- દેવોસમાં મળી રહેલી WEFની ૫૬મી પરિષદના પહેલાં જ દિવસે ભારત માટે ઘણા ઉત્સાહ પ્રેરક સમાચારો મળી રહ્યા છે
દેવોસ (સ્વિત્ઝર્લેન્ડ) : અહીં મળી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબ્લ્યુ ઈ.એફ.)ની ૫૬મી વાર્ષિક પરિષદમાં પહેલા જ દિવસે ભારતની ભરપેટ પ્રશંસા કરવામાં આવી હતી. ડબલ્યુ.ઈ.એફ.ના પ્રમુખ બોર્ગે બ્રેન્ડેએ પત્રકારોને કહ્યું હતું કે, ભારત આ વર્ષે મોટાં અર્થતંત્રોમાં સૌથી ઝડપથી આગળ વધનારો દેશ બની રહેશે. તેઓએ આગળ કહ્યું કે વિશ્વના આર્થિક વિકાસમાં એક માત્ર ભારતની જ ભાગીદારી ૨૦ ટકા સુધી થઈ શકે છે.
ભારતના વિકાસ દર પર ખુશી દર્શાવતાં તેઓએ કહ્યું કે, ભારતનો વિકાસ ઘણો સારો છે, પરંતુ જો મોદી અને ટ્રમ્પ વ્યાપાર સમજૂતી (ટ્રેડ-એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કરશે તો તે સોનામાં સુગંધ સમાન બની જશે. તે માત્ર બે દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે લાભદાયી બની રહેશે. આ વર્ષે જ તેમાં ભારતની ભાગીદારી ૨૦ ટકા જેટલી થવા સંભવ છે.
બ્રેન્ડેએ આ માટે કારણો આપતાં કહ્યું કે મોદી સરકારે જે ઝડપથી અને જે મક્કમતાથી આર્થિક સુધારા લાગુ કર્યા તેથી તેઓ ભારતીય અર્થતંત્ર વિષે આટલા 'બુલીશ' (આશાવાદી) છે.
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ વિષે તેમણે કહ્યું કે નવી ટેકનિક વિકાસનું નવું એન્જિન બની શકશે. આરોગ્ય વિષયક સંશોધનોમાં જે માટે ૨૫ વર્ષ લાગતાં હતાં તે હવે પાંચ વર્ષમાં જ થઈ શકે તેમ છે.
આમ છતાં તેમણે એઆઈના દુરૂપયોગ સામે ચેતવણી આપી હતી અને ઓટોનેલ્સ વેપન્સ અંગે પણ ચેતવણી ઉચ્ચારી હતી.


