સૌથી મોટા મુસ્લિમ દેશમાં સાંસદોના પગાર મુદ્દે બળવો, તોડફોડ-હિંસા બાદ પ્રમુખ એક્શનમાં
Indonesian President Cancels China Visit: ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતોએ રવિવારે SCO સમિટ 2025માં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો છે. તેઓ ચીન નહીં જાય. અચાનક સમિટમાં ભાગ ન લેવા પાછળનું કારણ ઈન્ડોનેશિયામાં ફાટી નીકળેલા હિંસક દેખાવો છે. જ્યાં સાંસદોના પગાર વધારા સામે મોટાપાયે દેખાવો થઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે, અને ડઝનબંધ ઇમારતો અને જાહેર સુવિધાઓનો નાશ થયો છે. પ્રબોવોએ જકાર્તામાં હિંસક દેખાવોના કારણે ચીનની મુલાકાત રદ કરી છે. તેઓ ચીનમાં બીજા વિશ્વયુદ્ધના અંતની 80મી વર્ષગાંઠ નિમિત્તે 3 સપ્ટેમ્બરના રોજ આયોજિત 'વિજય દિવસ' પરેડમાં હાજરી આપવાના હતા.
હિંસક દેખાવોનું કારણ
નોકરીઓ અને પગાર મુદ્દે અસંતોષ વચ્ચે સરકાર દ્વારા સાંસદોના પગારમાં વધારો કરવામાં આવતાં દેખાવો શરૂ થયા હતા. આ દેખાવોમાં સામેલ મોટરસાયકલ ટેક્સી ડ્રાઈવરને શુક્રવારે પોલીસના સશસ્ત્ર વાહને ટક્કર મારતાં પરિસ્થિતિ વણસી હતી. મીડિયા અહેવાલ મુજબ, પ્રબોવોએ શુક્રવારે મોડી રાત્રે મૃતક ડ્રાઇવરના પરિવારને મળી શોક વ્યક્ત કર્યો હતો. તેમજ તપાસ પર દેખરેખ રાખવાનું વચન આપ્યું હતું. પ્રમુખના પ્રવક્તા પ્રસેત્યો હાદીએ કહ્યું કે, પ્રમુખ પરિસ્થિતિ પર નજર રાખવા અને તેના માટે શ્રેષ્ઠ ઉકેલો શોધી રહ્યા છે. તેથી તેમણે ચીની સરકાર પાસે માફી માંગી કે તેઓ આમંત્રણમાં હાજરી આપી શકશે નહીં.
અનેક સ્થળોએ લૂંટફાટ
પ્રદર્શનકારીઓએ નાસ્ડેમ પાર્ટીના નેતા અહમદ સહરોનીના ઘરમાં લૂંટફાંટ કરી હોવાના અહેવાલ છે. અહમત સહરોનીએ વિરોધીઓને 'મૂર્ખ' કહ્યા હોવાથી તેમણે આ પગલું ઉઠાવ્યું હતું. હાસ્ય કલાકારમાંથી ધારાસભ્ય બનેલા ઇકો પેટ્રિયોના ઘરમાં પણ ચોરી કરી હોવાના અહેવાલ છે, જોકે આ વાતની ખાતરી થઈ નથી. ટિકટોકના પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે વધતી હિંસાને કારણે અમે સ્વેચ્છાએ લાઈવ કાર્યક્રમ સ્થગિત કર્યો છે.
પ્રાદેશિક સંસદ ભવનમાં આગ
અહેવાલો અનુસાર, વિરોધીઓએ શનિવારે પ્રાદેશિક સંસદ ભવનમાં આગ લગાવી હતી, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા પાંચ ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાએ જકાર્તામાં લૂંટફાટ અને અનેક પરિવહન સુવિધાઓને નુકસાન પહોંચાડ્યા હોવાના અહેવાલ આપ્યા હતા. જકાર્તામાં તંગદિલી વધી છે, અને પ્રમુખ પ્રબોવો પોતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
શાંત રહેવા કરી અપીલ
રાષ્ટ્રીય પોલીસ વડા લિસ્ત્યો સિગિત પ્રબોવોએ શનિવારે લશ્કરી કમાન્ડર અગુસ સુબિયાંતો સાથે મળી ટીવી પર લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, પ્રમુખે આવા 'અરાજક કૃત્યો' સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. નાગરિકોને અભિવ્યક્તિ અને એકત્ર થવાનો અધિકાર છે, પરંતુ વિરોધીઓ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જેમાં ઇમારતો અને પોલીસ મુખ્યાલય પર હુમલો નિંદનીય છે. ઉલ્લેખનીય છે, જકાર્તામાં હિંસક દેખાવોના કારણે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરના દૂતાવાસોએ તેમના નાગરિકોને ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવા ચેતવણી આપી છે.