ભારતનું ઓપરેશન સિંદૂર આધુનિક યુદ્ધનું માસ્ટર ક્લાસ ઉદાહરણ, થાઈ એરફોર્સે કર્યા વખાણ
Thailand Airforce on Operation Sindoor : પહલગામમાં આતંકીઓએ 22 મેના રોજ હિન્દુઓની નામ પૂછીને હત્યા કરી હતી, જેના જવાબમાં ભારતીય સૈન્યે ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહી કરતા ચોક્સાઈપૂર્ણ હુમલો કરીને પાકિસ્તાનમાં આવેલા નવ આતંકી સ્થળોનો ખાત્મો બોલાવ્યો હતો અને તેના 11 એરબેઝને ભારે નુકસાન પહોંચાડયું હતું. ભારતની સૈન્ય ક્ષમતા દર્શાવતા આ ઓપરેશન સિંદૂરને રોયલ થાઈ એરફોર્સે આધુનિક યુદ્ધનું માસ્ટર ક્લાસ ઉદાહરણ ગણાવ્યું છે અને કહ્યું, ભારતે 314 કિ.મી. દૂરથી પાકિસ્તાનનું વિમાન ઉડાવીને રેકોર્ડ સર્જ્યો છે.
રોયલ થાઈ એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય એરફોર્સે જે રીતે પાકિસ્તાનમાં છેક દૂર સુધીના ટાર્ગેટ પર સચોટતાથી હુમલો કર્યો અને તેને તોડી પાડયા, સાથે બહુસ્તરીય હવાઈ સંરક્ષણ સિસ્ટમનું પ્રદર્શન કર્યું તે આધુનિક સૈન્ય અભિયાનો માટે માસ્ટર ક્લાસ ઉદાહરણ બની ગયું છે.
થાઈલેન્ડની રોયલ થાઈ એરફોર્સની કોન્ફરન્સમાં ભારતીય એરફોર્સની એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ, ઈન્ટીગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અને લો-ઓલ્ટીટયુડ, હાઈ-સ્પીડ મિસાઈલોના સંયોજનને ભારતની અસાધારણ સૈન્ય ક્ષમતાઓનું પ્રતીક ગણાવાયા છે. વિશેષરૂપે એસ-400 મિસાઈલ સિસ્ટમની ભૂમિકાને નિર્ણાયક માનવામાં આવી છે.
થાઈ એરફોર્સના રિપોર્ટમાં જણાવાયું હતું કે, ભારતીય એરફોર્સે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન પર હુમલો કરવા માટે રડાર ઈવેસિવ રૂટ્સ, સચોટ નિર્દેશિત હથિયારો અને સ્વદેશી એન્ટી-રેડિયેશન મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો, જે દર્શાવે છે કે ભારત હવે મર્યાદિત સ્ટ્રાઈકની નીતિથી આગળ વધીને ડીપ સ્ટ્રાઈક ડેટરન્સ તરફ વધી ગયું છે.
ભારતીય હુમલાઓએ પાકિસ્તાની એરબેઝના રનવે, કમાન્ડ સેન્ટર અને હાઈ-વેલ્યુવાળી સંપત્તિઓનો નાશ કરી નાંખ્યો. ભારતે પાકિસ્તાનના સ્વીડિશ નિર્મિત સાબ ૨૦૦૦ એરીઆઈ એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ (અવોક) વિમાનને ૩૧૪ કિ.મી. દૂરથી ઉડાવી દીધું, જે એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.
આજ સુધી કોઈપણ દેશની એરફોર્સે આટલી દૂરથી સચોટ નિશાન લગાવ્યું નથી. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ આ સચોટ નિશાન લગાવ્યું હતું.