અમેરિકા સાથે મિની ટ્રેડ ડીલ ઘોંચમાં ભારતીય ટીમ ફરી વોશિંગ્ટન જશે

- ભારતે 26 દેશો સાથે 14થી વધુ એફટીએ કર્યા : અગ્રવાલ
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૯ જુલાઈની ડેડલાઈન પહેલાં સોમવારે જાપાન, દક્ષિણ કોરિયા સહિતના દેશો પર નવા ટેરિફની જાહેરાત કરી ત્યારે માનવામાં આવતું હતું કે, અમેરિકા અને ભારત વચ્ચે મિનિ ટ્રેડ ડીલ થઈ ગઈ છે અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ગમે તે ઘડીએ તેની જાહેરાત કરી શકે છે. પરંતુ આ વાતને ત્રણ દિવસ થઈ ગયા છતાં ટ્રમ્પે કોઈ જાહેરાત કરી નથી. જેથી અમેરિકા સાથે મિનિ ટ્રેડ ડીલ ઘોંચમાં પડી હોવાની અટકળો થવા લાગી છે. પરિણામે ભારતીય ટીમ ટૂંક સમયમાં ફરી વોશિંગ્ટન જશે.
અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સોદા માટે વાટાઘાટો કરી રહેલા મુખ્ય વાટાઘાટકાર અને વાણિજ્ય વિભાગમાં વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે ગુરુવારે જણાવ્યું કે, અમેરિકા સાથે વેપાર સમજૂતીને વાતચીત મારફત અંતિમરૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સમજૂતીનો પહેલો તબક્કો આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય છે. આ પહેલાં બંને દેશ વચગાળાની વેપાર સમજૂતી (મિનિ ટ્રેડ ડીલ)ને અંતિમરૂપ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ માટે ભારતીય ટીમ ફરી એક વખત ટૂંક સમયમાં વોશિંગ્ટન જવા રવાના થશે.
રાજેશ અગ્રવાલે કહ્યું કે, ભારતે અત્યાર સુધીમાં ૨૬ દેશો સાથે ૧૪થી વધુ મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) લાગુ કરી છે. ભારત હવે વિકસિત બજારો સાથે જોડાઈ રહ્યું છે. આપણે તાજેતરમાં જ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમિરાત સાથે સમજૂતી કરી છે. આપણે યુરોપીયન સંઘ સાથે વાતચીતના આગળના તબક્કામં છીએ. આપણે અમેરિકા સાથે પણ સમજૂતી પર વાતચીત કરીને તેને અંતિમરૂપ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, ભારત, ચીલી અને પેરુ સહિત લેટિન અમેરિકન દેશો સાથે પણ વેપાર સમજૂતી પર વાતચીત કરી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ.
અમેરિકા સાથે વેપાર કરાર અંગે રાજેશ અગ્રવાલે કહ્યું કે, ભારતની નિકાસ અને આયાત ૧૧૫૦ અબજ અમેરિકન ડોલરને પાર થઈ ગઈ છે. તેથી લોજિસ્ટિક્સ મહત્વપૂર્ણ છે. આગામી વર્ષોમાં વિશ્વ વેપારમાં ભારતની ભાગીદારીને ૧૦ ટકા સુધી વધારવામાં લોજિસ્ટિક્સની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદો થઈ જાય અને ભારત પર ઓછા ટેરિફ લાગુ થાય તો સેમસંગ તેના સ્માર્ટફોન ઉત્પાદનનો એક ભાગ વિયેતનામથી ભારત શિફ્ટ કરવા માટે તૈયાર છે. તેનાથી દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન ઉત્પાદક કંપની સેમસંગ ભારતને અમેરિકન બજાર માટે સ્માર્ટફોન બનાવવાનું મુખ્ય કેન્દ્ર બનાવી શકે છે. સેમસંગના વૈશ્વિક પ્રમુખ અને મોબાઈલ એક્સપિરિયન્સ ડિવિઝનના ચીફ ઓપરેટિંગ ઓફિસર વોન-જૂન ચોઈએ કહ્યું કે, કંપનીએ અમેરિકામાં ટેરિફ અંગે અનિશ્ચિતતાને જોતા દુનિયાના અનેક દેશોમાં ઉત્પાદનની તૈયારી કરી છે. અમે અમેરિકા માટેના સ્માર્ટફોનનું ઉત્પાદન ભારત સહિત અનેક ફેક્ટરીઓમાં કરવા માટે તૈયાર છીએ.








