World

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ચીનમાં ભારતની નિકાસ 22 ટકા વધી 8.41 અબજ ડોલર થઇ

By GS TEAM
28 Oct 20252 mins read
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ચીનમાં ભારતની નિકાસ 22 ટકા વધી 8.41 અબજ ડોલર થઇ

- નિકાસ 6.90 અબજ ડોલરથી વધુ 8.41 અબજ ડોલર થઈ

- ટ્રમ્પના ટેરિફના કારણે ભારતમાં ઝીંગા, એલ્યુમિનિયમ અને ટેક્સ્ટાઇલની નિકાસ પર વિપરીત અસર પડી

નવી દિલ્હી : ટ્રમ્પ એકબાજુએ ટેરિફ-ટેરિફ કરી રહ્યા છે તો ભારતે તેની નિકાસ યાદીનૈ વૈવિધ્યસભર બનાવવા માંડી છે. ટ્રમ્પના ટેરિફની વચ્ચે ભારતે ચીનમાં થતી નિકાસમાં ૨૨ ટકાનો વધારો નોંધાવ્યો છે. ભારતે દર્શાવી દીધું છે કે તે કોઈપણ પ્રકારના દબાણ આગળ ઝૂકતું નથી. ભારતના ચીન સાથેના સુધરેલા સંબંધનો પુરાવો એ છે કે વર્તમાન નાણા વર્ષના પ્રથમ છ માસમાં ચીનમાં થતી નિકાસ ૨૨ ટકા વધી છે. 

અહેવાલ મુજબ ભારત અને ચીન વચ્ચે એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૫ વચ્ચેનો કારોબાર વધ્યો હતો. તેના પગલે ચીનમાં થયેલી નિકાસ પણ વધીને ૮.૪૧ અબજ ડોલર થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાના ૬.૯૦ અબજ ડોલરની તુલનાએ વધારે છે. 

તેમા પણ ખાસ કરીને અમેરિકન ટેરિફથી અસર પામેલી પ્રોડક્ટ્સની ચીનમાં ખાસ્સી માંગ જોવા મળી છે. અમેરિકન પ્રોડક્ટ્સથી સૌથી વધુ અસર પામેલા સેક્ટરોમાં ઝીંગા અને એલ્યુમિનિયમ મુખ્ય છે. આ ઉપરાંત બીજા ઘણા ક્ષેત્રોમાં ચીનમાં થતી નિકાસમાં તેજી જોવા મળી છે.

ગ્લોબલ ડેટાના જણાવ્યા મુજબ ટ્રમ્પના ટેરિફના લીધે ભારતના અમેરિકા જતાં એર કાર્ગોમાં ૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આંધ્રપ્રદેશનો ઝીંગા ઉદ્યોગ લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયાનો છે. તેમા ૫૦ ટકા ઓર્ડર ટેરિફ નાખવામાં આવતા રદ થયા હતા. 

તેના પછી બીજા સૌથી વધુ અસર પામેલા સેક્ટર એલ્યુમિનિયમ અને ટેક્સ્ટાઇલ હતા. ઇન્ડિયન ટેક્ટાઇલ ઇન્ડસ્ટ્રીના સરવેમાં સામે આવ્યું હતું કે નિકાસ પર ૫૦ ટકા ટેરિફથી તૈયાર વસ્ત્ર ઉદ્યોગ ઓછા કારોબારની સ્થિતિનો સામનો કરી રહ્યો છે અને કારોબારમાં લગભગ  ૫૦ ટકા ઘટાડો થયો છે. 

ભારતમાં ચીનના રાજદૂત શ ફીહાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા ભારત-ચીન વેપારમાં થયેલા વધારાને લઈને આનંદની લાગણી વ્યક્ત કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં ચીનમાં ભારતની નિકાસ ૨૨ ટકા વધી છે. બૈજિંગ ભારતીય વસ્તુઓનું વધુને વધુ પ્રમાણમાં સ્વાગત કરે છે. આ રીતે અમેરિકન ટેરિફની અસરને ખાળવા મદદ કરવા તૈયાર છે.