World

ભારતનો ભવ્ય વિજય : ઇરાનના ચા-બહાર બંદરને વિકસાવવા માટે ટ્રમ્પે પ્રતિબંધો 6 માસ માટે મોકૂફ રાખ્યા

By GS TEAM
31 Oct 20252 mins read
ભારતનો ભવ્ય વિજય : ઇરાનના ચા-બહાર બંદરને વિકસાવવા માટે ટ્રમ્પે પ્રતિબંધો 6 માસ માટે મોકૂફ રાખ્યા

- નજર ચીન-પાકિસ્તાનની દોસ્તી પર છે

- પાકિસ્તાને ગ્વાડર વિકસાવવા ચીનને ઠેકો આપી દીધો છે. તે સંયોગોમાં ગ્વાડરથી માત્ર 100 કિ.મી. દૂર જ રહેલા આ બહારનું વ્યૂહાત્મક મહત્વ ઘણું છે

નવી દિલ્હી : તાજેતરમાં ચીન અમેરિકાની બોન- હોમી (ઘરોબા)ના સમાચારો મીડીયાના મથાળાઓએ ચમકયા હતા. રસ્તે ચાલતો માણસ પણ જાણે છેકે હાથીના ચાવવાના જુદા અને દેખાડવાના જુદા દાંત હોય છે. રાજકારણમાં આ સહજ છે. તેમાં આશ્ચર્ય નથી. પશ્ચિમની નજર ચીન-પાકિસ્તાન દોસ્તી પર છે. પાકિસ્તાને ગ્વાડર બંદર વિકસાવવા ચીનને શિવાર્પણ કર્યું છે. શિવાર્પણ તે એવું અર્પણ છે કે જે પાછું ન લઈ શકાય. ચીનાઓ પાછુ આપે તેમ પણ નથી.

ભારતે તે સામે ઇરાનના ચા-બહાર બારાં (કુદરતી બંદર) ને વિકસાવવાનો ઠેકો (કોન્ટ્રેકટ) લીધો છે. પહેલા તો ટ્રમ્પે ભારત પર પ્રતિબંધો મુકવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ પછીથી તે પ્રતિબંધો ૬ માસ માટે મોકુફ રાખ્યા છે. તે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે ગુરુવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું કે અમેરિકાએ રશિયન ઓઇલ કંપનીઝ ઉપર અમેરિકાએ મુકેલ પ્રતિબંધો અને તેની અસરો વિષે અભ્યાસ કરી રહ્યું છે.

આ સાથે જયસ્વાલે પત્રકારોને વિશ્વાસપૂર્વક કહ્યું હતું કે, ગઈકાલે અમેરિકાના વર્તમાન પત્રોમાં આવેલા સમાચારો અમે વાંચ્યા છે કે ટ્રમ્પ તંત્રે ભારત પર પ્રતિબંધો મુકવાનું ૬ મહિના માટે મોકુફ રાખ્યું છે.

આ પ્રતિબંધો તા. ૨૯મી ઓકટોબરથી જ દૂર કરવામાં આવ્યા છે. ભારતે ચીન પાસેથી દુર્લભ ધાતુઓ પ્રાપ્ત કરવા ચીન સાથે કરારો કર્યા છે. સાથે ટ્રેડ એન્ડ ટેરિફ અંગે પણ અમેરિકા સાથે મંત્રણાઓ ચાલે છે.

જો કે ઇરાન પર પ્રતિબંધો માટે તો તેઓ (ટ્રમ્પ) મક્કમ છે. તે અલગ વાત છે. તેને અને ચા-બહારને કોઈ સંબંધ નથી.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રિન્સીપલ ડેપ્યુટી સ્પોકપર્સન થોમસ પીગોટે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટી તંત્ર, ઇરાન- ફ્રીડમ એન્ડ કાઉન્ટર પ્રોલિફરેશન એક્ટ (આઇએફસીએ) દ્વારા ઇરાન ઉપર વધુમાં વધુ દબાણ મુકી રહ્યું છે. તેથી ચા-બહાર બંદર ઉપર કાર્યરત ભારતીય ઇજનેરોને આ ટેકિનશ્યનોને ભારે ભીંસ પડતી હતી. જે હવે દૂર થઈ જશે.

ચા-બહાર વિકસાવવા માટે ઇન્ડીયન પોર્ટસ ગ્લોબલ લિમિટેડ (આઈપીજીએલ) અને ઇરાનનાં પોર્ટ એન્ડ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (પીએમઓ) વચ્ચે થયેલા કરારો પ્રમાણે ચા-બહાર પોર્ટના શહીદ બેટસી ટર્મિનલ ઉપર ભારતનો સંપૂર્ણ કાબુ રહેશે.

અરબી સમુદ્રના હેડ પર રહેલું આ બારું વ્યાપાર- વાણિજયની દ્રષ્ટિએ તો મહત્વનું છે જ પરંતુ તેનું વ્યુહાત્મક મહત્વ પણ અસામાન્ય છે. અરબી સમુદ્રના તટ પર ચા-બહાર અને મસ્કતમાં બંદરો બે લોખંડી પહેરેગીર બની રહે તેવા છે.