અમેરિકામાં 21 ફેબુ્રઆરીથી બર્થ રાઈટ પ્રતિબંધનો અમલ
સમય પહેલાં જન્મ માતા-બાળક બંને માટે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોવાની ડૉક્ટરોની ચેતવણી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ લાગુ થયા પછી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ અથવા વિઝા પર અમેરિકામાં રહેતા વિદેશીઓના સંતાનો અમેરિકામાં જન્મ છતાં જન્મના આધારે નાગરિક્તા મેળવી શકશે નહીં. પ્રમુખ ટ્રમ્પનો આદેશ ૨૦ ફેબુ્રઆરીથી લાગુ પડશે. આ પહેલાં જ ગેરકાયદેરીતે ઘૂસણખોરી કરી અથવા કાયદેસરના વિઝા મેળવી અમેરિકામાં રહેતી ગર્ભવતી મહિલાઓ સમય પહેલાં જ સિઝેરિયન ઓપરેશન કરાવી ડિલિવરી કરાવવા માગે છે, જેથી તેમના સંતાનને જન્મના આધારે નાગરિક્તા મળી શકશે અને સંતાનોના કારણે તેમને અને તેમના પતિને અમેરિકામાં રહેવા માટેનું કાયદાકીય કારણ મળી જશે.
ન્યૂ જર્સીના એક મેટરનિટી ક્લિનિકનાં ડૉ. એસડી રામાનું કહેવું છે કે ટ્રમ્પે જન્મના આધારે નાગરિક્તા ખતમ કરવાની વાત કરતા તેમના ક્લિનિકમાં સમય પહેલાં સિઝેરિયનથી ડિલિવરી કરાવવા માટે આવતી મહિલાઓમાં સૌથી વધુ ભારતીય છે. આ બધી જ મહિલાઓ ૨૦ ફેબુ્રઆરી પહેલા જ ડિલિવરી કરાવવા માગે છે. એક મહિલા સાત મહિનાની ગર્ભવતી છે. તેનો ડિલિવરીનો સમય માર્ચ હોવો જોઈએ, પરંતુ તે ૨૦ ફેબુ્રઆરી પહેલાં જ ડિલિવરી કરાવવા માગે છે.
ટેક્સાસનાં પ્રસૂતિ સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ. એસજી મુક્કલાનું કહેવું છે કે છેલ્લા બે દિવસમાં ૧૫થી ૨૦ યુગલ સમય પહેલાં ડિલિવરી કરાવવા માટે આવ્યા છે. તેમને સમજાવ્યા હતા કે સમય પહેલાં ડિલિવરી શક્ય છે, પરંતુ તેનાથી બાળક અને માતા બંનેને જોખમ છે. સમય પહેલાં ડિલિવરીથી બાળકોના ફેફસાં યોગ્ય રીતે વિકસિત થઈ શકશે નહીં. તેમને દૂધ પીવામાં તકલીફ પડી શકે છે, જન્મ સમયે બાળકનું વજન ઓછું હોઈ શકે છે, જેથી તેમને ન્યૂરોલોજિકલ તકલીફોનો સામનો કરવો પડી શકે.
ભારતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો એચ-૧બી વિઝા પર નોકરી માટે અમેરિકા જાય છે. જોકે, અમેરિકામાં સ્થાયી રોકાણ માટે ગ્રીન કાર્ડ મેળવવા ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે નોકરીના આધારે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓની સંખ્યા લાખોમાં છે. તેથી ભારતીયો અમેરિકામાં સંતાનને જન્મ આપીને પોતાના સંતાનને અમેરિકન નાગરિક બનાવી દેતા હતા. આથી અમેરિકામાં સ્થાયી થવાનું તેમનું સપનું ઝડપથી સાકાર થઈ શકતું હતું. જોકે, હવે તે મુશ્કેલ બની ગયું છે.


