મલેશિયામાં ઇન્ફલુએન્ઝાનો પ્રકોપ : 6000 વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત : શાળા-કોલેજો બંધ કરાઈ

- ગત સપ્તાહે આરોગ્ય મંત્રાલયે ઇન્ફલુએન્ઝાગ્રસ્ત તેવા 97 વિસ્તારો જાહેર કર્યા : એક સપ્તાહ પૂર્વે 14 વિસ્તારો જાહેર કરાયા હતા
કૌલાલ્પુર : મલેશિયામાં ઇન્ફલુએન્ઝા પ્રકોપ ફરી વળ્યો હોય તેમ લાગે છે. દેશમાં ૬૦૦૦ વિદ્યાર્થીઓ તેથી અસરગ્રસ્ત થતાં, શાળા-કોલેજો બંધ કરાઈ છે.
મલેશિયાના આરોગ્ય વિભાગના ડાયરેકટર જનરલ મોહમ્મદ આઝમ, અહમદે સોમવારે જણાવ્યું હતું કે, મહામારીનો સામનો કરવા માટે, અમે કોવિડ-૧૯ ના સમયથી જ તૈયાર થઈ ગયા છીએ. તેથી, આ મહામારીથી બાળકો અને વિદ્યાર્થીઓને બચાવવા અમે શાળા-કોલેજો બંધ કરાવી છે. આ ઉપરાંત જાહેરસભાઓ અને સમારંભો બંધ કરાવ્યા છે.
તેઓએ વધુમાં કહ્યું કે શાળા-કોલેજો જ બંધ હોવાથી સહજ રીતે તેઓની ગુ્રપ એકિટવીટી તેમજ રમતગમતો પણ બંધ રહી છે.
આ અધિકારીએ આ સાથે ખેદપૂર્વક સ્વીકાર્યું હતું કે, સોમવાર સાંજ સુધીમાં ૯૭ વિસ્તારો ઇન્ફલુએન્ઝાગ્રસ્ત જાહેર કરવા પડયા છે. જે સંખ્યા તેની પહેલાના સપ્તાહે માત્ર ૧૪ની જ હતી.
માહિતગાર સાધનો જણાવે છે કે, પરિસ્થિતીની ગંભીરતા લક્ષ્યમાં લેતા મલેશિયાની સરકારે જે ઝડપથી પગલા લેવા શરૂ કર્યા છે, તે સરાહનીય છે. હોસ્પિટલોને તૈનાત કરાઈ છે. જો કે હજુ સુધી તે મહામારીથી કોઈ મૃત્યુ થયું હોવાનું નોંધાયું નથી.








