World

યુકેમાં ભારતીય મહિલાનો સેપ્સિસમાંથી ચમત્કારિક બચાવ

By GS TEAM
22 Feb 20262 mins read
યુકેમાં ભારતીય મહિલાનો સેપ્સિસમાંથી ચમત્કારિક બચાવ

હવે યુકેમાં જાગૃતિ કાર્યક્રમો યોજશે 

છ વખત હૃદય બંધ પડી ગયું, બંને હાથ પગ પણ કાપી નાખવા પડયા

લંડન: ઈંગ્લેન્ડના વેસ્ટ મીડલેન્ડ રિજિયનમાં રહેતી ભારતીય યુવતી સેપ્સિની બીમારીમાંથી ચમત્કારિક રીતે ઉગરી ગયા બાદ હવે યુકેમાં તે અંગે જાગૃતિ ફેલાવશે. તે ગયાં સપ્તાહે સારવાર બાદ હોસ્પિટલમાંથી ઘરે પાછી ફરી હતી. 

૫૬ વર્ષની મનજીત સંઘાને ગયાં વર્ષે જુલાઈ માસમમાં સેપ્સિસ થયું હતું. તેના કારણે તેનાં અનેક અંગો કાપી નાખવાં પડયાં હતાં. તબીબોના જણાવ્યા અનુસાર તેને કોઈ નાના ઘા અથવા તો પછી તેના પાલતુ કૂતરાની લાળમાંથી સેપ્સિસ થયું હોવાની આશંકા છે. 

તેને ગયા બુધવારે બર્મિંગહામની એક હોસ્પિટલમાંથી રજા મળી હતી. તે પૂર્વે તની સારવારના ખર્ચમાં તેના પતિ  કમલમજીત સંઘાની મદદ માટે એક ફંડ રેઈઝિંગ સંસ્થા તરફથી ૩૦ હજાર પાઉન્ડનું ભંડોળ એકત્ર કરાયું હતું. 

ફાર્મસીમાં કામ કરતી મહિલા ગયા જુલાઈ મહિનાની એક સાંજે નોકરીએતી પાછા ફર્યા સ્હેજ અસ્વસ્થ થઈ હતી. જોકે, બીજા દિવસે સવારે તો તે બેભાન જ થઈ ગઈ હતી. તેના હાથપગ ઠંડા પડી ગયા હતા, હોઠ જાંબલી રંગના બની ગયા હતા અને તે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી અનુભવતી હતી. 

સારવાર દરમિયાન તેનું હૃદય છ વખત કામ કરતું બંધ થઈ ગયું હતું અને તેના શરીરમાં ચેપ પ્રસરી જતાં ડોક્ટરોએ તેના બંને હાથ તથા બંને પગ કાપી નાખવા પડયા હતા. 

તેને સેપ્ટીક શોક થતાં ડાયાલિસીસ તથા લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવી હતી. સાથે સાથે તેને જવલ્લે જ જોવા મળે તેવી સમગ્ર શરીરમાં અસામાન્ય રીતે લોહીના ગઠ્ઠા જામી જાય તેવી જીવલેણ તકલીફ ડિસસેમિનેટેડ ઈન્ટ્રાવાસ્ક્યુલર કોગ્યુલેશન (ડીઆઈએસ) પણ ઉભી થઈ હતી. 

તેના ૬૦ વર્ષીય પતિએ કહ્યું હતું કે તે બહુ બહાદૂર સ્ત્રી છે. દર વખતે અમને લાગ્યું હતું કે અમે તેને ગુમાવી દીધી છે પરંતુ દર વખતે તે આ તકલીફો સામે  લડી હતી. 

તેને ઓનલાઈન ભંડોળ દ્વારા મળેલાં નાણાંનો ઉપયોગ મનજીતને કૃત્રિમ અંગો અપાવવા માટે તથા ફિઝિયોથેરાપી તથા અન્ય સારવાર માટે વપરાશે.