લેંગવિન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પાસ થયો, નિયંત્રણો પણ મૂકાયા
ફ્લોરિડાના નેતા લેંગવિને તમામ ભારતીયોના વિઝા રદ કરી દેશ નિકાલ કરવા ટ્રમ્પ સમક્ષ માગ કરી હતી
ભારતીયો વિરુદ્ધ ઝેર ઓકનાર કાઉન્સિલર લેંગેવિનને સમિતિઓમાંથી દૂર કરાયા
વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન, ટેરિફ નીતિઓથી ભારતને ભારે નુકસાન થઈ રહ્યું છે. આવા સમયે અમેરિકન નેતા ચાંડલર લેંગવિને ભારતીયો વિરુદ્ધ ઝેર ઓકતા તમામ ભારતીયોના દેશ નિકાલની માગ કરી હતી, જેથી ભારે હોબાળો મચી ગયો હતો. તેમના વિવાદાસ્પદ નિવેદનની કોંગ્રેસ સાંસદો, ભારતીય મૂળના અમેરિકનોએ આકરી ઝાટકણી કાઢી હતી. તેમના વિરોધમાં વાતાવરણ સર્જાતા આખરે સિટી કાઉન્સિલે તેમના વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પાસ કર્યો હતો અને તેમના પર નિયંત્રણો મૂક્યા હતા.
ફ્લોરિડાના નેતા ચાંડલર લેંગવિને સોશિયલ મીડિયા પર ભારતીયો વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરી હતી. પામ બે કાઉન્સિલ સભ્ય ચાંડલર લેંગવિને સોસિયલ મીડિયા પર ભારતીયો વિરુદ્ધ શ્રેણીબદ્ધ પોસ્ટ કરી હતી. લેંગવિને લખ્યું, આજે મારો જન્મદિવસ છે અને પ્રમુખ ટ્રમ્પ સમક્ષ હું માગ કરું છું કે બધા જ ભારતીયોના વિઝા રદ કરી દેવા જોઈએ અને તાત્કાલિક તેમનો દેશ નિકાલ કરવો જોઈએ. અમેરિકા અમેરિકનો માટે છે. લેંગવિને અન્ય એક પોસ્ટમાં લખ્યું, કોઈ માત્ર ભારતીયોની ભરતી કરે, ભારતમાં નાણાં મોકલે, ભારતની ચૂંટણીઓનો પ્રચાર કરે, અમેરિકન સરકારી ઈમારતો પર ભારતીય ધ્વજ ફરકાવવાની વકીલાત કરે અને તેમના પરિવારમાંથી કોઈ આપણા સૈન્યમાં સેવા આપવા તૈયાર ના હોય, તેમની વફાદારી માત્ર ભારત પ્રત્યે હોય તો તેમનો દેશ નિકાલ કરવો જોઈએ.
લેંગવિને પોતાની પોસ્ટમાં ભારતીયો પર અમેરિકનોનું શોષણ કરવાનો આક્ષેપ કર્યો અને કહ્યું તેમને અમેરિકાની કોઈ ચિંતા નથી. ભારતીયો અહીં અમેરિકનોના ખીસ્સા ખાલી કરવા આવ્યા છે. તેણે સ્ટોકન અકસ્માતનો ઉલ્લેખ કર્યો, જેમાં ભારતીય મૂળના હરજિંદર સિંહ પર ગેરકાયદે યુ-ટર્નના કારણે ત્રણ લોકોની મોતનો આરોપ ઘડાયો હતો.
વાંધાજનક પોસ્ટ કર્યા પછી ભારતીય અમેરિકન જૂથો અને અમેરિકન સાંસદોએ લેંગવિનની આકરી ટીકા કરી હતી. પામ સિટી કાઉન્સિલમાં તેના વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરાયો હતો. વધુમાં લેંગવિન પર કેટલાક નિયંત્રણો મૂકાયા હતા.


