Get The App

ઇરાનમાં દેખાવકારો પર બેફામ ગોળીબાર, 217નાં મોત

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનમાં દેખાવકારો પર બેફામ ગોળીબાર, 217નાં મોત 1 - image

- માત્ર રસ્તા પર ઉતરવું પૂરતું નથી, શહેરો પર કબજો કરો : ક્રાઉન પ્રિન્સ પહલવી 

- મહિલાઓ રણચંડી બની : સર્વોચ્ચ નેતા ખામેનેઇની તસવીરને આગ લગાવી બાદમાં તેનાથી સિગારેટ સળગાવી

- સમગ્ર ઇરાનમાં ઇન્ટરનેટ સસ્પેન્ડ, અનેક ફ્લાઇટો રદ કરાઇ, આંદોલન હજુ વધુ ઉગ્ર બનવાની શક્યતા

તેહરાન : ઇરાનમાં ઇસ્લામિક શાસન સામે લાખો લોકો રસ્તા પર ઉતર્યા છે. વર્તમાન શાસકો સામે આંદોલન કરી રહેલી જનતા પર બેફાણ ગોળીબાર કરાઇ રહ્યો છે. ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇના આદેશ પર સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો હતો જેમાં ૨૧૭થી વધુ નાગરિકોના મોત નિપજ્યા છે. સૌથી વધુ હત્યાઓ રાજધાની તેહરાનમાં થઇ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જ્યારે આંદોલનને સમર્થન આપી રહેલા પૂર્વ શાહી પરિવારના ક્રાઉન પ્રિંસ રઝા પહલવીએ આંદોલનકારીઓને શહેરો પર કબજો કરવા હાકલ કરી છે તેથી આ આંદોલન હજુ લાંબુ ચાલવાની શક્યતા છે.   

ટાઇમ પત્રિકાને નામ ન આપવાની શરતે એક સ્થાનિક ડોક્ટરે જણાવ્યું હતું કે માત્ર છ હોસ્પિટલોમાં જ ઓછામાં ઓછા ૨૧૭ પ્રદર્શનકારીઓના મૃત્યુની નોંધ કરવામાં આવી છે. મોટાભાગના લોકો ગોળી વાગવાને કારણે મોતને ભેટયા છે. મૃતકોમાં મોટાભાગના યુવા વયના લોકો છે. ઉત્તર તેહરાનના એક પોલીસ સ્ટેશન બહાર અનેક લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમના પર મશીન ગનથી અંધાધુંધ ગોળીબાર કરી દેવાયો હતો. જે ૨૧૭ લોકો માર્યા ગયા છે તેમાં મોટાભાગના પોલીસ સ્ટેશન બહારની આ ઘટનામાં જ મોતને ભેટયા છે. 

ઇરાનના વર્તમાન કટ્ટરવાદી શાસકોએ મહિલાઓના અધિકારોને કચડવા પુરો પ્રયાસ કર્યો છે. એવામાં હાલ જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં મહિલાઓ આગલી હરોળમાં છે. મહિલાઓ અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા છે જેમાં મહિલાઓ પહેલા ઇરાનના શાસક ખામેનેઇની તસવીરને સળગાવે છે, બાદમાં આ સળગતી તસવીરથી સિગારેટ સળગાવતી જોવા મળી હતી. મહિલાઓ એક રીતે ખામેનેઇ અને તેના કટ્ટરવાદી શાસકોને ખુલ્લી ચેતવણી આપતા કહી રહી છે કે અમારામાં હવે કોઇ જ ડર નથી રહ્યો. ઇરાનમાં જાહેર સ્થળોએ મહિલાઓના સિગારેટ પીવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલુ જ નહીં ખામેનેઇની તસવીર સળગાવવી ગંભીર ગુનો માનવામાં આવે છે. એવામાં મહિલાઓ આ બન્ને પ્રતિબંધોનો ભંગ કરીને સત્તા સામે પડી છે.

ઇરાનમાં વર્તમાન શાસન સામેના વિરોધને બે સપ્તાહનો સમય વીતી ચુક્યો છે. તેમ છતા આંદોલનકારીઓએ હાર નથી માની, ઇરાનના લગભગ તમામ પ્રાંતોમાં વિરોધ વંટોળ ફેલાઇ ચુક્યો છે. જેને રોકવા માટે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. શનિવારે મોટાભાગની સ્કૂલ-કોલેજો બંધ રહી હતી અથવા તો ઓનલાઇન વર્ગો ચલાવાયા હતા. આંદોલનકારીઓએ આ વિરોધ પ્રદર્શનને લાંબા સમય સુધી શરૂ રાખવાનું આયોજન તૈયાર કર્યું છે. કેટલીક એરલાઇન્સ દ્વારા ઇરાનમાં ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. જેમ કે ઓસ્ટ્રિયન એરલાઇન્સે શનિવારે કહ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે. ઇરાનમાં આંદોલનકારીઓને સમર્થન આપી રહેલા પૂર્વ શાહી પરિવાર સાથે જોડાયેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને શહેરો પર કબજો કરવાનું આહવાન કર્યું હતું. શનિવારે તેમણે એક નિવેદન જાહેર કર્યું હતું અને આંદોલનકારીઓને કહ્યું હતું કે હવે લક્ષ્ય માત્ર રસ્તા પર ઉતરવા પુરતુ ના હોવું જોઇએ, લોકોએ હવે શહેરોના મુખ્ય હેડક્વાર્ટર્સ પર કબજો કરી લેવાનો સમય આવી ગયો છે.  આંદોલનકારીઓએ શહેરો પર ચડાઇ કરીને તેને પોતાના કબજામાં લઇ લેવા જોઇએ.