World

ઈન્ડોનેશિયાની શાળામાં હોનારત : મૃત્યુઆંક 37 થયો

By GS TEAM
6 Oct 20251 min read
ઈન્ડોનેશિયાની શાળામાં હોનારત : મૃત્યુઆંક 37 થયો

ઈન્ડોનેશિયાના રાહત-બચાવકારો ગયા સપ્તાહે કડડભૂસ થઈ ગયેલા ઈસ્લામિક બોર્ડિંગ સ્કૂલના પ્રાર્થના હોલની હોનારતના ગુમશુદા વિદ્યાર્થીઓને શોધવા માટે રવિવારે મથામણ કરી રહ્યા હતા, જેના પરિણામે ૨૩ લાશો મળી આવતા મૃત્યુ આંક ૩૭ પર પહોંચ્યો છે.

રેસ્ક્યુ ટીમોએ જેકહેમર, ગોળાકાર કરવત અને ક્યારેક એમના ઉઘાડા હાથોનો ઉપયોગ કરીને ખંતપૂર્વક કાટમાળ હટાવીને ૨૬ ગુમશુદા વિદ્યાર્થીઓના પાર્થિવ દેહોને શોધી કાઢયા. ઈન્ડોનેશિયાના જાવા ટાપુની પૂર્વ બાજુએ આવેલા સિડોઅર્જો શહેરની ૧૦૦ વર્ષ જૂની અલ ખોઝિની શાળાનો પ્રાર્થના-ખંડ ગઈ તા. ૩૦ સપ્ટેમ્બરે બેસી જતાં એનો કાટમાળ સેંકડો વિદ્યાર્થીઓના માથા પર પડયો હતો. દુર્ઘટનાનો ભોગ બનેલાઓ મોટા ભાગે ૧૨ થી ૧૯ વર્ષની વયના વિદ્યાર્થીઓ છે. ફક્ત એક વિદ્યાર્થી ઈજામાંથી બચી ગયો છે, જ્યારે અન્ય ૯૫ જણને વિવિધ ઈજાઓ સામે સારવાર પૂરી પાડી ઘેર જવા દેવાયા છે. 

અન્ય આઠ વિદ્યાર્થીઓ ગંભીરપણે ઘવાયા હોઈ રવિવારે પણ હોસ્પિટલમાં જ રહ્યા છે.

શાળામાં પરવાનગી વિના વધુ બે માળનું બાંધકામ થઈ રહ્યું હતું ત્યારે ઈમારતની માળખાકીય નિર્બળતાના પરિણામે પ્રાર્થના-ખંડ સહિતનું ૮૦૦ ચોરસ મીટરનું બાંધકામ બેસી જતા હોનારત થઈ હતી.

આ બનાવના પરિણામે, ઈન્ડોનેશિયામાં ચાલતા ગેરકાયદે અન્ય બાંધકામો સામે પ્રજામાં વ્યાપક રોષ ફેલાયો છે.