World

અમેરિકાની નેવલ એકેડેમીમાં અંધાધૂંધ ગોળીબાર : જાનહાની નહીં એકને ઈજા

By GS TEAM
12 Sep 20252 mins read
અમેરિકાની નેવલ એકેડેમીમાં અંધાધૂંધ ગોળીબાર : જાનહાની નહીં એકને ઈજા

- 'ગન-કલ્ચર' અમેરિકી કલ્ચરનો ભાગ બની રહ્યું છે

- ગોળીબાર કરનાર યુવાનને એકેડેમીમાંથી રસ્ટ્રીકેટ કરાયો હતો તેણે મીલિટરી પોલીસ તરીકે ઓળખાવી ડોર્મટરીએ દરવાજો ઉઘડાવ્યો હતો

એન્નાપોલિસ (મેરીલેન્ડ, યુએસ) : અહીંની નેવલ એકેડેમીની ડોર્મેટરીમાં એક રસ્ટ્રીકેટ કરાયેલા કેડેટે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જોકે તે ગોળીબાર તેણે કોઈ ચોક્કસ નિશાન લઈ કર્યો ન હતો તેથી ૧૬૦૦ કેડેટસને સમાવતી એકેડેમીની આ વિશાળ ડોર્મેટરીમાં માત્ર એક કેડેટને જ ઈજા થઈ હતી.

પ્રાપ્ય માહિતી પ્રમાણે ગુરૂવારે મોડી રાત્રે આ કેડેટે ડોર્મેટરીનાં બારણા પર 'નોક' કરતાં પૂછવામાં આવ્યું કે કોણ છે ? ત્યારે તેણે કહ્યું- 'મિલિટરી પોલીસ' આથી ડોર ઉઘાડવામાં આવ્યો પછી ઝડપથી તે યુવાન અંદર ધસી ગયો અને આડા-અવળા ગોળીબારો શરૂ કરી દીધા. તેણે કોઈ ચોક્કસ નિશાન લઈ ગોળીબાર કર્યા ન હતા તે સ્પષ્ટ છે. સંભવ તે પણ છે કે તેનો ઇરાદો કોઈની હત્યા કરવાનો હોઈ ન શકે પરંતુ તે ગોળીબારમાં એક કેડેટને ઇજા થઈ હતી. તેને તુર્તજ હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયો તેમ એકેડેમીની ડોર્મેટરી સંભાળતા રેક્ટર લેફટેનન્ટ નેવીડ લેમાટે જણાવ્યું હતું.

તે કેડેટ તો પછી તુર્ત જ પકડાઈ ગયો, તે પોલીસને શરણે પણ થયો પરંતુ તે સાથે ૧૮મી સદીના અંતથી અમેરિકામાં શરૂ થયેલા ગન-કલ્ચરનો અંત દેખાતો નથી. પૂર્વ પ્રમુખ જો બાયડેને તે માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ બંદૂકો વેચનારાઓની લોબી એટલી જોરદાર છે કે તેઓ તેની ઉપર પ્રતિબંધ મુકી શક્યા નહીં. તેમાંયે ટેક્ષાસ, એરિઝોના, નેવાડા, ઉટાહ જેવા રાજ્યોમાં તો કેહવત પડી ગઈ હતી કે, 'હીયર મેન કેન સર્વાઈવ, બાય રાઈડીંગ ફાસ્ટ એન્ડ શુટિંગ ફાસ્ટર.'