ સુધીમાં ૧૦૦ મિલિયન ડોલર સુધી પહોંચશે. ભારત અને રશિયા વચ્ચે વ્યાપાર અસંતુલન છે. પરંતુ તે ઘટાડવા રશિયા ભારતની નિકાસ (રશિયામાં કરાતી આયાત)ને સતત પ્રોત્સાહન આપે છે. સાથે તે પણ સત્ય છે કે, રશિયા ભારત માટે ઊર્જા અને ફર્ટિલાઇઝર ક્ષેત્રે સૌથી મોટુ સપ્લાયર બની રહ્યું છે.
પશ્ચિમના દેશો દ્વારા રશિયા ઉપર મુકાયેલા પ્રતિબંધોને તદ્દન હળવાશથી લેતા બાબુસ્કીને કહ્યું હતું કે રશિયા ઉપર તેની ખાસ અસર થવાની નથી.
યુક્રેન યુદ્ધ વિષે બોલતા તેઓએ કહ્યું હતું કે, પ્રમુખ પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તે સંબંધે લંબાણપૂર્વક વાત કરી હતી. કારણ કે અમારે મન ભારત મહત્વનું છે. અંતમાં તેઓએ ચીનના વિદેશ મંત્રીની ભારતની આગામી મુલાકાતને આવકારી હતી અને કહ્યું હતું કે, ભૂરાજકીય દ્રષ્ટિએ પણ રશિયા ઇંડીયા- ચાયનાની ત્રિમૂર્તિ મહત્વની બની રહેશે.









