ન્યૂયોર્કમાં ભારતીય મૂળના મહિલા મનદીપ કૌરનુ મૃત્યુ: વણઉકેલાયેલા રહસ્ય
ન્યૂયોર્ક, તા. 12 ઓગસ્ટ 2022 શુક્રવાર
ન્યૂયોર્કમાં ભારતીય મૂળના મહિલા મનદીપ કૌરના મૃત્યુને એક અઠવાડિયા કરતા વધારે સમય વીતી ગયા બાદ પણ એ નક્કી થઈ શક્યુ નથી કે તેમનુ મોત આત્મહત્યા હતી કે નહીં? આ દરમિયાન મનદીપ કૌરનો મૃતદેહ ન્યૂયોર્કના રિચમંડ હિલ વિસ્તારના જ એક ફ્યુનરલ હોમમાં રાખવામાં આવ્યો છે અને તેમના અંતિમ સંસ્કાર પર પણ વિવાદ અકબંધ છે.
મનદીપ કૌરનો પરિવાર ઈચ્છે છે કે તેમના અંતિમ સંસ્કાર ભારતમાં કરવામાં આવે જ્યારે મનદીપ કૌરના પતિ રણજોતબીર સિંહ સંધૂ તેમના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવા ઈચ્છે છે. પરંતુ પોલીસ હજુ આ કેસમાં એ નક્કી નથી કરી શકી કે મનદીપ કૌરએ પતિ દ્વારા થતી ઘરેલુ હિંસાના કારણે કંટાળીને આત્મહત્યા કરી છે. જેથી મનદીપનો મૃતદેહ અને તેમની બે નાની બાળકીઓની કસ્ટડી કાયદેસરરીતે તેમના પતિને મળી છે.
રિચમંડ હિલ વિસ્તારમાં મનદીપ કૌરના ઘરે અત્યારે તેમના પતિ રહેતા નથી. પરિવારના સંબંધીઓએ જણાવ્યુ કે પોલીસે તેમના પતિને કહ્યુ છે કે તેઓ સુરક્ષાના કારણે અત્યારે પોતાના ઘરે રહે નહીં. તેથી બંને બાળકોઓની સાથે મનદીપ કૌરના પતિ હાલ કોઈ અજાણ્યા સ્થળે રહી રહ્યા છે.
તેમના ઘરની સામેવાળા ભાગમાં બાળકોના ઘણા રમકડા વિખરાયેલી સ્થિતિમાં જોઈ શકાય છે. આસપાસ રહેતા લોકો આ ઘટનાથી સ્તબ્ધ છે પરંતુ તેમાંથી મોટાભાગના આ ઘટના વિશે વાત કરવાનો ઈનકાર કરી રહ્યા છે. એક પાડોશીએ નામ જણાવ્યા વિના એ કહ્યુ કે આ ખૂબ જ દુખદ ઘટના છે અને જે પણ સમસ્યા રહી હોય પરંતુ પરિસ્થિતિ આટલી હદ સુધી પહોંચવી ના જોઈએ.
2 નહીં 1 ઓગસ્ટે થયુ હતુ મૃત્યુ
પરિવારના સંબંધીઓના જણાવ્યા અનુસાર ઓગસ્ટની પહેલી તારીખે 30 વર્ષીય મનદીપ કૌરએ પોતાના દુપટ્ટાથી ગળેફાંસો ખાધો હતો. એક વીડિયો જે મનદીપ કૌરએ ફાંસી પહેલા રેકોર્ડ કર્યો હોય તેવુ કહેવામાં આવી રહ્યુ છે. વીડિયોમાં મનદીપ કૌર રડી રડીને કહી રહ્યા હતા કે તેમનો પતિ તેમને હેરાન કરે છે. વીડિયોમાં મનદીપ કૌરએ કહ્યુ કે તેમના પતિ તેમને મારે છે અને હવે તે વધુ સહન કરી શકશે નહીં. કહેવાય છેકે આ બાદ જ તેમણે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.
જોકે મનદીપના પતિએ જણાવ્યુ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો પાંચ વર્ષ જૂનો છે અને તેમનુ લગ્ન જીવન સારુ હતુ. 2018માં ભારતમાંથી અમેરિકા આવ્યા બાદ મનદીપ પોતાના પરિવારની સાથે રિચમંડ હિલ વિસ્તારમાં જ્ઞાની રણજીત સિંહના ઘરના ઉપરના ભાગમાં ભાડે રહેતા હતા. રણજીત સિંહ મનદીપ કૌરના પરિવારના નજીકના સંબંધી છે જે હવે આ ઘટના સાથે જોડાયેલા તમામ કેસની દેખરેખ કરી રહ્યા છે.
જ્ઞાની રણજીત સિંહ મનદીપ કૌરના મોત વિશે જણાવતા કહે છે, મને જ્યારે 1 ઓગસ્ટે જાણ થઈ કે મનદીપે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો તો તે જ સમયે અમે પરિવાર સહિત તેમના ઘરે પહોંચ્યા અને મનદીપને દુપટ્ટાથી બનેલા ફાંસામાં લટકેલા જોયા, તેમને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા અને તે સમયે તેઓ જીવિત હતા. તેમને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવાયા પરંતુ હોસ્પિટલ પહોંચીને તેમનુ મૃત્યુ થઈ ગયુ.
રણજીત સિંહે જણાવ્યુ કે અગાઉ પણ તેમણે મનદીપ કૌર અને તેમના પતિની વચ્ચેના ઘરેલુ કેસને કોર્ટમાં લઈ જવામાં મદદ કરી હતી અને બાદમાં મનદીપ કૌરએ પતિ વિરુદ્ધ કેસ પાછો ખેંચી લીધો હતો. મનદીપનો પતિ ટ્રક ડ્રાઈવર છે. મનદીપના પરિવારજનોનુ કહેવુ છે કે તે દિકરો ન થવાના કારણે મનદીપ કૌરને જવાબદાર ઠેરવીને હેરાન કરતો હતો અને મનદીપને કહેતો હતો કે તે પોતાના પરિવારજનો પાસેથી લાખો રુપિયા માગે.